9 – Somnath Mandir Par Anek Aakramano

સોમનાથ મંદિર પર અનેક આક્રમણો

હવેની વિગતો ગુજરાત વગેરે ક્ષેત્રોનાં પ્રાંતીય સૂબા–સેનાપતિઓની છે.

વાચકોને ફરીથી યાદ કરાવીએ છીએ કે, અહીં આપવામાં આવતી વિગતો પૂરી નથી, અધૂરી છે. અરે ! ઘણી અધૂરી છે. ઇતિહાસના કાટમાળ નીચે ઘણી વાસ્તવિકતાઓ દટાઈ ગઈ છે. ખાખાં–ખોળાં કરતાં જેટલી ઉપલબ્ધ થઈ તે જ મૂકાઈ છે.

ગુજરાતના સેનાપતિ મુજફ્ફરખાને ઈ.સ. ૧૩૯૪માં ઇડરના ઘણાં મંદિરો ધ્વસ્ત કરી લૂંટ્યાં.[1] ત્યારબાદ પ્રસિદ્ધ મહાતીર્થ સોમનાથના મંદિર ઉપર ચડી આવ્યો.[2] હજ્જારો મનુષ્યોના સંહારપૂર્વક મંદિર ધરાશાયી કર્યું. અબજોની સંપત્તિ લૂંટી. પરંતુ શ્રદ્ધાળુઓ માટે આ પ્રસંગ અસહ્ય હતો. બીજા જ દિવસથી મંદિર નિર્માણનો પ્રારંભ ભક્તવર્ગે કરી દીધો. અમુક વર્ષમાં ત્યાં ફરી ભવ્ય મંદિર ખડું કરી દીધું. આ સમાચાર મુજફ્ફરખાનને સાંભળવામાં આવતાં જ ઈ.સ. ૧૪૦૫ આસપાસ ફરીથી આક્રમણ કરીને તે ભવ્ય મંદિર તોડી પાડ્યું.[3],[4]

આ મંદિર ઈતિહાસમાં ખૂબ પ્રસિદ્ધ છે. તેનાં ધ્વંસ બાદ ભક્તોએ પુનઃ નિર્માણ કર્યું અને સમય જતાં ઝનૂનપૂર્વક ફરી ધ્વસ્ત કરવામાં આવ્યું વગેરે નોંધ ઇતિહાસમાં ઠેકઠેકાણે ઉપલબ્ધ છે. પરંતુ આવી ઘટનાઓ બીજા ધર્મોના પણ અનેકાનેક મંદિરો સાથે ઘટી જ છે. બીજા પણ ઘણાં સમૃદ્ધ તીર્થો અનેકવારના આક્રમણોના સાક્ષી છે. ફરી–ફરીવાર થયેલી અબજો ને અબજોની લૂંટના સાક્ષી છે. એકના એક ક્ષેત્રો પર અલગ અલગ રાજાઓએ આક્રમણ કર્યા હોય તેવા અનેક પ્રસંગો છે. ત્યાં જો નવનિર્માણ થયું ન હોય તો લૂંટ કેવી રીતે શક્ય બને તે મુદ્દો પણ ધ્યાનમાં લેવા જેવો છે.

હવે આપણે એવાં સુલતાનની વાત કરીશું કે જેને ઇતિહાસના સ્કોલરો ‘આઈકોનોક્લાસ્ટ’ એટલે મૂર્તિઓનો વિધ્વંસ કરનાર તરીકે ઓળખે છે. ઈ.સ. ૧૪૦૦ આસપાસ કાશ્મીરનો સુલતાન હતો સિકંદર શાહ બુતશિકુન. તેણે જિંદગીમાં મૂર્તિઓને તોડવાના એટલાં બધાં કામો કર્યા હતાં, જેને લીધે મંદિરોની રાજધાની જેવો ગણાતો કાશ્મીર દેશ તેના રાજ્યકાળમાં મંદિરો–મૂર્તિઓ રહિત થઈ ગયો હતો.[5],[6] આ મહાવિધ્વંસમાં ધર્મોની કેટલી સંપત્તિ લૂંટાઈ તેની કલ્પના કરવી રહી.

ઈ.સ. ૧૪૦૦માં ગુજરાતના મુજફ્ફરખાને ઇડર રાજ્યના રાવને તગેડી બધાં હિન્દુ અને જૈન મંદિરો નષ્ટ કર્યા. ત્યાંની બધી સંપત્તિ લૂંટી લેવામાં આવી અને દીવ (ગુજરાત)ના મંદિરો પણ લૂંટવામાં આવ્યાં.[7],[8].

 

[1] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Descreation in Pre–Modern India | Richard M.Eaton | p.68, 69.

[2] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Descreation in Pre–Modern India |Richard M. Eaton | p.68, 69.

[3] History of Gujarat | S. B. Rajyagor | p. 154

[4] The History and Culture of the Indian People | Vol. 6 | Chapter 10 | A.K. Majumdar, M.A., D.phil., Director Bharatiya Vidya Bhavan, Delhi | p.156, 157.

[5] History of the Rise of the Mahomedan Power in India | Vol. 4 | John Briggs | p.269.

[6] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | pp.67–69

[7] The History and Culture of the Indian People | Vol. 6 | Chapter 10 | A.K. Majumdar, M.A., D.phil., Director Bharatiya Vidya Bhavan, Delhi | p.156, 157.

[8] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M.Eaton | p.68, 69.