Muni Shri Kaivalyajitvijayji Ganipad Patrika Spashtikaran Prashna Dishanirdesh

                                                                                                               

વિ. સં. ૨૦૭૯, મહા વદ ચોથ (દ્વિતીય)

 તા. ૧૦/૦૨/૨૦૨૩, શુક્રવાર

  રણુ ગામ

મુનિશ્રી કૈવલ્યજિતવિજયજીની ગણિપદ પ્રદાન પત્રિકાના સ્પષ્ટીકરણ બાબતે ઉઠાવેલા પ્રશ્નોનો દિશાનિર્દેશ

‘પાવન એવી જિનવાણીને પ્રસારિત કરવાના પ્લેટફોર્મ’નો ઉપયોગ કરાવીને સોશિયલ મીડિયામાં જાહેર કરાવેલો ૨૯ જાન્યુઆરીની તારીખવાળો મુનિશ્રીએ લખેલો પ્રત્યુત્તર હમણાં વાંચવામાં આવ્યો.

તેમાં મુનિશ્રીએ જણાવેલા પોતાના મત મુજબ તેમનો પોતાનો પ્રત્યુત્તર વ્યર્થ વિવાદ રૂપ-શાસનની લઘુતાનું કારણ-ડહાપણ વિનાનો અને મિથ્યા આગ્રહોમાં અટવાવનાર છે, અર્થાત્ મુનિશ્રીએ પ્રત્યુત્તર આપીને સ્વ-પરનું ભારે અકલ્યાણ કર્યું છે, તેવો તેમનો ભાવાર્થ છે. વળી, તેમણે ઉઠાવેલા પ્રશ્નોનો જવાબ પણ તેમને જોઈતો નથી, તેવો તેમનાં પ્રત્યુત્તરનો સ્પષ્ટ ભાવ જણાય છે, તેથી અમારે ખુલાસો આપવાનું રહેતું નથી. પરંતુ ઉપરોક્ત પ્રત્યુત્તરમાં ૨૩ જાન્યુઆરીનાં અમારા સ્પષ્ટીકરણનો ખરો ખુલાસો આપવાને બદલે અમારા વડીલ ગુરુદેવો ઉપર અયોગ્ય રીતે આંગળી ઉઠાવવાનું કામ તેઓએ કર્યું છે. આ પરિસ્થિતિમાં પૂ. ગુરુદેવો અંગે લોકોમાં ભ્રમ ન ફેલાય તે માટે કંઈક દિશાનિર્દેશ કરવો જરૂરી સમજું છું.

મુનિશ્રીનાં કહેવા મુજબ ઈનકાર ન કરી શકાય તેવી હકીકતને બેહૂદી સરખામણી ન કહેવાય, સરખામણી અપેક્ષાએ હોય, તેથી ગુરુદેવ સાથેની તેમની સરખામણી યોગ્ય છે.

પરંતુ સરખામણી જે પણ અપેક્ષાએ થતી હોય, તેમાં હંમેશા ઉચિત-અનુચિતના ધારાધોરણ રહેવાના જ. જેમ, પ્રજાપાલ રાજાએ જ મયણાસુંદરી અને સુરસુંદરીનાં લગ્ન કરાવ્યાં હોવાં છતાં પ્રજાપાલ રાજાએ કરાવેલા તે બંનેના લગ્નની સરખામણી કરવી સાવ હાસ્યાસ્પદ જ ગણાય. જેમ, જિનવચનનો આગ્રહપૂર્વક પ્રગટ અપલાપ કરનારા આચાર્યને ‘તિત્થયર સમો સૂરી’ કહેવા, તે શાસ્ત્રવચનની એક મજાક અને બેહૂદી સરખામણી જ છે. ‘તેઓ આચાર્ય છે-આ ઈન્કાર ન કરી શકાય તેવાં પ્રગટ સત્યનો સહજતાથી સ્વીકાર કેમ નહીં?’ આવી દલીલ અહીં તદ્દન ખોટી જ ગણાય.

