Anandji Kalyanji Pedhi’s 24th april metting nivedan

સકલ શ્રીસંઘ જોગ નિવેદન

વિષય –     તા. 24 એપ્રિલ 2022ના રોજ પેઢીના પ્રતિનિધિઓ સંબંધી મીટિંગ બાબતે

શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ જિનશાસનની સ્થાપના કરી, તેના સમગ્ર અધિકારો ગણધર ભગવંતોને સોંપ્યા છે. તે અધિકારો વહેતાં વહેતાં ગણધરોના પટ્ટધર શ્રી ગચ્છાધિપતિ ભગવંતો અને આચાર્ય ભગવંતોને પ્રાપ્ત થયાં છે.

પરંતુ દાયકાઓથી જિનશાસનના અનેકાનેક મહત્ત્વપૂર્ણ અધિકારો શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ શ્વે. મૂ. પૂ. સંઘનાં પ્રતિનિધિત્વના દાવા દ્વારા પચાવી પાડ્યાં છે.

જેની ઉપર પેઢીએ અધિકાર જમાવી રાખ્યો છે તેવી જિનશાસનને સ્પર્શતી ગંભીર બાબતે શાસનને ભયંકર નુકસાન થઈ રહેલું દેખાવાથી હું, વર્ષોથી પેઢીને દૃઢતાપૂર્વક પૂછી જવાબ મેળવવા પ્રયત્નો કરી રહ્યો છું, છતાં તેઓએ નોંધપાત્ર માહિતી પૂરી પાડી હોય તેવું જવલ્લે જ જોવા મળ્યું છે.

આ રીતે વારંવાર પૂછવા કે ચેતવવા છતાં પેઢીની બેદરકારી, નિષ્ક્રિયતા અને ખોટાં પગલાંઓમાં કોઈ ખાસ ફરક પડ્યો નહીં. તેના લીધે વિવિધ તીર્થોના અધિકારોમાં સતત થઈ રહેલ ગંભીર ધોવાણને જોઈને તા. 17 ડિસેમ્બર, 2020ના રોજ પેઢીના પ્રતિનિધિત્વ બાબતે મારો નિર્ણય મેં જાહેરમાં સ્પષ્ટ કરેલ. ત્યાર પછી પણ તીર્થોને લગતા કેટલાક નિર્ણાયક મુદ્દાઓમાં તેમની સાથે જાહેર અને ખાનગી સંદેશાવ્યવહારો કર્યા છે, પરંતુ તેનો કોઈ પ્રતિસાદ મને મળ્યો નથી. તીર્થની ચિંતાથી પ્રેરાઈને હજારો શ્રાવકોએ પણ વિવિધ માધ્યમો દ્વારા પેઢીનો સંપર્ક કર્યો છે, તે પણ વ્યર્થ જ નીવડ્યો છે. Accountability, જવાબદારી અને પારદર્શિતા એ પ્રતિનિધિ તરીકેનો દાવો રાખનાર સંસ્થાની મૂળભૂત ફરજ છે, પરંતુ પેઢીના પક્ષે તેનો સરેઆમ અભાવ જોવા મળે છે. 

અહીં સ્વાભાવિકપણે પ્રશ્નો ઊઠે કે પેઢી શ્વે. મૂ. પૂ. સંઘનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે, તો શું પેઢી સંઘના નાયકો એવા ગચ્છાધિપતિશ્રી કે આચાર્ય ભગવંતોને અથવા તો શ્રાવકોને માહિતી પૂરી પાડવા કે ફરિયાદોનુ યોગ્ય નિરાકરણ લાવવા માહિતી પૂછપરછ કેંદ્ર અને ફરિયાદ નિવારણ કેંદ્ર જેવુ સમુચિત તંત્ર ગોઠવવાની પોતાની ફરજિયાત જવાબદારી માને છે ખરી? તેના માટે આજ સુધી કોઇ પ્રયત્ન કરાયા છે?

