7 – Khilji Vansh Na Sultano Na Aakramano

ખીલજી તથા ગુલામવંશના સુલતાનોનાં આક્રમણો :–

મહમ્મદ ઘોરીનો અત્યાચાર પૂરો થયો ન થયો ત્યાં તો બીજા આક્રમણોની ઝડી વરસી પડી. પહેલાં ગઝનીનાં સુલતાન લૂંટવા આવ્યાં. તે પછી ઘોરીનાં સુલતાન લૂંટી ગયા. હવે ગુલામ વંશ અને ખીલજી વંશના સુલતાનો લૂંટફાટ મચાવવા આવે છે.

ઈ.સ. ૧૨૦૦માં મહમ્મદ ખીલજી(પહેલા)એ મગધ ઉપર આક્રમણ કર્યું[1]. મગધ દેશના નાલંદા, ઓદંતપુરી (પટના) અને વિક્રમશીલા બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના પ્રસિદ્ધ મથકો હતાં, સેંકડોની સંખ્યાનાં ધર્મસ્થાનકોથી તે ક્ષેત્રો ધમધમતાં હતા. આ મુસ્લિમ શાસકે તેના સેનાપતિ બખ્તિયાર ખીલજીની સહાયથી ત્યાંના ઘણા મંદિરો જમીનદોસ્ત કરી સંપત્તિ લૂંટી લીધી.[2]

ઈ.સ. ૧૨૨૦ આસપાસ ઈરાકનો રાજકુમાર જલાલુદ્દીન રાજ્યની ઇચ્છાથી ભારત આવ્યો હતો. તેણે ટટ્ટા ક્ષેત્ર પર આક્રમણ કરી બધાં મંદિરો ધ્વસ્ત કરી સંપત્તિ લૂંટી લીધી હતી.[3]

ઈ.સ. ૧૨૩૩માં ઈલતુત્મીશ સુલતાન ભિલસા, ઉજ્જૈન અને આજુબાજુના ક્ષેત્રોમાં મંદિરો ધરાશાયી કરી સંપત્તિ ઉઠાવી ગયો.[4],[5]

જલાલુદ્દીન ખીલજી સવાઈ માધોપુર (રાજસ્થાન) ઉપર ઈ.સ. ૧૨૯૦માં ચડી આવ્યો. ત્યાં અનેક મંદિરો નષ્ટ કરી સંપત્તિ લઈ ગયો.[6]

ઈ.સ. ૧૨૯૨માં નામચીન મુસ્લિમ સુલતાન અલ્લાઉદ્દીન ખીલજી ચડી આવ્યો. મધ્યપ્રદેશનાં ભિલસા ક્ષેત્ર ઉપર આક્રમણ કરી પુષ્કળ મંદિરોને તહસ–નહસ કર્યાં. રાજ્ય અને મંદિરોની પુષ્કળ સંપત્તિ લૂંટી.[7],[8] તત્પશ્ચાત્ મહારાષ્ટ્ર–દેવગિરિના ઢગલાબંધ મંદિરો અને મૂર્તિઓ તોડી અમાપ સંપત્તિ હડપ કરી ગયો.[9],[10]

ઈ.સ. ૧૨૯૮ આસપાસ ખીલજીનું સૈન્ય મહેસાણા–ગુજરાતની ભૂમિને ધમરોળતું રહ્યું.[11] અવસરે અવસરે અનેકાનેક મંદિરો ધ્વસ્ત કરી સંપત્તિ જમી જવાનો કાર્યક્રમ નિરંતર ચાલુ હતો. તે સિલસિલામાં મહેસાણાનું પાડોશી ક્ષેત્ર પાટણ[12] જે વૈદિક અને જૈન ધર્મનું જાગતું મથક હતું, ત્યાંના મંદિરોનો સફાયો કરી લખલૂંટ સંપત્તિ પડાવી લીધી. વર્તમાનમાં પણ પ્રસિદ્ધ મોઢેરાના સૂર્ય મંદિરને તોડી સંપત્તિ તફડાવી લેવામાં આવી.[13] ત્યાંથી નસરત ખાન નામના સરદારના નેતૃત્વ હેઠળ સમૃદ્ધ નગરો ખંભાત અને સુરત લૂંટવામાં આવ્યાં.[14],[15] ત્યાંના સેંકડો ધર્મસ્થાનો તોડી સંપત્તિ પચાવી પાડવામાં આવી.