તેની જેમ મુનિશ્રીની પોતાના ગુરુદેવની પદવી સાથેની સરખામણી એકદમ અનુચિત છે, તેનાં કારણો અમે અમારા સ્પષ્ટીકરણમાં જણાવ્યાં જ છે. વળી, ગુરુદેવ શ્રી યુગભૂષણવિજયજી મહારાજાના ગણિપદ પ્રદાન વખતે જે વ્યવહાર કરાયો, તેનો પણ સ્પષ્ટીકરણમાં મોઘમ અને સંક્ષિપ્ત સંકેત આપ્યો છે. તેથી પદપ્રદાનની અપેક્ષાએ પણ ગુરુદેવ સાથેની સરખામણી યોગ્ય નથી.

પ્રત્યુત્તરમાં સવાલ ઉઠાવ્યો છે કે, યુગભૂષણવિજયજી મહારાજાએ સાગર સમુદાયનાં મહાત્મા પાસે જોગ કર્યા, તે ઉચિત કહેવાય? અને તેમણે સાગર સમુદાયનાં મહાત્માને પદ આપતી વખતે તેમનાં ગુરુદેવને પૂછાવ્યું હતું?

પૂ. ગુરુદેવશ્રીનાં દાદાગુરુદેવ શ્રી પ્રેમસૂરિજી મહારાજાએ સાગર સમુદાયનાં મહાત્માને જોગની આરાધના કરાવી હતી, તે મુનિશ્રીને ધ્યાનમાં હોય તેવું લાગતું નથી. બાકી, પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજીએ તેમના ગુરુદેવ શ્રી રામચંદ્રસૂરિજી મહારાજાને યુગભૂષણવિજયજી મહારાજ માટે તત્કાલીન જોગ કરાવવાની અનુકૂળતા પૂછાવતાં પૂ. આચાર્યદેવેશ રામચંદ્રસૂરિજી મહારાજાએ ફરમાવ્યું હતું કે, હમણાં અહીં અનુકૂળતા નથી. તમે બીજા પાસે જોગ કરી શકો છો. આ રીતની સંમતિ મુનિપ્રવરશ્રીએ તેમનાં ગુરુદેવશ્રી પાસેથી લેવડાવી હતી. તે સંમતિને ધ્યાનમાં રાખીને મોહજિતવિજયજી મહારાજાએ કરેલ આજ્ઞા મુજબ સાગર સમુદાયના મહાત્મા પાસે યુગભૂષણવિજયજી મહારાજાએ યોગોદ્વહનની આરાધના કરી હતી. તેથી મુનિશ્રી કૈવલ્યજિતવિજયજીએ જે સાગર સમુદાયના મહાત્માઓ સાથેના વ્યવહાર બાબતે આંગળી ઉઠાવી છે, તે માત્ર તેમનાં ભવનિસ્તારક ગુરુદેવશ્રી ઉપર જ નહીં, પરંતુ મુનિશ્રી જેમને પોતાનાં કૃપાદાતા માને છે તે આદ્યગચ્છસ્થાપક મુનિપ્રવરશ્રી મોહજિતવિજયજી મહારાજા ઉપર અને પરોક્ષ રીતે તો આચાર્યદેવેશ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ઉપર પણ આંગળી ઉઠાવી છે.

વાસ્તવમાં, ગીતાર્થ ગુરુ ભગવંતો પાસે માંડલી વ્યવહાર સ્થાપિત કરવાનાં અધિકારો છે જ. પરંતુ તેના માટે તેમનાં ગુરુદેવની સંમતિ આવશ્યક છે. અહીં સાગર સમુદાયનાં મહાત્માઓનાં ગુરુદેવે તે મહાત્માઓને સામેથી જ્ઞાનાભ્યાસ માટે યુગભૂષણવિજયજી મહારાજાને સોંપ્યા હતાં. પરંતુ વર્ષો બાદ જ્યારે વિવાદ થયો, ત્યારે તેમનાં ગુરુદેવોએ સાગર સમુદાયનાં તે મહાત્માને વોસિરાવી દીધાં. આ બાજુ, તે મહાત્માએ વડીલ આચાર્ય ભગવંત શ્રી વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાનું શરણું લીધું. વડીલ આચાર્યશ્રીએ તેમને નિશ્રા આપી અને અમુક સમય બાદ ગણિવર્ય શ્રીયુગભૂષણવિજયજી મહારાજાને આજ્ઞા કરવાપૂર્વક સોંપ્યાં. આ મહાત્માની કોઈપણ પદવી પ્રસંગે તેમનાં શરણદાતા વડીલ આચાર્ય ભગવંત હયાત નહોતાં અને તેમનાં ગુરુદેવોએ તો વોસિરાવી દીધાં હોવાથી પૂછવાનો સવાલ ઉભો થતો નથી.