અહીં આશ્ચર્ય એ છે કે, અત્યાર સુધી પેઢીએ તીર્થોને પહોંચાડેલા ભારેખમ નુકસાનો અને પ્રતિનિધિત્વના પોકળ દાવા બાબતે મેં વર્તમાનમાં ઉઠાવેલ મુદ્દાઓ પર મને મુદ્દાસર સ્પષ્ટતાઓ આપવાની જરાય તૈયારી ન હોવા છતાં, તેની પર સ્પષ્ટતાઓ કરવા પેઢીના પ્રતિનિધિઓની એક ખાસ મીટીંગ તા. 24 એપ્રિલ, 2022ના રોજ તેઓએ બોલાવી છે.

મૂળભૂત રીતે પ્રશ્નો ઊઠાવનાર ગચ્છાધિપતિને કોઈ તર્કસંગત ખુલાસો આપવો નથી, મહિનાઓ સુધી થયેલી હજારો પૂછપરછોની અવગણના જ કરવી છે, પરંતુ પાછળથી પ્રતિનિધિઓ, NRI કે પેઢીને માફક આવતા આચાર્યોને ખુલાસા આપવા માટે મીટીંગ યોજવી છે, તે શું પ્રતિનિધિત્વના દાવાને કાળું કલંક નથી?

જો આ ખામીઓ માન્ય જ હોય, આમાં કશું અયોગ્ય ન લાગતું હોય તો પ્રતિનિધિ તરીકેની પ્રાથમિક સમજણ અને પ્રાથમિક સજ્જતામાં પણ ભારે ખામી છે, તેવું કેમ ન કહી શકાય?

જિનશાસનના અણમોલ વારસા સાથે થઈ રહેલા અક્ષમ્ય ચેડા બાબતે સકળ સંઘને અંધારામાં રાખી, ભયંકર હાનિ કરનારા મનફાવતા સમાધાનો, નિર્ણયો લઈ લેવાનો પેઢી પાસે અધિકાર ક્યાંથી આવ્યો? તેમણે ઊભું કરેલું નુકસાન સકળ સંઘ ઉપર જબરદસ્તીથી લદાઇ જાય તેવી તેમની સત્તાનો આધાર શું છે? તે પણ અત્યાર સુધી સંઘ માટે અણઉકેલાયેલો પ્રશ્ન છે. 

આવા એક નહીં, પરંતુ ઢગલાબંધ નુકસાનો કોઈ જાણકાર ધર્માચાર્યને દેખાય, તેમને તાર્કિક ખુલાસા સુદ્ધાં આપવાનું ટાળવામાં આવે, અરે! ખુલાસા આપવા જેવા છે જ નહીં, તેવો જાહેરમાં ખુલાસો કરવાની તત્પરતા છે, પરંતુ તીર્થોનું જે થવું હોય તે થાય, અમે તીર્થરક્ષા અંગે તો જવાબ નહીં જ આપીએ તેવી મક્કમતા શું દર્શાવે છે?

અરે હદ તો ત્યાં થાય છે કે, લોકો પોતાની વાત પહોંચાડી શકે તે હેતુથી નીમવામાં આવેલા પ્રતિનિધિઓને પણ અત્યંત ગુપ્ત રાખવામાં આવે છે. તેમના નામ – નમ્બર – સરનામુ આદિ લોકો તો શું ધર્માચાર્યોને પણ ન મળી શકે તેવો વ્યવસ્થિત પ્રબંધ કરવામા આવ્યો છે. 

હાલમાં યોજાનારી ટ્રસ્ટીઓ અને પ્રતિનિધિઓની ખુલાસા અંગેની મીટિંગ દ્વારા આ બધા પ્રશ્નોના સંતોષકારક ખુલાસા પેઢી તરફથી સહુને પહોંચે તેવી અપેક્ષા સાથે સહુ જૈનોનું ધ્યાન દોરું છું .   

સકળ શ્રીસંઘનું મંગળ થાઓ.

ગ. આ. વિજય યુગભૂષણસૂરિ