Sha Mate? – Sawal #51

સવાલ 51: પંડિત મ.સા ગિરિરાજ માટેનાં ઓબ્જેક્ટ ઓફ વર્શિપ વગેરે ચાર વિશેષણની વાત નિવેદનમાં કરે છે. પરંતુ તેનાં કરતાં પણ વધુ 3 વિશેષણ એટલે કે ટોટલ સાત વિશેષણોની વાત પેઢીએ એફિડેવીટમાં વારંવાર કરી છે. છતાં શા માટે પંડિત મ.સા તે વિશેષણો બાબતે પેઢીની ભૂલ દેખાડ્યા કરે છે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ:-

ગિરિરાજ માટેના ચાર કે સાત મુદ્દાઓ અનેકવાર કહેવામાં આવે, મહિમાગાન રૂપે મૂકી દેવામાં આવે અથવા એક ઠેકાણે શાસ્ત્રપાઠો મૂકી દેવામાં આવે તેને પદ્ધતિસરની રજૂઆત ન કહી શકાય. પરંતુ ક્રમસર તે દરેક મુદ્દાની પૂરી જાણકારી, તેને સ્થાપિત કરનારા વ્યાજબી કારણો, તેને પુરવાર કરતાં શાસ્ત્રીય, લેખિત કે ફોટોગ્રાફસ વગેરે પુરાવાઓ મૂકાય તો વ્યવસ્થિત રજૂઆત કહેવાય, નહીંતર અપૂરતી માહિતી અને અપૂરતાં કારણોથી સમજદાર વ્યક્તિ પણ convince થાય નહીં. તો કોર્ટની શું વાત કરવી ?

      ખેદની વાત છે કે, પેઢીએ દરેક વિશેષણોને ક્રમસર, ખુલાસાવાર, કારણો અને પુરાવાઓ સહિત સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવું તેમની એફિડેવીટ ઉપરથી જણાતું નથી. મેં નિવેદનમાં પણ એ જ જણાવ્યું છે કે, શાસ્ત્રાધારો સહિત પદ્ધતિસર સ્થાપિત કરવા રજૂઆત થઈ હોય તેવું દેખાતું નથી.

       ઊલટું, જે રીતે તેમણે ઉપરોક્ત મુદ્દાઓની નબળી પ્રસ્તુતિ કરી છે તેનાં આધારે સહજ એવું અનુમાન થાય કે એક જગ્યાએ ૭૦ શાસ્ત્રપાઠો મૂકવાની વાત છે તે પણ મુદ્દાસર અને યોગ્ય પ્રસ્તુતિ વાળા નહીં હોય. 

       અહીં ગંભીરતાથી નોંધ લેવી જરૂરી છે કે, પેઢીની એફિડેવિટમાં અનિવાર્ય અને અવિભાજ્ય અંગ તરીકે ઉલ્લેખ થવાના જે સ્થાન દર્શાવાય છે. ત્યાં કાયદાકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ વિશેષણ 'એસેન્શીયલ' ને છોડી દેવામાં આવ્યું છે, જે જૈન સંઘ માટે મોટું નકારાત્મક પાસું બની શકે છે.       

સવાલ 50 : હિંદુઇઝમમાં જૈનીઝમનાં સમાવેશ બાબતે પેઢીની એફિડેવિટમાં જે લખાયું છે, તેમાં પંડિત મ.સા. શા માટે ભૂલ કાઢે છે ? આ કાળમાં સૌથી પહેલાં સંસ્કૃતિની સ્થાપના થઈ, ત્યારબાદ જૈન ધર્મનું પ્રવર્તન ઋષભદેવ ભગવાને કર્યું છે. માટે હિન્દુ સંસ્કૃતિમાંથી જૈન ધર્મનો પ્રાદુર્ભાવ થયો તેમ કહી જ શકાય ને ? કેમકે આર્ય સંસ્કૃતિરૂપે હિન્દુ સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિ એક જ છે.

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ:-

શું અદ્ભુત તર્ક છે ?! જો પૂર્વે ઉત્પન્ન થનાર કોઈપણ વસ્તુમાંથી પાછળથી ઉત્પન્ન થનાર વસ્તુ પેદા થઈ જાય તેવો નિયમ હોય તો યુગલિક ધર્મમાંથી આર્ય સંસ્કૃતિ પેદા થઈ તેમ માનવું પડશે. જૈન ધર્મમાંથી છટ્ઠા આરાનો જંગલી વ્યવહાર ઉત્પન્ન થયો, છટ્ઠા આરાનાં જંગલી વ્યવહારમાંથી આર્ય સંસ્કૃતિ ઉત્પન્ન થઈ, આર્ય સંસ્કૃતિમાંથી જૈન ધર્મ પેદા થયો અને જૈન ધર્મમાંથી યુગલિક વ્યવહારો પેદા થયાં તેમ કહેવું પડશે. શું આવું માન્ય થઈ શકે ખરું ?

   અરે ! રાત પછી દિવસ ઉગે છે, તેથી અંધારામાંથી અજવાળું પેદા થાય તેવી કઢંગી વાતો માનવાની આવશે. 

