12 – Mughal Badshaho Na Aakramano

મોગલ બાદશાહોના આક્રમણો 

મોગલ બાદશાહોએ પણ ભારતીય ધર્મોનાં મંદિરો–મૂર્તિઓ તોડવાનો અને તેની સંપત્તિ હડપી લેવાનો શિરસ્તો જાળવી રાખ્યો હતો. હા ! સાથે એટલું ચોક્કસ કહેવું પડે કે, અકબર જેવાં ધર્મસહિષ્ણુ બાદશાહોના સમયમાં આટલો વિધ્વંસ નહોતો થયો.

અયોધ્યાનાં જગપ્રસિદ્ધ રામમંદિર માટે કહેવાય છે કે, બાદશાહ બાબરે તેનો ધ્વંસ કર્યો હતો. તે હિંદુ ધર્મના પ્રમુખ તીર્થમાંથી કેટલી સંપત્તિ નષ્ટ થઈ હશે તેની કલ્પના કરી શકાય તેમ છે.[1], [2]

બાદશાહ જહાંગીર, શાહજહાં અને તેમના સરદારોએ પુષ્કર (રાજસ્થાન), મંદિરોની નગરી બનારસ, તિકમગઢ (મધ્યપ્રદેશ), શ્રીકાકુલમ્ અને ઉદયગિરિ (આંધ્રપ્રદેશ), પૂનામલ્લૈ (તામિલનાડુ) વગેરે ક્ષેત્રોના મંદિરો માટીમાં મેળવી દીધા અને અમાપ સંપત્તિ પડાવી લીધી હતી.[3]

‘પુત્રના લક્ષણ પારણામાં’ એ ઉક્તિ અનુસાર ઈ.સ. ૧૬૫૫માં રાજકુમાર ઔરંગઝેબે બોધાન (આંધ્રપ્રદેશ)ના મંદિરો તોડી સંપત્તિ ચોરી લીધી હતી.[4] સાથે અમદાવાદ (ગુજરાત)નું ભવ્ય ચિંતામણિ જૈન મંદિર પણ લૂંટી લીધું હતું.[5]

ત્યારબાદ મોગલ સામ્રાજ્યનાં અફઝલખાન વગેરે સરદારો – સેનાપતિઓએ તુલજાપુર, અકોટા (મહારાષ્ટ્ર), કૂચ બિહાર (બંગાળ), દેવળગામ–ગઢગામ (આસામ), ગ્વાલિયર (મધ્યપ્રદેશ) વગેરે ક્ષેત્રોનાં મંદિરોનો સફાયો કરી સંપત્તિ કબજે કરી લીધી હતી.[6]

ઈ.સ. ૧૬૬૩માં બીજાપુર (કર્ણાટક)ના સુલતાને થિરૂચેરાપલ્લીના મંદિરો લૂંટ્યાં હતાં.[7]

મોગલ વંશના નામચીન બાદશાહ ઔરંગઝેબે જ્યારથી સત્તા કબજે કરી ત્યારથી ભારતીય ધર્મો ઉપર આપત્તિનાં વાદળો વધુ ઘેરાવાં લાગ્યાં. ઈ.સ. ૧૬૬૯માં તેણે દરેક હિંદુ મંદિર અને પાઠશાળાઓ તોડી પાડવાનું ફરમાન બહાર પાડ્યું.[8],[9],[10] તેના જ ભાગરૂપે ઔરંગઝેબ પોતે બનારસનું પ્રસિદ્ધ મંદિર તોડીને સંપત્તિ લૂંટી લાવ્યો હતો.[11], [12]

કૃષ્ણ જન્મભૂમિ મથુરાનું કેશવરાય મંદિર જે ૩૩ લાખ રૂપિયા ખર્ચીને બનાવાયેલું. જેની વર્તમાન કિંમત એક હજાર પાંચસો કરોડ રૂપિયા આસપાસ થાય, તેવાં ભવ્યાતિભવ્ય મંદિરને ધરાશાયી કરી પુષ્કળ સંપત્તિ લૂંટી લીધી હતી.[13],[14],[15]

ઔરંગઝેબે પંઢરપુર,[16] જગન્નાથ પુરી,[17] કાશી વિશ્વનાથ,[18] સોમનાથ[19] વગેરે વૈદિક ધર્મના પ્રમુખ તીર્થોને પણ લૂંટવાનાં બાકી રાખ્યાં નહોતાં.

