ભારતીય ધર્મોની અસ્મિતા
વિશ્વમાં ભારત દેશનું સ્થાન એકદમ અનોખું અને આગવું છે. ભારતીય જનતા અને તેની ગુણવત્તાનાં ગુણગાન અવસરે–અવસરે દેશ–દેશાવરમાં થતાં જ રહે છે. વર્તમાનમાં ભારતની ગણતરી ગરીબ દેશમાં ગણાતી હોવા છતાં તેના આંતરિક સામર્થ્યનો સ્વીકાર સહુ કોઈએ કરવો જ પડે છે.
તેનાં મહત્ત્વપૂર્ણ કારણો કોઈ હોય તો તે છે,
- ભારતમાં પ્રવર્તતા અનેક ધર્મો;
- તેનાં દ્વારા ઘડતર પામેલું જનમાનસ;
- ધર્મની સહાયથી લોકોમાં વહી રહેલી સંસ્કૃતિ અને સંસ્કારો; તથા
- ધર્મ પરંપરા ટકાવવાનું સબળ માધ્યમ બનનારા ધર્મસ્થાનકો.
ધર્મ, તેમાં પણ ખાસ કરીને ભારતીય ધર્મો એક એવું તેજ છે કે, જે ગમે તેવી વિપત્તિનાં અંધકારમાં પણ મનુષ્યનાં વ્યક્તિત્વને ઝગારા મારતું રાખે છે અને તેમાંથી રેલાતું અજવાળું સમગ્ર વિશ્વનું પથદર્શક બની ઉન્નતિનાં શિખરે દોરી જનારું નીવડે છે. તેનું જ્વલંત દૃષ્ટાંત વર્તમાન ભારત પોતે જ છે.
ઇતિહાસ સાક્ષી છે કે, દુનિયામાં સૌથી વધુ માનવપ્રેરિત આપત્તિઓનાં વાવાઝોડાં સહન કરનાર કોઈ દેશ હોય તો તે ભારત છે. સમૃદ્ધિનાં શિખર પર સદીઓ સુધી રહી ચૂકેલા આ દેશે હજ્જારો વિદેશી લૂંટો અને આક્રમણો, વિદેશી સત્તાઓનું સદીઓ સુધી અત્યાચારી શાસન, ધર્મ અને સંસ્કૃતિ ઉપર લાખો મરણતોલ ફટકા, કરોડોની સંખ્યામાં ક્રીમ મેન પાવર અને તેનાં સમગ્ર કુળોનો સફાયો, ભારતની અમૂલ્ય વિરાસત સમાન હજ્જારો કલા–જ્ઞાન–વિજ્ઞાનની શાખાઓની નાબૂદી, સેંકડો–હજ્જારો ટ્રીલીયન ટૂંકા પડે તેટલી સંપત્તિની લૂંટ, દુનિયામાં બેજોડ સમતોલ નૈસર્ગિક વાતાવરણનો નાશ, અરે ! દેશનાં કેટકેટલા ટુકડા… જેનું વર્ણન સમાવવા અનેક દળદાર વોલ્યુમ્સ પણ નાના પડે એવી અસંખ્ય આફતોની વણઝારમાં પણ ભારત દેશે ધૈર્યપૂર્વક પોતાનાં ધર્મ–સંસ્કૃતિ–અસ્મિતાને ઘસારો લાગવાં છતાં ટકાવી રાખ્યાં છે. જેની જોડ શોધી જડે તેમ નથી.
આનાં કરતાં દસમાં ભાગનાં આક્રમણોમાં બીજા કેટલાય દેશો કાં તો વટલાઈ ગયાં, કાં તો બદલાઈ ગયાં, કાં તો પોતાની પરંપરા, સંસ્કારો અને ધર્મોથી સમૂળગા દૂર ફેંકાઈ ગયાં. જે યુરોપીયન કોલોનીઝમની શીઘ્ર સફળતાનાં પ્રત્યક્ષ ઉદાહરણ છે. પરંતુ ધરાશાયી થયાં બાદ પણ પાછાં ઊભા થઈને સાચો રસ્તો પકડી રાખવાનું સત્ત્વ ભારતીયોને આપનાર કોઈ હોય તો તેમનાં લોહીમાં વણાયેલાં ધર્મ અને સંસ્કૃતિ છે. ધસમસતા વાવાઝોડાંની સાથે ઘસડાઈ ન જવાય તેનું ધ્યાન રાખનાર ભારતનાં ધર્મો અને સંસ્કૃતિ છે.