    ખાસ યાદ રાખો: સંસ્કૃતિ અને ધર્મ બન્ને ભિન્ન છે. ધર્મમાં સંસ્કૃતિ ભલે પૂરક હોય, પરંતુ તેના નામથી ધર્મનો સંસ્કૃતિમાં સમાવેશ ન થઈ શકે અને સંસ્કૃતિમાંથી ધર્મનો પ્રાદુર્ભાવ પણ ન થઈ શકે.

સવાલ 49 : શાંતિદાસ શેઠ કાંઇ તીર્થને ઘરે નહોતાં લઈ જવા માંગતા, છતાં શા માટે પંડિત મ. સા

શાંતિદાસ શેઠના ફરમાનોની ભૂલો દેખાડી રહ્યા છે ? આ ફરમાનો તેમણે તીર્થરક્ષા માટે જ

લીધા હતા ને ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ:-

શાંતિદાસ શેઠના આશયને આપણે અતીંદ્રિય જ્ઞાનથી જાણી શકવાના નથી, પરંતુ જે ફરમાન શાંતિદાસ શેઠના નામે લેવાયા, તેમાં ચતુર્વિધ શ્રીસંઘ કે ધર્માચાર્યોના સ્વામિત્વ હેઠળ અથવા તેમની આજ્ઞાથી ફરમાન લેવાઈ રહ્યા છે તેવો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. અર્થાત્ શત્રુંજય તીર્થ બાબતે ધર્માચાર્યો કે શ્રી સંઘને સાઇડલાઇન જ કરી દેવાયા છે. તેનાથી એ પણ નક્કી થઈ શકે કે શત્રુંજય તીર્થ શાંતિદાસ શેઠની વ્યક્તિગત જાગીર છે. આ પણ જિનશાસન માટે એક ગંભીર હોનારત ગણી શકાય. કેમ કે શ્રી સંઘની અમૂલ્ય મૂડી કોઈ શ્રાવકના વ્યક્તિગત નામે ચડાવી દેવામાં આવી એટલે કે છૂપી ફેરબદલી કરી દેવામાં આવી.

સાથે એ પણ ધ્યાન રાખવું ઘટે કે, આ. હીરવિજયસૂરિજીનું ફરમાન પ્રવર્તમાન છે અથવા તો પ્રસ્તુત તીર્થ ઉપર પરાપૂર્વથી શ્રી સંઘનો અધિકાર ચાલ્યો આવે છે. તેની કોઈ સ્પષ્ટતા શાંતિદાસ શેઠના ફરમાનમાં નથી. આ હકીકત પણ તીર્થના ચાલ્યા આવતા અધિકારો માટે વિઘ્ન ઊભું કરી શકે છે. બાકી, ધર્માચાર્યોની આજ્ઞાથી શ્રી સંઘના અંગ તરીકે તેમણે તીર્થોના ચાલ્યા આવતા અધિકાર પુનઃ નિશ્ચિત કરાવ્યા હોત તો સુયોગ્ય પગલું ગણી

સવાલ 48 : જો ધર્માચાર્યોના પરિગ્રહરૂપે તીર્થો આદિના દસ્તાવેજ ન કરી શકાય, તો શાંતિદાસ શેઠના

નામે ફરમાન લેવાયા તેને અયોગ્ય કેમ કહેવાય ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ:-

શાંતિદાસ શેઠના ફરમાનોમાં તીર્થ ઈનામરૂપે અપાયું છે. વળી તે ઈનામ આપનાર રાજ્યના સત્તાધીશો છે. આનો અર્થ એ થાય કે શત્રુંજય તીર્થ ઉપર આધિપત્ય, માલિકી વગેરે રાજસત્તાનું છે, તેથી જ શત્રુંજય તીર્થ ભેટરૂપે શાંતિદાસ શેઠને અપાય છે. આનો સ્પષ્ટ ભાવાર્થ એ પણ નીકળે કે, શત્રુંજય આદિ તીર્થનું આધિપત્ય જૈન સંઘનું નથી. કેમ કે જો જૈન સંઘનું

આધિપત્ય હોય તો તીર્થને ઈનામરૂપે રાજસત્તા પાસેથી મેળવવાનું રહે જ નહીં. છતાં તે લઈ લેવામાં આવ્યું, તો તેનાથી આપણાં જ હાથે જિનશાસનના તીર્થ ઉપર રાજસત્તાનું આધિપત્ય – માલિકી વગેરે કબૂલ કરી લેવામાં આવી. જે જિનશાસન માટે એક મોટી દુર્ઘટના કહી શકાય.