ઈ.સ. ૧૬૮૦ આસપાસ જોધપુર,[20] ખંડેલા (રાજસ્થાન)નાં અનેક મંદિરો મુસ્લિમ સરદારોએ તોડ્યાં.[21] તે ઉપરાંત ઉદયપુરનાં મહારાણા પેલેસની સામે બનેલું ભવ્યાતિભવ્ય કલા–કોતરણીનાં સીમા ચિહ્ન સમાન મંદિર તોડી પાડ્યું. અખૂટ સંપત્તિ લૂંટી લીધી. સાથે ઉદયપુરનાં અન્ય ત્રણસો મંદિર પણ લૂંટી લેવામાં આવ્યાં.[22]

હા, ઉદયપુરનું પ્રસિદ્ધ ‘જગદીશ’ મંદિર બચાવવામાં મહારાણા રાજસિંહનાં સૈનિકો જાનહાનિના ભોગે પણ સફળ થયાં હતાં. તે બાબત આદરપૂર્વક નોંધવી જોઈએ.[23],[24] આ વખતના હુમલામાં હસનઅલી ખાનનાં નેતૃત્વવાળાં સૈન્યએ મેવાડની આજુબાજુનાં પ્રદેશોમાં ૧૭૨ મંદિરો નષ્ટ કરી જબરદસ્ત લૂંટફાટ મચાવી હતી.

વાચકોને એક પ્રશ્ન થતો હશે કે, દરેક આક્રમણમાં અઢળક ને પુષ્કળ સંપત્તિ જ લૂંટાયા કરે છે, તો શું દરેક મંદિરમાં–ધર્મસ્થાનમાં પુષ્કળ સંપત્તિ હતી ?

આમાં ત્રણ મુદ્દા સમજવાની જરૂર છે.

એક તો જ્યારે ભારત સમૃદ્ધિનાં શિખર પર હતું તે કાળની આપણે વાત કરી રહ્યાં છીએ. માટે નાના ધર્મસ્થાનકો પાસે પણ વિપુલ સંપત્તિ હોય તેમાં નવાઈ નથી.

બીજું, ઇતિહાસમાં મોટે ભાગે તે કાળનાં મુખ્ય મુખ્ય ધર્મસ્થાનોનાં નાશ અને લૂંટનાં જ ઉલ્લેખો મળે છે. તેથી સ્વાભાવિક છે કે, મુખ્ય મંદિરોમાં અઢળક સંપત્તિ હોય અને આપણને તેટલી જ માહિતી મળી હોવાથી માત્ર તેનો જ ઉલ્લેખ થયો હોય. નાના મંદિરો વગેરે લૂંટાયાની માહિતીઓ બહુ જ ઓછી મળે છે. સંભવિત છે કે, મુખ્ય મંદિરોની તુલનાએ ત્યાં ઓછી સંપત્તિ હોય. પરંતુ આધારો ન મળવાને કારણે આપણે તેની ચર્ચા આ લેખમાં ન કરી હોય. હા ! એટલું ચોક્કસ કહી શકીએ કે, મોટા મંદિરોની સાથે નાના ધર્મસ્થાનકો પણ ઘણાં લૂંટાયાં હશે. જેનું ગણિત માંડવું પણ અઘરું છે.

