3 – Arab Rajao Na Aakramano

વિદેશી આક્રમણોની આંધી !!

આજથી લગભગ સાડા તેરસો વર્ષ પૂર્વની વાત છે. તે વખતે ભારતમાં વિદેશી આક્રમણોની સંખ્યા અલ્પ પ્રમાણમાં હતી. તેને કારણે ભારતમાં આર્ય અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા, ધર્મવ્યવસ્થાઓ ઘણી તંદુરસ્તી ભોગવતી હતી. પ્રજાપ્રિય-નીતિમાન રાજવીઓ તથા સંસ્કારી લોકસમુદાયથી ભારત વર્ષ સમૃદ્ધ હતું. દુનિયા કરતાં ઉચ્ચ કક્ષાનાં સદાચાર-સંસ્કારોને કારણે ભારતીય પ્રજામાં જ્ઞાન-કળા-વિજ્ઞાન એ સ્તર ઉપર વિકસ્યાં હતાં કે, વ્યાપાર, હુન્નર કે કળા ઉદ્યોગોનાં ક્ષેત્રમાં પણ ભારત સમૃદ્ધિની ટોચ ઉપર જ રહેતું. આ અરસામાં કો’ક દુર્ભાગી પળે સૌ પહેલીવાર આરબ દેશના રાજાઓએ ધર્મઝનૂન સાથે ભારત ઉપર આક્રમણ કર્યું હતું. 

તેમનો ઉદ્દેશ્ય હતો મંદિરો અને મૂર્તિઓ ધ્વસ્ત કરવાનો, ભારતીય પ્રજા અને ભારતીય ધર્મોની સંપત્તિ લૂંટી લઈ તેમનાં ધારેલાં કાર્યો કરવાનો.

આરબ રાજાઓનાં આક્રમણો :–

ઈસ્વી સન(ઈ.સ.) ૬૩૭થી ૬૯૯ સુધી અનેક આરબ રાજાઓએ ગ્રેટર ઈન્ડિયાના સિંધ, કાબુલ, ઝાબુલ, મુંબઈનું પાડોશી થાણા વગેરે ક્ષેત્રો પર ઝનૂની આક્રમણો કરી અનેક મંદિરો તથા મૂર્તિઓનો ધ્વંસ કર્યો અને તેમની સંપત્તિ લૂંટી લીધી.[1]

[1] The History and Culture of the Indian People | Vol. 3 | Chapter 10 | R. C. Majumdar, M.A., PH.D., F.A.S., F.B.B.R.A.S. | pp.167–169.

ઈ.સ. ૭૧૨માં સુલતાન મહંમદ બિન કાસીમ ભારત ઉપર ચડી આવ્યો. ઘણાં મંદિરો તોડી પુષ્કળ સંપત્તિ લૂંટીને તે પાછો ચાલ્યો ગયો.[2],[3]

[2] The History and Culture of the Indian People | Vol. 3 | Chapter 10 | R. C. Majumdar, M.A.,PH.D., F.A.S., F.B.B.R.A.S. | p. 170.

[3] History of the Rise of the Mahomedan Power in India | Vol. 4 | John Briggs | p.234, 235.

ઈ.સ. ૭૨૪થી ૭૮૦ સુધીમાં અનેક આરબ રાજાઓ ભારતના ગુજરાત, રાજસ્થાન, કાઠિયાવાડ વગેરે અનેક રાજ્યો ઉપર આક્રમણ કરી, અનેક મંદિરો અને મૂર્તિઓનો નાશ કરી રાજ્ય અને ધર્મ બંનેની અઢળક સંપત્તિ લૂંટી ગયાં.

વાચકો ! અહીં એક સ્પષ્ટતા જરૂરી છે. ભારતના કેટલાં મંદિરો તોડવામાં આવ્યાં, તેની કેટલી સંપત્તિ લૂંટાઈ તેના સ્પષ્ટ આંકડા ઇતિહાસમાં બધે જ મળતાં નથી. જ્યાં મળે છે ત્યાં પણ મુખ્ય નુકશાનીનો જ અંદાજ મળે છે. ઘણા સમયના તો કોઈ જ ઉલ્લેખ મળતાં નથી. અમુક જગ્યાએ ભારતીય ઇતિહાસ સાવ મૌન છે. પરંતુ મુસ્લિમ કવિઓએ રચેલી ભારત અને ભારતીય ધર્મો ઉપર આક્રમણ કરનારાં રાજાઓની પ્રશસ્તિ અમુક–અમુક કડીઓ પૂરી પાડે છે[4].

[4] Hindu Temples What Happened to Them, A preliminary survey Chapter 2 | Vol.1 | Sita Ram Goel.

આ પરિસ્થિતિમાં બધે પાકી માહિતી લખી શકાય તેમ નથી. સુજ્ઞ વાચકોએ ઉપલબ્ધ વર્ણનના આધારે તે વખતે ધર્મોએ કેટલી તારાજી ભોગવી હશે તેનો સ્વયં અંદાજ કાઢી લેવો.

હા ! આપણે તેવું ગણિત જરૂર માંડી શકીએ કે, પ્રાચીનકાળના અતિ સમૃદ્ધ અને ધાર્મિક ભારત દેશના મંદિરો પણ અત્યંત સમૃદ્ધ હતાં. તેનો ઇશારો ઇતિહાસમાં મળે જ છે. તે વખતનું એક સરેરાશ મોટું મંદિર અને તેની સંપત્તિનું ટોટલ મૂલ્ય આજનાં સમય પ્રમાણે ગણીએ તો ઓછામાં ઓછાં અબજો રૂપિયા થાય. ઉપરોક્ત દોઢસો વરસના કાળમાં ભિન્ન ભિન્ન વિદેશી સત્તાઓએ મળીને અંદાજે સેંકડો મંદિરોનો નાશ કર્યો હોય તો તેનાથી ભારતીય ધર્મોને કેટલો મોટો ફટકો પડ્યો હશે તેની કલ્પના પણ ધ્રુજાવી દે તેમ છે.

 આરબ રાજાઓ દ્વારા થયેલ આક્રમણો એ તો માત્ર શરૂઆત હતી. હવે ચાલુ થાય છે ગઝનીનાં સુલતાનોની આક્રમણ કહાની.