સવાલ 47 : જો મહાત્માઓ કે ધર્માચાર્યોના નામે ધર્મસ્થાનોની માલિકીના ડોક્યુમેંટ કરવા યોગ્ય નથી,તો હીરવિજયસૂરિજી મહારાજાના નામે ફરમાન લેવાયું તે અયોગ્ય છે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ:-

પ્રશ્ન કરનારે અકબરનું ફરમાન બરાબર વાંચવાની જરૂર છે. તેમાં ક્યાંય ધર્માચાર્યના પરિગ્રહરૂપે તીર્થોની માલીકીની વાત નથી, પરંતુ હકુમતરૂપ માલિકીની જ વાત છે. કેમ કે તેમાં સ્પષ્ટપણે લખાયું છે કે, …..તપાસ કર્યા પછી અમને જાણવા મળ્યું કે તે પર્વતો અને ઉપાસના સ્થળો શ્વેતાંબરી જૈનોના છે…..(તેને) હીરવિજયસૂરિના સ્વીકારીએ છીએ…..હીરવિજયસૂરિને તે તીર્થો આદિ અપાયા છે, પણ વાસ્તવમાં તો તે બધા જૈન શ્વેતાંબર પંથના અનુયાયીઓના છે…..અહીં આ. હીરવિજયસૂરિજીના વ્યક્તિગત ઈનામ, કબજો કે વહીવટના અર્થમાં માલિકી નથી, પરંતુ તે મહાતીર્થો ઉપર જૈન શ્વેતાંબર સંઘનો અધિકાર ચાલ્યો આવે છે. તેના નાયક તરીકે ધર્માચાર્યનું સ્વામિત્વ અકબરે જણાવ્યું છે. તેના સિવાય ધર્માચાર્યને અપાયા = સંઘના અધિકારમાં છે, આવો અર્થ નીકળે નહીં.

સાર એ કે, અહીં મહાતીર્થોના માલિક એવા શ્રીસંઘના – નાયકરૂપે ધર્માચાર્યની મહાતીર્થો ઉપરની હકુમત કહી છે. તેથી આ. હીરવિજયસૂરિજીના ફરમાનને અયોગ્ય કહેવાય નહીં. પરંતુ, જૈન સંઘ અને ધર્માચાર્યોના તીર્થો સંબંધી આધિપત્યના ચાલ્યા આવતા અધિકારોને મજબૂત સુરક્ષાચક્ર પૂરું પાડનાર મૂલ્યવાન દસ્તાવેજ કહેવો જોઇએ.

સવાલ 46 : હિંદુઇઝમમાં જૈનિઝમનો સમાવેશ થાય તેવા વિધાનથી સંભવિત નુકસાન માટે પંડિત મહારાજ સાહેબ પ્રશ્ન નં. ૪૫માં બાલ પાટિલનાં કેસનો દાખલો આપે છે, પરંતુ બાલ પાટિલ કેસનાં ચુકાદા બાદ જૈનિઝમ એ સ્વતંત્ર ધર્મ છે તેવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી જ ગયો છે ને?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ:- સાચી વાત છે. ઇ.સ. ૨૦૦૫માં આવેલ બાલ પાટિલ કેસના ચુકાદા બાદ ઇ.સ. ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દલવીર ભંડારી, કે જેઓ ધર્મે જૈન છે, તેમની બે જજની બેન્ચે ઉત્તર પ્રદેશનાં એક કેસમાં દાખલા દલીલો આપી જૈન ધર્મ હિન્દુ ધર્મનો ફાંટો નથી, પણ સ્વતંત્ર ધર્મ છે એવું પ્રસ્થાપિત કર્યું હતું. જે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે.

પરંતુ, બાલ પાટિલનો ચુકાદો આપનાર બેન્ચ ત્રણ જજની હતી, જ્યારે જસ્ટિસ દલવીર ભંડારીની બેન્ચ માત્ર બે જજની હતી. કાયદાકીય રીતે બે જજની બેન્ચનાં ચુકાદા કરતાં ત્રણ જજની બેન્ચનાં ચુકાદાનું મહત્વ વધારે હોય છે.

બીજું, જસ્ટિસ દલવીર ભંડારીનો ચુકાદો આવી ગયો હોવા છતાં ત્યાર બાદ કર્ણાટક હાઇકોર્ટે બાલ પાટિલ કેસના ચુકાદાનો આધાર લઈને ફરી જૈન ધર્મને હિન્દુ ધર્મનો જ સંપ્રદાય ઠરાવ્યો છે. વળી, કર્ણાટક હાઇકોર્ટના આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ છે, જે હજી પેન્ડિંગ છે. અર્થાત જૈન ધર્મની સ્વતંત્ર અસ્મિતા હજુ જોખમમાં છે.

ઉપરોક્ત સર્વે ચુકાદાઓ તથા રામા જોઇસ રિપોર્ટ અંગે (વધુ વિગત માટે જુઓ પ્રશ્ન ૪૫) પેઢીને વખતોવખત જાણ કરી હોવા છતાં પેઢીએ દોઢ દાયકા કરતાં વધારે સમય દરમ્યાન હજી કોઈ પગલાં લીધા હોય તેવું જાણમાં નથી. પરંતુ આશ્ચર્યકારી રીતે ગુજરાત હાઇકોર્ટમાં પોતાની એફિડેવિટમાં સ્પષ્ટપણે જૈનિઝમને હિંદુઈઝમનો ભાગ કહે છે.

વાસ્તવમાં ‘હિંદુઈઝમ’ શબ્દ એટલો ગુંચવાડાભર્યો થઈ ગયો છે કે હજુ પણ જો આપણે નહીં જાગીએ તો ધર્મક્ષેત્રમાં પણ દખલગીરી વધવાની પૂરી સંભાવના દેખાય છે. શું આના દ્વારા જૈન ધર્મદ્રવ્યનો ઉપયોગ સીધી કે આડકતરી રીતે ઈતર કાર્યો માટે વપરાવાનો નવો રસ્તો નહીં ખૂલે? અજૈનો જૈન સંસ્થાઓમાં વહીવટદાર ટ્રસ્ટી તરીકે આવવા પ્રયાસો નહીં કરે? ખૂબ ગંભીરતાથી વિચારવા જેવું છે.

