2 – Dharma Thi Samaaj Ne Shu Labh?

ધર્મથી સમાજને શું લાભ ?

ધર્મો તે એવી સંસ્થા છે, જે સદીઓથી લોકકલ્યાણ કરતી આવી છે. દરેક ધર્મોમાં વ્યક્તિનું આંતરિક રૂપાંતર કરવાની પ્રક્રિયા ઓછે–વત્તે અંશે અવશ્ય ગૂંથાયેલી છે. તેથી સમાજને ગુનાખોરી મુક્ત કરવામાં ધર્મોનો સિંહફાળો છે. પરંતુ આધુનિક વિચારધારામાં આ બાબતની સરેઆમ ઉપેક્ષા કરાય છે અને ધર્મનાં નાદાન અનુયાયીઓનાં જીવનમાં દેખાતી ધર્મઝનૂન વગેરે અનિચ્છનીય બાબતોને વારંવાર છાપરે ચઢાવીને તેના દ્વારા થતાં સામાજિક નુકશાનોની બૂમરાણ મચાવી દેવાય છે. વાસ્તવમાં સજાથી ગુનાખોરી–સામાજિક દૂષણો અટકે છે તે માત્ર કામચલાઉ છે, જ્યારે હૃદય પરિવર્તનથી અટકતી ગુનાખોરી નક્કર અને કાયમી છે; જેમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ધર્મની જ મોનોપોલી છે. આ સૂરજ જેવી સ્પષ્ટ વાસ્તવિકતાને આજે સાવ અવગણવામાં આવે છે. 

છતાં વર્તમાનમાં પણ ધર્મો અખંડપણે પ્રવર્તમાન છે. તેનું કારણ છે ધર્મોનું સુબદ્ધ તંત્ર. તેનાં વિના ધર્મો એમ ને એમ ચાલી શકતાં નથી. માત્ર વ્યક્તિગત શ્રદ્ધા સહસ્રાબ્દીઓ સુધી જનકલ્યાણ કરી શકતી નથી. ધર્મો ચલાવવા વ્યવસ્થિત માળખું અનિવાર્ય છે. તેમાંનાં બે મહત્ત્વપૂર્ણ અંગ છે: ધર્મસ્થાનકો અને ધાર્મિક સંપત્તિ.

ધર્મસ્થાનો તે એવાં પાવન કેન્દ્રો છે જ્યાંથી શ્રદ્ધાળુઓ ધર્મનાં સંદેશ–ઉપદેશ મેળવી પોતાનું અને દુનિયાનું ભલું કરવા પ્રયત્નશીલ થતાં હોય છે. આ સ્થાનો લોકમાં ધર્મની પરંપરા ચલાવવા માટેનાં સશક્ત માધ્યમ બનતાં હોય છે. વળી, ધર્મસ્થાનકોની સારસંભાળ, સંરક્ષણ, સંવર્ધન, નવનિર્માણ, સંચાલન, ધર્મનું તંત્ર સુવ્યવસ્થિત રીતે ગતિમાન રહે તે માટે જરૂરી કાર્યવાહી, આપત્તિનાં સમયમાં પણ ધર્મ અડીખમ રહી શકે તે માટે આવશ્યક વ્યવસ્થાઓ વગેરે ઉદ્દેશ્યોની પરિપૂર્તિ માટે ધાર્મિક સંપત્તિનો રોલ અનિવાર્ય બનતો હોય છે. આગળ વધીને સારામાં સારી રીતે જનકલ્યાણનું લક્ષ્ય પાર પાડવું હોય તો અઢળક સંપત્તિ પણ જરૂરી બની જતી હોય છે. આ ઉદ્દેશ્યોને સફળ કરવા ધર્મક્ષેત્રમાં પરાપૂર્વથી સંપત્તિનો સંચય અને સદુપયોગ થતો આવે છે. તે છતાં ધર્મોની થોડી પણ જાહોજલાલી સહન નહીં કરી શકનારા ધર્મ માટે એલફેલ પ્રચાર કરતા હોય છે. અથવા તો જાહેર ક્ષેત્રમાં મળતી ટકો–બે ટકા ખરાબી ઉપસાવીને આખા ધર્મક્ષેત્રને વારંવાર વગોવતાં હોય છે.

ખરેખર તો માનવ સહજ ભૂલો–સ્વભાવગત ખામીઓની અસર તળે દરેક સમાજોપયોગી જાહેર ક્ષેત્રો પણ આવતાં જ હોય છે. તે ખામીઓ ક્યારેક અસહ્ય કે અક્ષમ્ય સ્તર સુધી પણ પહોંચી જાય તેમાં કોઈ નવાઈ નથી. તેને લીધે સમાજને નુકશાનીનો ભોગ બનવાનું આવે તે કાંઈ અસ્વાભાવિક નથી. પરંતુ સમજદાર માનવી હંમેશાં તે ખામીઓનો જ વિરોધ કરનાર હોય, સમગ્ર ક્ષેત્રનો નહીં. ચિકિત્સા ક્ષેત્રમાં અમુક વ્યક્તિઓ એવાં મળે કે જેઓ લોકોનાં આરોગ્ય સાથે ખીલવાડ કરનારાં નીકળે. પરંતુ તેના નામથી આખાં ચિકિત્સા ક્ષેત્રને બદનામ કરવાની મૂર્ખામી કોઈ બુદ્ધિશાળી ન કરે. છતાં આજનો બુદ્ધિશાળી સમાજ ધર્મનાં ક્ષેત્રમાં જોવાં મળતી ખરાબીઓનાં નામે ધર્મનો જ વરઘોડો કાઢવામાં પોતાની બુદ્ધિમત્તા સમજતો હોય ત્યારે આઘાત હૃદયનો કબજો જમાવી લે છે.

આવું વૈચારિક વાતાવરણ જોઈને એવું લાગે કે, હવે ખરેખર ભારતીય ધર્મોની અસ્મિતા પ્રગટ કરવાનો સમય પાકી ગયો છે.

તો વાચકો ! તૈયાર થઈ જાઓ !

ભારતીય ધર્મો – તેનાં ધર્મસ્થાનો અને ધાર્મિક સંપત્તિની વાસ્તવિકતા શું છે ? તેનું સ્પષ્ટીકરણ કરવા જરા માંડીને વાત કરીશું; કેમ કે ભૂતકાળને સમજ્યાં વિના વર્તમાનને બરાબર સમજી નહીં શકાય.