ઘોરીનાં સુલતાનોનાં આક્રમણો :–
અફઘાનિસ્તાનના ઘોરી રાજ્યનો સુલતાન મહમ્મદ જે ભારતના ઇતિહાસમાં મહમ્મદ ઘોરી તરીકે નામચીન છે. તેણે ઈ.સ. ૧૧૭૮માં ગુજરાત ઉપર હલ્લો કરી[38] નાડોલ શહેરનાં મૂર્તિ તથા મંદિરો ધ્વસ્ત કર્યા, સંપત્તિઓ લૂંટી લીધી ને પાછો ચાલ્યો ગયો.[39]
ત્યારબાદ ઈ.સ. ૧૧૯૧માં મહમ્મદ ઘોરી, અજમેરના ન્યાયી અને પરાક્રમી રાજા પૃથ્વીરાજ ચૌહાણ અને અન્ય રાજાઓ ઉપર ચડી આવ્યો. ભયંકર યુદ્ધના અંતે તે હાર્યો. તેને પાછા ભાગવું પડ્યું. સામે ઉદારદિલ પૃથ્વીરાજે પણ તેને જવા દીધો. પરંતુ મહમ્મદ ઘોરીએ પલટવાર કર્યો. અર્થાત્ વધુ બળ એકઠું કરી બીજી વાર ખૂંખાર આક્રમણ કર્યું. તેમાં સમ્રાટ પૃથ્વીરાજ હાર્યા. સમગ્ર દિલ્હી નગરમાં ભયંકર લૂંટફાટ મચી.[40],[41]
તે સમયે દિલ્હીનાં મુખ્ય ૨૭ મંદિરો, જે દરેકનાં નિર્માણની કિંમત વીસ લાખ દિલ્હીવાલની હતી. તે સત્યાવીસે મંદિરોનો ધ્વંસ કરી પુષ્કળ સંપત્તિની લૂંટ ચલાવવામાં આવી.[42]
આ કાળખંડ એટલી સોંઘવારીનો હતો કે, અકબર બાદશાહનાં સમયમાં એક રૂપિયે ગાય અને બે રૂપિયે ભેંસ વેચાતી મળતી, એવું ઈતિહાસકારો નોંધે છે. પૃથ્વીરાજ ચૌહાણ પછી સાડા ત્રણસો વર્ષ બાદ અકબરના રાજ્યકાળમાં આટલી સોંઘવારી હોય તો તેના સાડા ત્રણસો વર્ષ પૂર્વે કેટલી સોંઘવારી હશે ! વળી, તે ‘દિલ્હીવાલ’ નાણું અત્યંત કીમતી હતું. તેવાં ૨૦ લાખ દિલ્હીવાલ ખર્ચીને બનેલા એક–એક મંદિરની વર્તમાન કિંમત ગણીએ તો ગણતરી અબજોને આંબે. આ મશહૂર ૨૭ મંદિરોને એક ઝાટકે ખંડેર કરી દેવામાં આવ્યાં અને તેની બધી સંપત્તિ હજમ કરી લેવામાં આવી.
ઈ.સ. ૧૧૯૩માં મહમ્મદ ઘોરીએ ચંદાવર ઉપર આક્રમણ કરી અશનિ અને બનારસ લૂંટ્યાં. અઢળક મંદિરો તોડી ભરપૂર સંપત્તિ તફડાવી લેવામાં આવી.[43] બધાના અને ગ્વાલિયર ક્ષેત્રમાં પણ તેવું જ આક્રમણ કરાયું હતું. [44]
ત્યારબાદ ઘોરીનો ધર્મઝનૂની સેનાપતિ કુતુબુદ્દીન ઐબક, જેણે દિલ્હીનાં મંદિરો તોડવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો તે મેદાનમાં આવ્યો. ઈ.સ. ૧૧૯૩માં તેણે અજમેર પર ચડાઈ કરી, ત્યાંના રાજાનું રાજ પડાવી લઈ સત્યાવીસ મંદિરો લૂંટી લીધાં.[45] સાથે પંજાબ, હરિયાણા, અલીગઢ, બનારસ વગેરે મંદિરોની નગરી જેવા ક્ષેત્રોને પણ ધમરોળી નાંખ્યા. ત્યાંના મંદિરો તોડી સંપત્તિ પચાવી પાડવામાં આવી.[46]
[38] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 2 | D.C. Ganguly, M.A., PH.D, (London) | p.78.
[39] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 3 | D.C. Ganguly, M.A., PH.D, (London) | p.106.
[40] History of the Rise of the Mahomedan Power in India | Vol. 1 | John Briggs | pp.96–100.
[41] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 3 | D.C. Ganguly, M.A., PH.D, (London) | pp.109–112.
[42] Hindu Temples What Happened To Them | Vol.1 | Sita Ram Goel.
[43] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 2 | D.C. Ganguly, M.A., PH.D, (London) | p.54.
[44] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 4 | Paramatma Saran, R.C.Majumdar, M.A., PH.D, F.A.S., F.B.B.R.A.S. | p.120.
[45] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 4 | Paramatma Saran, R.C.Majumdar, M.A., PH.D, F.A.S., F.B.B.R.A.S. | p.119, 120.
[46] Frontline | January 5, 2001 | Historical Analysis, Temple desecration and Indo–Muslim states | Richard M. Eaton | p.72, 73.