સવાલ 45 : ભારતીય પ્રજામાં અન્ય ધર્મોની સાથે જૈન ધર્મ પણ વિદ્યમાન છે, તો હિંદુઇઝમમાં જૈનિઝમનો સમાવેશ કરવામાં વાંધો શું છે?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ:- જાપાનમાં ભારતીયો વસતાં હોવા છતાં જાપાનની રાજ્યસત્તામાં ભારત સરકારનો સમાવેશ થઈ શકે ખરો? જો ના, તો અહીં જૈનો ભારતમાં રહેતા હોવાના નામે જૈન ધર્મનો હિંદુઇઝમમાં કે ભારતીય સંસ્કૃતિમાં સમાવેશ કઈ રીતે કરી દેવાય? આટલી સાદી સમજને પણ કોરાણે મૂકીને જૈનોની જ આગેવાન સંસ્થાના મોઢે જો ઉપરોક્ત વિધાન થયું હોય તો વર્તમાન કાયદાકીય પરિસ્થિતિમાં હિંદુઇઝમ કરતાં સ્વતંત્ર એવા જૈન ધર્મની અસ્મિતા ઉપર જોખમ ઊભું ન થઈ જાય?

આપણી ઇચ્છા હિન્દુ કે હિંદુઈઝમ શબ્દનો અર્થ ભારતીય પ્રજા, ભારતીય સંસ્કૃતિ કે બીજો કોઈ પણ કરવાની હોય, પરંતુ જૈનોને હિન્દુ કોમ્યુનિટીના ભાગ રૂપે ગણવાના મુખ્ય આધાર ઉપર ઇ.સ. ૨૦૦૫માં સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેન્ચે બાલ પાટિલના કેસમાં જૈન ધર્મને હિન્દુ ધર્મના વિભાગ રૂપે સ્થાપિત કરી દીધો હતો. ત્યારબાદ ઇ.સ. ૨૦૦૭માં કર્ણાટક હાઇકોર્ટે પણ સહસ્રલિંગેશ્વર મંદિર કેસના ચુકાદામાં બાલ પાટિલના ચુકાદાને ટાંકીને જૈન ધર્મને હિન્દુ ધર્મનો સંપ્રદાય (Denomination) ઠરાવ્યો હતો. ત્યારબાદ કર્ણાટક સરકારે નિવૃત્ત જસ્ટિસ રામા જોઇસના વડપણ હેઠળ કમિટી બનાવી આ ચુકાદાની સબ્જેક્ટ મેટર બાબત રિપોર્ટ આપવા કહ્યું. તે કમિટીના રિપોર્ટમાં પણ જૈનને હિન્દુનો ભાગ તરીકે જ ગણવામાં આવ્યો.

બાકી એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે, ‘હિંદુઈઝમ’ શબ્દનો અર્થ કોઈ પણ રીતે ‘ભારતની પ્રજા’ એવો થતો હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. તે તો સંસ્કૃતિ કે ધર્મ જેવા અર્થમાં જ વપરાતો હોય છે.

આ કક્ષાની વિષમ પરિસ્થિતિ હોવા છતાં હિંદુઇઝમમાં જૈનિઝમ સમાય છે, તેવું જો પ્રતિનિધિત્વનાં દાવા સાથે કહેવાતું રહેશે, તો જૈન ધર્મને અમાન્ય નીતિ નિયમો કે પરંપરાઓની દખલગીરીનાં દરવાજા નહીં ખૂલે ?

સવાલ 44 – જિનશાસનના તીર્થો વગેરેના માલિક આચાર્ય ભગવંતો હોય, તો શું તેમના નામે દસ્તાવેજો કરવાનું પંડિત મ. સા. કહે છે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ:- શાસન અને શાસનના ચિહ્નથી માંડીને તેના સઘળાં અંગો-મિલકતોનાં સ્વામી આચાર્ય ભગવંતો હોય છે. આ મારો વ્યક્તિગત અભિપ્રાય નથી, તે તો શાસ્ત્રીય વ્યવસ્થા છે. તેને અવગણવી તે શાસ્ત્રની આશાતના કહેવાય.

હવે સમજીએ આચાર્યોની માલિકીને.

શ્રાવક સંપૂર્ણ સ્વદ્રવ્યથી બનેલ ગૃહ જિનાલયના ભંડારની આવક પણ પોતાની રીતે વાપરી શકતો નથી. પરંતુ આચાર્ય ભગવંતોની આજ્ઞા મુજબ જ તેનો ઉપયોગ કરી શકાય છે. તેવી રીતે સ્વદ્રવ્યથી લખાવીને વસાવેલા આગમ આદિ શાસ્ત્રો વાંચવા વગેરેનો અધિકાર પણ શ્રાવકોનો હોતો નથી, પરંતુ તેમાં આચાર્ય ભગવંતોનું જ આધિપત્ય હોય છે.