મુનિશ્રીનાં કહેવા મુજબ મોટા વડીલોની સંમતિમાં નીચેનાં વડીલોની સંમતિ સમાઈ જ જાય.

પરંતુ જ્યાં એક આજ્ઞાતંત્ર હોય ત્યાં મોટા વડીલની આજ્ઞામાં નીચેના બધા મહાત્માઓની આજ્ઞા સંમતિ સમાઈ જાય, આજ્ઞાતંત્ર જુદું હોય તો અલગથી આજ્ઞા લેવી જ પડે, આ શાસ્ત્રીય વ્યવહારને મુનિશ્રી કેમ ભૂલી ગયા?

અમારો કહેવાનો મુદ્દો એ છે કે, પદવીની અપેક્ષાથી-ગુરુ મહારાજની સંમતિ લીધા વિના થોડા સમય માટે સામાચારી બદલવી, સંઘ એકતાનાં ઉદ્દેશ્ય સાથે સંકળાયેલી-સમુદાયની મુખ્ય સામાચારીમાંથી પલટાઈ જવું, પાછી મરજી પડે ત્યારે તે બદલેલી સામાચારી પણ મૂકી દેવાનો રસ્તો રાખવો, છેવટે આવું કર્યા પછી બેહૂદી સરખામણી કરવી, તેમાં વળી ‘આનંદમાં અધિકાઈ’ કરવી, તેનાં માટે અમે સ્પષ્ટીકરણ કર્યું તો ખુલાસો આપવાને બદલે વડીલ ગુરુદેવો પર અનુચિત રીતે આંગળી ઉઠાવવી, આ બધું ખૂબ નાલેશીભર્યું છે. ખરેખર તો પદવી આદિની અપેક્ષાથી વ્યક્તિ કેવી મનોદશા સુધી પહોંચી છે, તે સૂચવી જાય છે.

અમારા ગુરુદેવ ગચ્છાધિપતિ શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.)એ ક્યારેય પદવીની અપેક્ષા કે ભારે દબાણને વશ થઈ જોગ કરવા સામે કોઈપણ સામાચારીનો સ્વીકાર, શરતી સ્વીકાર કે લેખિત સ્વીકાર કર્યો નથી. પરંતુ, પોતાનાં ગુરુદેવની સંમતિપૂર્વક વડીલ ગુરુબંધુની આજ્ઞાથી સાગર સમુદાયની વિધિઓ મુજબ પદથી નિઃસ્પૃહ રહીને જોગની આરાધના કરી છે. જ્યારે મુનિશ્રીએ પદવીની અપેક્ષાથી-ગુરુદેવની સંમતિ વિના-સામાચારી બદલવાનો લેખિત સ્વીકાર કરી લીધો અને આટલું કર્યા પછી પણ પોતાનાં ગુરુદેવ સાથે સરખામણી કરીને આનંદ લેવો છે, તે ઘણી દુઃખદ બીના છે.