અલ્લાઉદ્દીન ખીલજીએ ઈ.સ. ૧૨૯૯માં સોમનાથ મંદિરને ઝપાટામાં લીધું. મંદિરનો વિધ્વંસ કર્યો. કરોડો–અબજોની સંપત્તિ લૂંટી ગયો.[16],[17] ત્યારબાદના વર્ષોમાં રાજસ્થાન–સવાઈ માધોપુર[18] તથા માળવામાં[19] પણ તેણે ઉપરોક્ત ઘટનાઓનું ઘણું પુનરાવર્તન કર્યું.

જેમ ખીલજી વંશનાં રાજાઓ મંદિરોની સંપત્તિ લૂંટવામાં એક્કા હતા. તેમ તેમના ઝનૂની સરદારો કે સેનાપતિઓ પણ જરાય કાચા નહોતા.

ઈ.સ. ૧૩૧૧માં ખીલજીનાં સેનાપતિ મલિક કાફરે આંધ્રનું વારંગલ, તમિલનાડુના મદુરાઈ[20] અને દક્ષિણ આરકટના મંદિરો તબાહ કરી સંપત્તિ તફડાવી લીધી હતી.[21]

ત્યાંથી પાછા આવતી વખતે તેના સૈન્યએ સૌરાષ્ટ્રના જૈન મહાતીર્થ શત્રુંજય પર્વત પરના સેંકડો મંદિરો તોડી અઢળક સંપત્તિ પર લૂંટ ચલાવી હતી.[22]

 

[1] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 4 | Paramatma Saran, R.C.Majumdar, M.A., PH.D, F.A.S., F.B.B.R.A.S. | p.122, 123.

[2] Frontline | December 22, 2000 | Historical Analysis,Temple Descreation in Pre–Modern India | Richard M.Eaton | pp.66– 69.

[3] History of the Rise of the Mahomedan Power in India | Vol. 4 | John Briggs | p. 244.

[4] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 2 | D.C. Ganguly, M.A., PH.D, (London) | p.71.

[5] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | p.68, 69.

[6] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | p.68, 69.

[7] The History and Culture of the Indian People | Vol.6 | Chapter 2 | S. Roy | p.15.

[9] The History and Culture of the Indian People | Vol.6 | Chapter 2 | S. Roy | p.15,16

[8] Frontline | January 5, 2001 | Historical Analysis, Temple desecration and Indo– Muslim states | Richard M. Eaton | p.72–73.

[10] Frontline | January 5, 2001 | Historical Analysis, Temple desecration and Indo– Muslim states | Richard M. Eaton | p.72–73.

[11] Frontline | January 5, 2001 | Historical Analysis, Temple desecration and Indo– Muslim states | Richard M. Eaton | p.72–73.

[12] The History and Culture of the Indian People | Vol.6 | Chapter 2 | S. Roy | p.19.

[13] History of Gujarat | S. B. Rajyagor | p. 135

[14] History of Gujarat | S. B. Rajyagor | p. 135

[15] The History and Culture of the Indian People | Vol.6 | Chapter 2 | S. Roy | p.19

[16] The History and Culture of the Indian People| Vol.6 | Chapter 2 | S. Roy | p.19.

[17] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | p.68–70.

[18] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | p.68, 69.

[19] The History and Culture of the Indian People | Vol.6 | Chapter 2 | S. Roy | p.29.

[20] History of India Down to the end of the Region of Queen Victoria | M. Prothero and Mahamahopadhyaya Satis Chandra Vidyabhusana | p.253.

[21] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | p.63, 68, 69.

[22] History of Gujarat | S.B. Rajyagor | p.142, 143.