જો વ્યક્તિગત ધાર્મિક મિલકતોમાં પણ ધર્માચાર્યોનું સ્વામિત્વ હોય તો જાહેર ધર્મસ્થાનો અંગે તો એમનું આધિપત્ય રહેવાનું જ ને? આ આધિપત્ય સ્વરૂપે જ એમની માલિકી છે. પરંતુ પરિગ્રહરૂપ માલિકી કે આરંભ સમારંભ યુક્ત વહીવટી સંચાલન – સારસંભાળ રૂપ માલિકી નથી જ. તેથી ધર્મસ્થાનો અને ધાર્મિક મિલકતો ઉપર ધર્માચાર્યોની હકૂમત અને શ્રાવકોનો વહીવટ-સારસંભાળ-કબજો હોય તેવું નક્કી થાય છે. અર્થાત ધર્મસ્થાનોના કસ્ટોડિયન શ્રાવકો હોય છે.

તેથી પરિગ્રહ કે કબજાના અર્થમાં આચાર્ય ભગવંતોના નામે દસ્તાવેજો કરવાનો પ્રશ્ન અસ્થાને થઈ જાય છે.

સર્વ ગચ્છોની સંમતિ ?
સવાલ 43 – પંડિત મહારાજ સાહેબ બધા ગચ્છોની સંમતિ લઈને શત્રુંજય આદિ તીર્થો માટે મહત્ત્વના કાર્યો કરવાની વાત કરે છે, પરંતુ તેવી જરૂર શું છે ? અને પ્રેક્ટિકલી આવું કઈ રીતે શક્ય બને ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ:-

શત્રુંજય જેવા મહાતીર્થો સમગ્ર શ્રમણ પ્રધાન ચતુર્વિધ શ્રી સંઘની માલિકીના છે. સમગ્ર શ્રી સંઘના અધિકાર હેઠળ આવનારા તીર્થો આદિ ઉપર શ્રી સંઘમાં સમાવેશ પામતાં તમામ ગચ્છોનો પણ અધિકાર બને જ, તેવી આપણી શાસ્ત્રીય પરંપરા છે. છતાં તે ગચ્છોની કોઈ પણ રીતે સંમતિ લીધા વિના શ્રાવકો કઈ રીતે કાર્ય કરી શકે ?

પ્રાચીન કાળમાં જૈન સંઘમાં 84 ગચ્છો વિદ્યમાન હતા, તે દરેક ગચ્છોનું આ તીર્થ છે, તેવું જૈન ઇતિહાસ સ્પષ્ટપણે જણાવે છે. આ હકીકતને ઐતિહાસિક પ્રસંગ રૂપે દર્શાવતા પૂ. ત્રિપુટી મહારાજ પ્રસિદ્ધ ઈતિહાસ ગ્રંથ જૈન પરંપરાનો ઇતિહાસમાં પ્રકરણ 35ના અંતે જણાવે છે કે, “… સં. કર્માશાએ કરેલ આ તીર્થ પ્રતિષ્ઠાના ઉત્સવમાં આ. સોમજય વગેરે 10 આચાર્યો હાજર હતા. તે સૌએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે, આ શત્રુંજય મહાતીર્થ છે અને 84 ગચ્છોનું શ્વેતાંબર જૈનતીર્થ છે.” અહીં ચોક્ખું સમજાય છે કે 84 ગચ્છોનો આ તીર્થ ઉપર મૂળ અધિકાર છે. છતાં તેમને સાઈડલાઇન કરી અમુક શ્રાવકો ચતુર્વિધ સંઘને અસરકર્તા નિર્ણયો કેવી રીતે લઈ શકે ?

બાકી, પ્રેક્ટિકલનો મમરો મૂકનારને તો એટલું જ પૂછવાનું રહે કે, રજવાડા જેવું વિશાળ અને સુબદ્ધ તંત્ર હોવાનો દાવો કરનારી પેઢી માટે ત્રીસેક જેટલા ગચ્છનાયકોની સંમતિ મેળવવી પ્રેક્ટિકલ નથી તેમ કહેવું હાસ્યાસ્પદ નહીં ઠરે ?

છેડો કેમ મૂકતા નથી?
સવાલ 42 : પેઢીને અનેક મહાત્માઓનું સમર્થન છે, પેઢી ગીતાર્થ ગુરુ ભગવંતો પાસેથી માર્ગદર્શન પણ લે છે, છતાં પંડિત મ.સા. છેડો મૂકતા નથી. તો શું પેઢી પંડિત મ.સા. નું જ માર્ગદર્શન લે તેવો તેમનો આગ્રહ છે?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ:- વર્ષોથી એક હકીકત દેખાય છે કે, શાસનના મહત્વના કાર્યોમાં પેઢી મહાત્માઓનું કાં તો માર્ગદર્શન લેતી જ નથી અને જો માર્ગદર્શન લે તો જે તે બાબતમાં પોતાને માફક આવે તેવા જ મહાત્માઓનું પ્રાયઃ કરીને માર્ગદર્શન લેતી હોય છે. તેમની સંમતિ મેળવીને “અમે મહાત્માઓનું માર્ગદર્શન લઈએ છીએ” તેવી જાહેરાત કરી દેતી હોય છે. જો તેવું ન હોય તો સકળ શ્રી સંઘ, તમામ ગચ્છોની સંમતિ વિના શત્રુંજય જેવા મહાતીર્થો માટે નિર્ણયો કેવી રીતે થઈ શકે?

