Tirthraksha Mate Social Media | Social Media Nivedan

જાહેર નિવેદન
કલિકાળની દુઃખદ પરિસ્થિતિને કારણે, તીર્થરક્ષા આદિની જાગૃતિ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાવવો આવશ્યક બન્યો છે. પ્રસંગે બીજા પણ જાહેર માધ્યમોનો ઉપયોગ જરૂરી બને છે. (જો કે, ઘણા સમયથી અન્ય ધાર્મિક સમાચાર કે હિતોપદેશ વગેરે માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ ચતુર્વિધ સંઘમાં બહોળા પ્રમાણમાં ચાલુ થઈ ચૂક્યો જ છે.)
મને માનનારા જે શ્રાવક-શ્રાવિકાઓ સોશિયલ મીડિયા આદિમાં વ્યક્તિગત રીતે ચર્ચા કરતાં હોય કે મેસેજો લખતાં હોય તેમણે નીચે મુજબ અવશ્ય ધ્યાન રાખવું;
સામેવાળો ગમે તેટલી નીચી પાયરીએ જાય,
વાણી-વ્યવહારમાં કોઈ મર્યાદા ન રાખે,
જિનશાસન કે ધર્માચાર્યની ગરિમાની પણ ઐસી-તૈસી કરી દેવા મથે,
આક્ષેપો કે અસભ્ય પ્રલાપનો વરસાદ વરસાવે
તે છતાં મને માનનારા શ્રાવક-શ્રાવિકાઓએ અસભ્ય ભાષા, નિરાધાર આક્ષેપો તથા વ્યક્તિત્વ હનન કરનારી (વ્યક્તિત્વને વિકૃત રીતે ચીતરનારી) ભાષાનો પ્રયોગ કરવો નહીં, આ મારો આદેશ છે. કારણ કે આપણે ઉત્તમ આશયથી ધર્મરક્ષાનું કાર્ય કરવા નીકળ્યા છીએ.
મેં પણ મારા તરફથી જેટલા નિવેદનો આદિ પ્રસિદ્ધ થાય છે, તેમાં અસભ્ય ભાષા-નિરાધાર આક્ષેપો કે કોઈના વ્યક્તિત્વને વિકૃત રીતે ચીતરવાની પદ્ધતિને સ્થાન આપ્યું નથી.
હા, તીર્થરક્ષા આદિની સાચી વાતો ઉપર આક્રમણ થાય ત્યારે અડીખમ રહીને સત્યને સમર્થન આપવા યોગ્ય રીતે સાચો-સચોટ અને તાર્કિક જવાબ આપવો, જડબેસલાક રીતે આપવો, તે દરેક સક્ષમ આત્માઓનું તીર્થરક્ષા આદિ માટે કર્તવ્ય છે, પુષ્કળ નિર્જરા અને પુણ્યબંધનું કારણ છે, પરંતુ, અસભ્ય ભાષા પ્રયોગ વગેરે દ્વારા આ ઉત્તમ કર્તવ્યને બગાડવું નહીં.
તે છતાં, જો કોઈ તેવી નિમ્ન કક્ષાનો ભાષા પ્રયોગ કરે, તો તે મને મંજૂર નથી અને તેનું હું દુઃખ વ્યક્ત કરું છું.
`

(ગ. આ. વિજય યુગભૂષણસૂરિ)