અમે ગુરુદેવો બાબતનાં તેમનાં પ્રશ્નોનો દિશાનિર્દેશ જ કર્યો છે, જેથી સુજ્ઞ જીવો સાચી દિશા મેળવી શકે. બાકી તેમનાં એક-એક મુદ્દાઓની સચોટ સમીક્ષા કરી શકાય તેમ છે. વળી, તેમણે જે ‘અધૂરા તર્કો’ વગેરે આક્ષેપો અને વિશેષણો અમારા માટે વાપર્યા છે, યોગદ્રષ્ટિ વગેરેનાં પ્રશ્નો કર્યા છે, તે બધાની પણ વિશદ સમીક્ષા થઈ શકે છે. પરંતુ તેનો અત્યારે અવસર નથી. હા, એટલું ચોક્કસ કહીશું કે તેમનાં આક્ષેપો અને યોગદ્રષ્ટિ વગેરેનાં પ્રશ્નો તેમનાં મત પ્રમાણે સૌથી પહેલાં તેમનાં પ્રત્યુત્તરને તો લાગુ પડે જ છે.

વળી, તેમણે ગુરુદેવશ્રીનાં શાસનરક્ષાના કાર્યનાં મહત્ત્વપૂર્ણ અંગભૂત ‘પૂર્વજો કહે છે’ અને ‘શા માટે?’ જેવી શ્રેણિઓ ઉપર જે કટાક્ષ કર્યો છે, તે ગુરુદેવશ્રીનાં શાસનકાર્ય પ્રત્યેનો ભારોભાર અણગમો વ્યક્ત કરતો હોય તેવું દેખાય છે. ઉપરાંત, તે શ્રેણિઓ જેવાં ઉત્તમ શાસનકાર્યો આત્મકલ્યાણ માટે નિરર્થક હોવાની દ્રઢ માન્યતા પણ જાહેર થાય છે.

  • બીજું, તેમણે પોતાની પત્રિકામાં બેહૂદી સરખામણી કરીને વિવાદ પ્રારંભ્યો, છતાં તેઓ મારા નામે જવાબદારી ચડાવી દેવા માંગે છે, જે તેમની માનસિકતા જ છતી કરે છે. અમને વિવાદમાં જરાય રસ નથી, પણ ગુરુદેવો માટે જાહેરમાં ગમે તેમ લખાય, તે તો કેમ ચલાવી શકાય?
  • આ પ્રત્યુત્તરમાં મુનિશ્રીએ એક વિચિત્ર હરકત કરી છે. તેમાં તેમણે પોતાને મૂંઝવતાં પ્રશ્નો તો મૂક્યાં છે, પરંતુ તેનો જવાબ કોઈને નહીં આવડતો હોય, તેવાં પૂર્વાગ્રહ સાથે મૂક્યાં છે અને ક્યાંક કોઈ જવાબ ન આપી દે, તેવાં ભય સાથે જવાબના દરવાજા પણ બંધ કરી દીધાં છે.

આવી હરકતની ટીકા તેમણે પોતે જ ગુરુદેવશ્રીનું પુસ્તક ‘રાજચંદ્ર વિષયક પત્રવ્યવહાર’ની પ્રસ્તાવનામાં કરી છે, તેનો અંશ અત્રે યાદ કરાવીએ છીએ. જે અત્યારે આબેહૂબ રૂપે તેમને પોતાને જ લાગુ પડે છે.

‘…આ દ્વિતીય પત્રની હાસ્યાસ્પદ ચેષ્ટા તો એ હતી કે, તે પત્રમાં તેઓએ બીજા પ્રશ્નો પૂછાવ્યા હતા, સાથે તે પ્રશ્નોના જવાબ ન લખતા એવી ભારપૂર્વક ભલામણ પણ તેમાં જ કરી હતી. હવે જેને સમજવાની ઈચ્છા જ નથી, શંકા હોવા છતાં જે સમાધાન મેળવવાથી દૂર ભાગે છે તેને પરાણે કઈ રીતે સમજાવવું? ક્યાંક સામેવાળા સમાધાન ન આપી દે તેવા ભયના ઓથાર નીચે જીવવું જેને પસંદ છે તેવાઓની તો ભાવદયા ચિંતવવાની હોય !!…’

સકળ શ્રી સંઘનું મંગલ થાઓ! સૌને સદ્બુદ્ધિ મળે!

                                                                                                    (આ. વિજયકલ્પભૂષણસૂરિ)