Ref. No.: 202406G-02
તા. ૧૭-૬-૨૪, સોમવાર
ગીતાર્થ ગંગા, અમદાવાદ
પાવાગઢ તીર્થ-રક્ષાનાં અનુસંધાનમાં
જાહેર નિવેદન
શ્રી પાવાગઢ તીર્થમાં જિનપ્રતિમાઓ ખંડિત કરાયાનાં અત્યંત આઘાતજનક સમાચાર સાંભળ્યા. તે બાબતે સક્રિય થયેલ વિદ્વાન પંન્યાસ પ્રવર શ્રી જિનપ્રેમવિજયજી મ.સા. ધન્યવાદને પાત્ર છે કે, તેઓ તીર્થની સુરક્ષા માટે સરકાર પર શાંતિપૂર્ણ દબાણ લાવવા મજબૂત પ્રયાસ કરી રહ્યા છે. તેમનાં પ્રયાસો શાસન માટે સુંદર પરિણામો લાવે, તેવી હાર્દિક મંગલકામના.
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનાં તીર્થોની પવિત્રતા અને અસ્મિતાની સુરક્ષા માટે સમગ્ર જૈન સંઘે જાગૃત થવું અતિ આવશ્યક છે. તે માટે અવસરે અવસરે શ્રી શત્રુંજય, સમેતશિખરજી, કેસરીયાજી આદિ મહાતીર્થો બાબતે અનેક પ્રયત્ન કરાયા છે, પરંતુ જોઈએ તેવા સંતોષકારક પરિણામ ઉપલબ્ધ થયા નથી. થોડા સમય પૂર્વે શત્રુંજય અને શિખરજી મહાતીર્થો અંગે જૈન સંઘમાં રક્ષાની ભાવનાનો જુવાળ પ્રગટેલો. ભારતનાં અનેક શહેરોમાં નીકળેલી ઢગલાબંધ રેલીમાં લાખોની સંખ્યામાં જોડાઈને જૈનોએ તીર્થરક્ષાનો જુસ્સો દર્શાવેલો. યોગાનુયોગ તે સમયે હું પણ સુરતમાં હતો. રેલીમાં પધારવાની વિનંતી સ્વીકારીને મેં પણ નિશ્રા પ્રદાન કરેલી. તે વખતની જૈનોની સક્રિયતા જોઈને આશા જન્મેલી કે, બંને મહાતીર્થોની સુરક્ષા બાબતમાં સુંદર પરિણામો જરૂરથી આવશે. પરંતુ અફસોસની વાત છે કે તે આશા ફળીભૂત થઈ નહીં. પંન્યાસશ્રીએ પણ અત્યારે તેમનાં હૃદયની વ્યથા જણાવતા કહ્યું જ છે કે રેલી પછી એક વર્ષ પસાર થવા છતાં પણ અમને પાલિતાણા બાબતે આશ્વાસન સિવાય કશું મળ્યું નથી.
શિખરજી મહાતીર્થ બાબતે પણ ઠાલા આશ્વાસનો સિવાય સરકાર દ્વારા કોઈ નક્કર પગલાંઓ લેવાયાં નથી. ઊલટું, સરકારે તીર્થની પવિત્રતા ખંડિત કરે, તેવા અનેક પગલાઓનો સિલસિલો શિખરજી મહાતીર્થમાં ચાલુ રાખેલ છે. રાણકપુર મહાતીર્થ અને મૂછાળા મહાવીર મહાતીર્થમાં પણ સરકારે જૈનો સાથે ભયંકર અન્યાય કર્યો છે. તેના નિવારણ માટે હજુ સુધી કોઈ પણ સંતોષકારક પગલાં લેવાયાં નથી. કેશરિયાજી મહાતીર્થની સ્થિતિ તો હૃદયવિદારક જ રહી છે અને ગિરનારજી મહાતીર્થમાં તો આપણે શું ગુમાવ્યું, તેનાથી પણ જૈન સંઘ અંધારામાં છે.
ધર્મપ્રિય ગણાતી ભાજપ સરકાર રાજ્ય અને કેન્દ્ર બંને જગ્યાએ હોવા છતાં રાજસ્થાન – ગુજરાત કે અન્યત્ર ઘણી જગ્યાએ જૈનોને ન્યાય નથી મળ્યો કે નથી મળી રહ્યો, તે દીવા જેવું સ્પષ્ટ છે. શાંતિપ્રિય ગણાતી જૈન પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટીને વિપુલ પ્રમાણમાં સમર્થન આપે છે, છતાં પણ જૈનોને સિલસિલાબંધ અન્યાયો સહન કરવાના આવે છે. જે અત્યંત ભયજનક વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતા બદલાય તેવી ભારપૂર્વક ભલામણ.
જૈનોને રાજ્ય તરફથી ફેવર નથી જોઈતી, મદદ પણ નથી જોઈતી, પરંતુ ન્યાય તો અવશ્ય જોઈએ છે. અત્યારે પંન્યાસ શ્રી જિનપ્રેમવિજયજી મ.સા. ને લોકો તરફથી જુવાળરૂપે જે સહયોગ મળ્યો છે, તેનો ઉપયોગ દરેક તીર્થોની પૂર્ણ સુરક્ષા માટે તેઓશ્રી કરે અને જ્યાં સુધી પૂર્ણ સુરક્ષા ન થાય ત્યાં સુધી મહાત્મા આ ચળવળનો અંત ન લાવે એવી અપેક્ષા સાથે તીર્થરક્ષાનાં કાર્યની ખૂબ ખૂબ અનુમોદના કરું છું.
જૈનસંઘમાં જિનાજ્ઞા મુજબ જેઓ પણ તીર્થરક્ષાનું કાર્ય કરી રહ્યા છે, તે સર્વેની પણ ખૂબ ખૂબ અનુમોદના.
તીર્થરક્ષાની આ ઝુંબેશને આગળ ધપાવવા જૈનોએ કોઈપણ સંયોગમાં પૂરેપૂરા મક્કમ રહેવું અત્યંત જરૂરી છે, તેવી પ્રેરણા સહ
જૈનશાસનની સમર્પિતતા પૂર્વક
યોગ્ય વંદના – અનુવંદના, ધર્મલાભ
(ગ. આ. વિજય યુગભૂષણસૂરિ)