આ પદ્ધતિને શાસ્ત્રો કે આધુનિક રીતરસમો કે કાયદાકીય – રાજકીય સિસ્ટમો પણ મંજૂર ન કરી શકે. અત્યાર સુધી જે પદ્ધતિ પેઢી અપનાવતી આવી છે તેના પરિણામો વખતો વખત દેખાયા જ છે. શું યોગ્ય ફેરફાર જરૂરી નથી? છતાં શાસનને ભયંકર નુકસાન કરે તે રીતે લેવાયેલા પગલાંઓને વ્યાજબી ઠરાવવા માટે કમર કસાઈ રહી છે.

બાકી, મને એકલાને પૂછીને જ પેઢીએ આગળ વધવું, આવો દાવો મેં ક્યારેય કર્યો નથી. તે તો વિરોધી – આક્ષેપ કરનારાઓના મગજની પેદાશ છે.

પ્રસ્તુત કેસ સંબંધિત ચર્ચાઓમાં પેઢીને કોરા ચેકની જેમ સમર્થન આપનારા પણ આવી પદ્ધતિ માટે શું કહે છે, તે જાણવું રસપ્રદ રહેશે. વડીલ આચાર્ય શ્રી વિજયશીલચંદ્રસૂરિજી મ.સા. તા. ૫.૪.૨૦૦૪ ના લખાયેલ પત્રમાં જણાવે છે :

“………. આટલું થવાથી તેઓ એટલા બધા ઉત્સાહમાં અને જોમમાં આવી ગયા કે ‘તીર્થાધિરાજને સ્પર્શતો મોટો અને ગંભીર ગણાય તેવો નિર્ણય સકળ સંઘની અને સંઘના સર્વ ગચ્છાદિ વિભાગના સર્વ પૂજયોની પૂર્વસંમતિ લીધા સિવાય ન કરી શકાય.’ તેવી મહાજનોની અને સંઘની મહાન પ્રણાલિકાને પણ તેઓએ ત્યજી દીધી. સમર્થન આપનારાઓએ કે પીઠબળ આપનારા મહાજનોએ પણ આ પ્રણાલિકાનું પાલન કરાવવાની – કરવાની દરકાર ન રાખી…….. સ્વાભાવિક રીતે જ તેમની કામગીરી અંગે જાણ થતાં સંઘમાંથી વિરોધ ઊઠ્યો, તો તે વર્ગે તે વિરોધને ‘અહંકાર પ્રેરિત તથા દ્વેષપ્રેરિત તથા અણસમજનો’ હોવાનું જાહેર કરવા માંડ્યુ. પોતાની અશુદ્ધ સમજણ સામા માટે પણ અશુદ્ધતાની જ કલ્પના કે માન્યતા પ્રેરે તેનું આ જ્વલંત ઉદાહરણ બની શકે……”

આ વાત અત્યારે પણ કેટલી બધી પ્રાસંગિક દેખાય છે !!!!!

કાનૂનનું નડતર
સવાલ 41 – દેશકાળ, કાનૂની જાળ અત્યંત વિષમ અને વિચિત્ર છે. અનિચ્છાએ પણ તેને અનુસરવું પડે છે. તેટલામાત્રથી પેઢીએ શાસનને હાનિ પહોંચાડી કે અપરાધ કર્યો તેવું કેવી રીતે કહેવાય ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ –

કાયદાકીય નુકસાનો સામેથી સ્વીકારી લીધા બાદ કાયદાનાં નામે પેઢી દ્વારા સંઘ-શાસનને ગમે તેવી હાનિ થાય તે ચલાવી લેવાની, તેવું સ્વીકારી શકાય ખરું ? દેશ કાળની અસરોથી બચી શકાતું હોવા છતાં દેશકાળના નામે તીર્થોના અધિકારો કે પવિત્રતાને જબ્બર ધક્કો પહોંચે તે માન્ય થઈ શકે ખરું ?

દેશકાળ વિષમ હોવા છતાં આપણા જ જૈનો મોટી મોટી કંપનીઓને પ્રયત્ન પૂર્વક સુરક્ષિત રાખીને વિકાસ પણ કરી શકે છે. અન્ય ધર્મો – અલ્પ સંખ્યાવાળા પણ અન્ય ધર્મો પોતાના સ્થાનોની – તીર્થોની પવિત્રતા અને અધિકારો સુરક્ષિત રાખી શકે છે, મજબૂત પણ કરી શકે છે, પરંતુ માત્ર જૈનોને જ – તેમાં પણ ખૂબ પ્રભુત્વ ધરાવનાર, મસમોટા બિઝનેસ એમ્પાયર ચલાવી જાણનાર જૈનોને તીર્થરક્ષા કરવામાં દેશકાળ અને કાનૂની જાળ એકદમ નડી જાય, તેવું ગળે ઊતરે ખરું ? કચાશ ક્યાં છે, તે વિચારવાની જરૂર નથી ?