છતાં છેલ્લાં લગભગ બસો વરસથી ભારતીય ધર્મોને બદનામ કરી મૂકવાનો કાર્યક્રમ ચાલ્યો છે. ‘ધર્મો ડીવાઈડીંગ ફોર્સ છે, સમાજનાં વિકાસમાં અવરોધક છે, લોકોને મિસગાઈડ કરનારાં છે, અંધશ્રદ્ધા અને રૂઢિઓથી ભરેલાં છે. જો પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવું હોય તો રેશનાલિઝમ લાવી આ ધર્મોને માનવતામાં પલટવાં જોઈએ. ધર્મોમાં સમાજોપયોગિતા લાવવી જોઈએ.’ આવાં ઝેરી વિચારો ફેલાવીને બુદ્ધિજીવી વર્ગની નજરમાંથી ધર્મોને ઉતારી પાડવાનો સિલસિલો ચાલ્યો છે. આવી માન્યતાની મજબૂત ભૂમિકા બાંધ્યા બાદ ધર્મોની તાકાત ઉપર કમ્મરતોડ પ્રહારો કરવાના ચાલુ થયાં છે. લોકો પાસે એવું મનાવવાનો પ્રયાસ જારી કરવામાં આવ્યો છે કે, ‘ધર્મો પાસે અઢળક સંપત્તિ છે. તેઓ બધી સંઘરી રાખે છે, પરંતુ માનવજાતનાં ભલા માટે વાપરતાં નથી. કરોડો માનવો દુઃખી છે છતાં પણ તેની ઉપર અમુક સ્થાપિત હિતો અડ્ડો જમાવીને બેસી ગયાં છે…’ વગેરે…
ઉક્ત પ્રચારને લોકમાન્યતાનું સ્વરૂપ આપવા તેને વારંવાર ઘૂંટાવવામાં આવે છે. બુદ્ધિશાળી વર્ગ પણ ઊંડો વિચાર કર્યા વિના આ વાતનો પ્રચારક બની જાય એ રીતે તેને ઘુમરાવવામાં આવે છે. નાના બાળકોને એજ્યુકેશનનાં નામે ગળથૂંથીમાં જ આના પાઠ શીખવાડવામાં આવે છે. મીડિયાનાં હોટ વિષયો માટે આ પ્રચારનું નામ સદાય લખી રાખવામાં આવે છે. અરે ! વર્ષોથી ચુસ્તપણે ધર્મમાં શ્રદ્ધા રાખનારાઓને પણ ભ્રમિત કરી દેવામાં આવે છે. અને દેશનાં કોઈપણ ખૂણામાંથી ગરીબીનો કે કુદરતી આફતનો પોકાર ઊઠે ત્યારે ઉપરોક્ત પ્રચારની રેકર્ડ વારંવાર વગાડવામાં આવે છે.
આપણો ઉપક્રમ છે : ઉક્ત પ્રચારની સત્યતા તપાસવાનો અને તેમાં કેટલું તથ્ય છે તેનું સ્પષ્ટીકરણ કરવાનો.
આપણે અહીં કોઈ ગપગોળા ગબડાવવાનાં નથી, કિંવદન્તીઓનાં આધાર ઉપર ચાલવાનું નથી કે ધર્મશ્રદ્ધાની વાતો કોઈના માથે ઠોકી બેસાડવાની નથી. માત્ર ઐતિહાસિક દૃષ્ટિએ પ્રમાણભૂત આધારો અને વર્તમાન હકીકતોનાં નક્કર પુરાવાઓની વિચારણા કરીને, ભારતીય ધર્મોની આર્થિક શક્તિ ઉત્તરોત્તર કેટલી ઘસાતી ગઈ, કેટલાં આર્થિક સંકટોને પાર કરવાનાં આવ્યાં અને ધર્મો પાસે વર્તમાનમાં રહેલી સંપત્તિની ખરી વાસ્તવિકતા શું છે તેનું નિષ્પક્ષ વિશ્લેષણ કરીશું.
સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે, આ સમગ્ર ઉપક્રમમાં કોઈને વ્યક્તિગત કે જાતિગત રીતે અપમાનિત કરવાં કે ચીતરવાનો કોઈ ઉદ્દેશ્ય નથી. ફક્ત ભૂતકાળ અને વર્તમાનકાળની વાસ્તવિક હકીકતોને પ્રામાણિક પણે રજૂ કરીને સત્ય ઉજાગર કરવા માટે જ આ પ્રયાસ છે.