ત્રીજું, વેપારી ગણિત એવું છે કે, મુસ્લિમ રાજાઓ મંદિરોને તોડવા મોટા શસ્ત્રસજ્જ સૈન્યો સાથે દિવસો કે મહિનાઓની દડમજલ કરીને આવે, સ્થાનિક પ્રતિકારની સામે ઘણી તારાજી ભોગવવાની આવે, વિપરીત સંયોગોમાં ઘણી જાન–માલની હાનિ પણ સહન કરવાની આવે. હવે, આટલું બધું કરીને છેવટે લૂંટમાં થોડું જ મળે તો સરવાળે નુકશાન થાય. એટલે આક્રમણકારો ફેરો માથે ન પડે તે માટે દરેક આક્રમણમાં મુખ્ય લક્ષ્ય રૂપે અઢળક સંપત્તિવાળા મંદિરોને સપાટામાં લે અને સાથે સાથે નાના ધર્મસ્થાનકોનો પણ સફાયો કરતાં જાય તેવું માનવામાં કશું અજુગતું નથી.

આ બાજુ ઔરંગઝેબે ચિત્તોડગઢ(રાજસ્થાન)નાં પ્રસિદ્ધ જૈન અને હિંદુ મંદિરો તોડીને લૂંટી લીધાં.[25] ઇતિહાસકારોએ નોંધ્યું છે કે, ઝનૂની ઔરંગઝેબે રાજપૂતાનામાં હુમલો કરીને હોલસેલમાં મંદિરો જમીનદોસ્ત કર્યા છે.

ઔરંગઝેબ પછી બીજા પણ મોગલ બાદશાહો અને તેમનાં સરદારોએ સાંભાર (જયપુર–રાજસ્થાન), બીજાપુર (કર્ણાટક), સુરત (ગુજરાત), ઉદયપુર (ત્રિપુરા) વગેરે અનેક ક્ષેત્રોમાં અઢળક મંદિરો તોડી વિપુલ સંપત્તિનું નુકશાન પહોંચાડ્યું છે.[26]

ઘણું મોટું લિસ્ટ થઈ ગયું, નહીં ?! સામે નુકશાન તો એનાથી કંઈ ગણું ભારતીય ધર્મોને ભોગવવાનું આવ્યું છે.

બ્રિટિશરો આવ્યાં ત્યાં સુધીનાં કાળમાં ચડી આવેલાં વિદેશી આક્રમણોએ કેટલાં મંદિરો તોડ્યાં તેની અક્ષરશઃ વિગતો મળતી નથી. હજ્જારો મંદિરોનો તો કોઈ અણસાર પણ મળતો નથી. પરંતુ જે છૂટી છવાઈ માહિતીઓ મળે છે તેના આધારે ઇતિહાસકારો એવા નિષ્કર્ષ પર આવે છે કે, ચાલીસથી સાઈઠ હજાર મંદિરો (બરાબર વાંચજો ! ચાલીસથી સાઈઠ હજાર મંદિરો!!) તે કાળમાં જમીનદોસ્ત થયાં. તેની ટ્રીલીયનો ને ટ્રીલીયનો જેટલી સંપત્તિ ચોરાઈ.[27]

અહીં કોઈ જાતિ કે સંપ્રદાયને આરોપીનાં પાંજરામાં ઊભા રાખી તેની ઝાટકણી કાઢવાનો આશય નથી. પરંતુ ધર્મો પાસે ભંડારો ભરીને સંપત્તિ પડી છે તેવી અફવાઓનાં પ્રચારકોને વર્તમાન વાસ્તવિકતા સુધી જોડનારી એક મહત્ત્વની કડી સાદર ભેટ કરવાનો આશય છે.