સુરક્ષાના ઉપાયો જાણવાં – સમજવાં – સ્વીકારવાં જ પડે. તેની તૈયારી ન હોય, શાસનના ગંભીર પ્રશ્ને પણ મનગમતું જ કરવાની ભાવના હોય તેનાથી જે નુકસાની થાય તેની જવાબદારીમાંથી કોઈ રીતે છટકી શકાય નહીં.

સવાલ 40 – પંડિત મહારાજ સાહેબને શા માટે પેઢીની ભૂલો જ દેખાયા કરે છે ? પેઢીની સારી સાઇડ પણ ન જોવી જોઈએ ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ –

પ્રસ્તુત જજમેન્ટમાં જેટલાં હકારાત્મક મુદ્દાઓ હતાં તે બધાં મેં જાહેર કરાવેલા નિવેદનોમાં સૌ પ્રથમ મૂક્યાં જ છે અને છેલ્લે શેઠ પરિવારના દરેક જિનાજ્ઞાનુસારી સત્કાર્યોની અનુમોદના કરી જ છે. બાકી, જેનો અવસર હોય તેના સિવાયની બાબતોનું વિવેચન કરવાની અપેક્ષા, રોગનું નિદાન કરાવવાના અવસરે સ્વાસ્થ્ય પ્રશંસાની અપેક્ષા રાખવા બરાબર છે.

જ્યારે મોટા નુકસાનો અટકાવવાનો પ્રસંગ હોય ત્યારે તેમના સત્કાર્યોની મોટા પાયે પ્રશંસા કરવાથી નુકસાનો અટકી જશે ? કે પછી નુકસાનો પ્રત્યેની ગંભીરતા ઘટશે ? એટલું ખાસ યાદ રાખો – પેઢીએ સારા કાર્યો કર્યાં હોય તેટલામાત્રથી શાસનને ગંભીર નુકસાનો કરવાનો અધિકાર મળતો નથી કે શાસનને થતા ગંભીર નુકસાનો ભરપાઈ પણ થતા નથી.

અહીં એક પ્રશ્ન થાય કે, ગંભીર નુકસાનો અટકાવવાના પ્રસંગે વ્યક્ત કરાતી પ્રશંસાની અપેક્ષાની પાછળ નુકસાનની જવાબદારીને ઓછી કરવાનો ગર્ભિત આશય તો નથી ને ?

સવાલ 39 – અમુક લોકો એવું જણાવે છે કે પંડિત મહારાજ સાહેબે તીર્થરક્ષાના નામથી ઘણાં પૈસા ભેગાં કર્યાં છે, હવે તેના દાતાઓ તેનો હિસાબ માંગે છે. માટે તેમણે પેઢી વિરુદ્ધ હોહા મચાવવાની ચાલુ કરી છે. શું આ વાત સાચી છે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – મેં અત્યાર સુધી કોઈ સંઘ કે વ્યક્તિ પાસેથી તીર્થરક્ષા માટે પૈસા માંગ્યા હોય તેવો દાખલો નથી. અરે ! તેના માટે જાહેર ટીપ પણ અત્યાર સુધી કરી નથી. ભક્તિવાળા શ્રાવકો સામેથી આમાં દાન આપતાં હોય છે અને થઈ રહેલા મહાન કાર્યમાં તેમને વિશ્વાસ હોવાથી તેઓ સામે ચાલીને દાન આપતાં રહેતાં હોય છે. તેમાં દાતાઓ તરફથી મારી ઉપર દબાણ આવે છે એ આખી વાત જ કાલ્પનિક ઠરે છે.

અહીં ભૂતકાળની એક ઘટના યાદ આવે છે. જ્યારે પેઢીના પ્રમુખ સુશ્રાવક શ્રેણિકભાઈએ મને તીર્થરક્ષાના કાર્યમાં જોડાવાની વિનંતિ કરી હતી, ત્યારે તેમણે પૈસાની ચિંતા નહીં કરવાનું પણ જણાવ્યું હતું. તે વખતે મેં સ્પષ્ટ ઉત્તર આપ્યો હતો કે મારે કોઈ દાનની જરૂર નથી. મારે તો શાસ્ત્રજ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ કરીને જ ઉત્તમ કાર્ય કરવાનું છે.

સવાલ 38 : પંડિત મ. સા. એ પ્રશ્ન નં.34 માં શા માટે જૈન સંઘની બધી સમસ્યાઓના દોષનો ટોપલો પેઢીના માથે ઢોળી દીધો છે? ઉપરાંત, પેઢીને કડવી વાત કરનાર બધા મહાત્માઓના આહાર-પાણી પેઢી બંધ કરાવે છે, તપાગચ્છના બધા મહાત્માઓ પેઢીથી ડરી ગયા છે કે ભારતભરમાં જ્યાં પણ કોઈ મહાત્માને ઉતરવા નથી મળતું ત્યાં પેઢી નો હાથ છે આવું પંડિત મ. સા. સ્પષ્ટપણે કઈ રીતે કહી શકે? આ બધા બહુ ગંભીર આક્ષેપો ન કહેવાય?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ : આ લાંબો સવાલ દેખાડે છે કે પ્રશ્ન કરનારે કાં તો 34માં સવાલનો મારો જવાબ બરાબર વાંચ્યો નથી અથવા તો મેં ન કહ્યો હોય તેવો અર્થ કરવા માંગે છે.

