વિ. સં. ૨૦૮૦ અષાઢ વદ ૯
૨૯-૦૭-૨૦૨૪, સોમવાર
ગીતાર્થ ગંગા, અમદાવાદ
સમેતશિખર તીર્થરક્ષાર્થે સકળ સંઘ જોગ નિવેદન
વિશ્વની સર્વોત્કૃષ્ટ કલ્યાણકભૂમિ શ્રી સમેતશિખરજી મહાતીર્થ અંગે દાયકાઓથી સરકારની સામે કોર્ટ કેસ ચાલુ છે. છતાં સરકાર પોતે મહાતીર્થની પવિત્રતાને વારે વારે ગંભીર નુકસાન પહોંચાડે છે અને બીજા લોકો પહોંચાડતા હોય, તેને રોકતી પણ નથી. સરવાળે, ૨૦-૨૦ નિર્વાણભૂમિઓની પવિત્રતાને થઈ રહેલ અકલ્પ્ય હાનિ દાયકાઓ સુધી મૂક પ્રેક્ષક બનીને જોયા કરવાની આવે છે.
આ સમસ્યાનું વહેલી તકે નિવારણ થાય, તેવાં શુભ આશયથી – શિખરજી તીર્થરક્ષાર્થે ત્રીસ વર્ષથી સળંગ અટ્ઠમના પારણે અટ્ઠમની આરાધના કરનાર ઉગ્રતપસ્વી સુશ્રાવિકા દર્શનાબેન નયનભાઈ શાહ દ્વારા એક Interim Application (વચગાળાની અરજી) ૨૨/૭/૨૦૨૪નાં રોજ સીધી Supreme Courtમાં દાખલ કરવામાં આવી છે. જેમાં શિખરજી તીર્થની પવિત્રતાને ભારે ધક્કો પહોંચાડનારા કૃત્યો વિસ્તૃત પુરાવાઓ સહિત રજૂ કરવા સાથે તેને અટકાવવાની માંગણી કરાઈ છે. જે શિખરજીના કેસમાં વર્ષોથી આણંદજી કલ્યાણજી પેઢી, જૈન શ્વેતાંબર સોસાયટી તથા ઉગ્રતપસ્વી સુશ્રાવિકા દર્શનાબેન નયનભાઈ શાહ પક્ષકાર રૂપે લડત આપી રહ્યા છે, તે દાયકાઓ જૂના કેસ સાથે આ વચગાળાની અરજીને સુપ્રીમ કોર્ટે તુર્ત જ સંલગ્ન કરેલ છે, જે શ્રી સંઘના મહાન પુણ્યોદયની નિશાની છે. આ વચગાળાની અરજી, મૂળભૂત કેસને તથા ત્રણે પક્ષકારોએ કરેલા શુભ પ્રયત્નને મજબૂત પીઠબળ પૂરું પાડે, તેવી શાસન દેવના ચરણે પ્રાર્થના.
૩૧ જુલાઈ ૨૦૨૪ના દિવસે સુપ્રીમ કોર્ટમાં શિખરજીના મૂળભૂત કેસની પણ સુનાવણી પ્રારંભ થવાની છે. તે દિવસે સકળ શ્રી સંઘ વધુમાં વધુ મંગલકારી આયંબિલ આદિ તપ તથા જપ દ્વારા સૂક્ષ્મનું બળ પૂરું પાડે, તેવી ખાસ ભલામણ.
જાપનું પદ – ૐ હ્રીઁ શ્રી સમેતશિખરતીર્થ અધિષ્ઠાયક શ્રી ભોમિયાજી દેવ! ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ રક્ષાં કુરુ કુરુ સ્વાહા
(ગ. આ. વિજયયુગભૂષણસૂરિ)