આમાં જરા પણ વાર્તાના રંગ પૂર્યા નથી. પૂરવાં પણ નથી. માત્ર ઇતિહાસ જે કહે છે તેને વાચા આપી છે, તેની સામે આઈનો ધર્યો છે. છાતીમાં કાંઈક હૃદય જેવુ હોય તો તેને પળભર થંભાવી દે, ‘ભયંકર’, ‘વિકરાળ’ વગેરે બધાં શબ્દો પણ જેના માટે નાના પડે એવી આ ઐતિહાસિક હકીકતો કહેવાં દ્વારા એક નગ્ન સત્ય સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે, ‘સદીઓથી ભારતીય ધર્મોની આર્થિક શક્તિ પૂરી તાકાત લગાવીને તોડવામાં આવી રહી છે !!’

 

[1] Frontline | December 22, 2000 | Historical Analysis | Temple Desecration in Pre–Modern India | Richard M.Eaton | pp.67– 69.

[2] India 1000–2000 | Chapter 4 |Economic Evolution | From Fragmentation to Growth, G.N.Rao, Express Publication (Madurai) Ltd. | p.299.

[3] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | p.68, 69.

[4]Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | p.68, 69.

[5] History of Gujarat | S. B. Rajyagor | p. 262.

[6] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | p.68, 69.

[7] The History and Culture of the Indian People | Vol. 7 | Chapter 14 |J.N.Chaudhuri | p.460.

[8] India 1000–2000 | Chapter 3 | History’s Record, A Procession of Conflicts, M. G. S Narayanan, Express Publication (Madurai) Ltd. | p. 227.

[9] Report of the Hindu Religious Endowments Commission (1960–62), Government Of India, Ministry Of Law | p.11.

[10] The History and Culture of the Indian People | Vol. 7 | Chapter 9 | G.S. Sardesai | p. 265.

[11] Frontline | January 5, 2001 | Historical Analysis, Temple Desecration and Indo Muslim States | Richard.M.Eaton, pp.72–74.

[12] https://bharatabharati.in/2012/12/20/aurangzebs–temple–breaking–legacy–according–to–mughal–records–fact–india/ | Retrieved: 21 October, 2020.

[13] The History and Culture of the Indian People | Vol. 7 | Chapter 9 | G.S. Sardesai | p. 265.

[14] Krishna Deities and their Miracles | Chapter–1 | The Antiquity of Deity Worship in the Vedic Tradition | Stephen Knapp.

[15] https://bharatabharati.in/2012/12/20/aurangzebs–temple–breaking–legacy–according–to–mughal–records–fact–india/ | Retrieved: 21 October, 2020.

[16] https://bharatabharati.in/2012/12/20/aurangzebs–temple–breaking–legacy–according–to–mughal–records–fact–india/ | Retrieved: 21 October, 2020.

[17] Orrisa Review | Abhimanyu Dash | p. 88.

[18] The New Cambridge History of India | Architecture of Mughal India | Vol.4 | Catherine Asher | p.278.

[19] Somnath– Hindu Culture during and after Muslim rule | Ram Gopal | p. 148

[20] India 1000–2000 | Chapter 3 | History’s Record, A Procession of Conflicts, M. G. S Narayanan, Express Publication (Madurai) Ltd. | p. 227,228.

[21] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | p.68, 69.

[22] https://bharatabharati.in/2012/12/20/aurangzebs–temple–breaking–legacy–according–to–mughal–records–fact–india/ | Retrieved: 21 October, 2020.

[23] https://bharatabharati.in/2012/12/20/aurangzebs–temple–breaking–legacy–according–to–mughal–records–fact–india/ | Retrieved: 21 October, 2020.

[24] राजस्थान पत्रिका, उदयपुर, ‘जगदीश’ की रक्षा में शहीद हुए थे 20 सैनिक | 26.01.2017.

[25] Frontline | Jan 5, 2001 | Historical Analysis, Temple desecration and Indo–Muslim states | Richard M. Eaton | pp.72–74.

[26] Frontline | Jan 5, 2001 | Historical Analysis, Temple desecration and Indo–Muslim states | Richard M. Eaton | pp.72–74.

[27] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | p.66.