જૈન શાસનની જેટલી પણ સમસ્યાઓ છે અથવા તો ભારતભરમાં જ્યાં પણ કોઈ મહાત્માને ઉતરવા નથી મળતું તે બધામાં પેઢીનો હાથ છે તેવું મે જવાબ નં. 34માં ક્યાંય કહ્યું નથી. છતાં તેવું ઉપસાવવું તે પૂછનારની જ માનસિકતા છતી કરે છે.
સમગ્ર તપાગચ્છના કે સમગ્ર શ્રી સંઘના મહાત્માઓને ઉદ્દેશીને મેં જવાબ નં. 34માં વિધાન કર્યું નથી. મેં તો માત્ર “અંતરથી વ્યથિત અનેક મહાત્માઓ” માટે જ કહ્યું છે, છતાં સમગ્ર તપાગચ્છ કે સમગ્ર શ્રી સંઘના મહાત્માઓ છળી ઊઠે તેવા પ્રશ્નો ઉપાડવામાં કઈ પ્રામાણિકતા છે? તેમાં પણ મેં આવું સ્પષ્ટપણે જણાવ્યું છે તેમ કહેવામાં વાસ્તવિકતાની મર્યાદા પણ નથી નડતી?
બધા મહાત્માઓ પેઢીથી ડરી ગયા છે તેવું મારા નામે ચલાવનારનો આશય ખૂબ શંકાસ્પદ બની જાય છે. “…જાહેર માં બોલતા ખચકાય છે” આ મારા વાક્યને “…પેઢી થી ડરી ગયા” રૂપે સ્થાપિત કરવામાં અમુક પરિબળોને કોઈ ખચકાટ થતો નથી. શું જેઓ જાહેરમાં બોલતા ખચકાય છે તેમના બધા સંયોગો તેમણે જાણી લીધા છે? શું ખચકાવાનો અર્થ ભય જ થાય છે?
વળી મેં મારા જવાબમા આહાર-પાણી બાબતનો કોઈ ઉલ્લેખ પણ કર્યો નથી છતાં “પેઢી મહાત્માઓનાં આહાર*પાણી બંધ કરાવે છે.”તેવો મારા નામે ઉહાપોહ કરવા પાછળ નો આશય કેવો હશે,તે સમજી શકાય તેવું છે.
એક સ્પષ્ટતા કરીએ: જવાબ નં.34 માં મેં જે પેઢીની જોહુકમી બાબત વાત કરી છે,તે અનુભવથી ખાતરી થયા પછી જ કહી છે. છતાં જો તેવું ન હોય તો પેઢી જાહેર કરે કે, સંયમી મહાત્માઓને તપાગચ્છના સંઘોમાં વિધિપૂર્વક વિચરણ કરવામાં કોઈએ અમારા કારણે અવરોધ કરવો નહીં.
સવાલ 37 – ‘અમે કહીએ તે જ સાચું, અન્યથા સંઘનું – શાસનનું અપમાન ગણાય’ તેવું પંડિત મહારાજ શા માટે માને છે ? શા માટે તેઓ પેઢી પાસે પોતાનો જ કક્કો ખરો કરાવવા પ્રયત્ન કરે છે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ:- મેં તો એવું સ્વપ્નમાં પણ વિચાર્યું નથી કે જે હું કહું તે જ સાચું અને જે મારી વાત ન માને તે સંઘ કે શાસનનું અપમાન કરનારો ગણાય.

હા, એટલું હું ભારપૂર્વક કહું છું કે, જે કોઈ વ્યક્તિ ભલે ને તે ગમે તેવો ચમરબંધી કેમ ન હોય, પરંતુ જો તે શાસનને હાનિ પહોંચાડતો હોય તો તે હાનિથી શાસનને કે તીર્થને બચાવવા પ્રયત્ન ન કરવામાં આવે, જાણવા-સમજવા છતાં શક્તિ અને અધિકારો હોવા છતાં પણ પ્રયત્ન કરવામાં ન આવે, પ્રયત્ન કરનારને સર્વ શક્તિથી સહાય કરવામાં ન આવે, ઉલટું પ્રયત્ન કરનારને તોડી પાડવા કે દબાવવા જોર કરવામાં આવે, શાસનને હાનિ પહોંચાડનારાઓને પૂર્ણ સહાય કે સુરક્ષાકવચ પૂરું પાડવામાં આવે, તો તે શાસનનું – તીર્થંકરોનું – તીર્થનું – સંઘનું – જિનાજ્ઞાનું – સંઘની મર્યાદાઓનું ઘોર અપમાન જ ગણાય, ભયંકર આશાતના જ ગણાય, તેમાં બે મત નથી, તેમ શાસ્ત્રકારો ફરમાવે છે.

બાકી, મેં જે નિવેદનોમાં જણાવ્યું છે તે તીર્થરક્ષા માટેના અનિવાર્ય મુદ્દાઓ નથી, માત્ર પોતાનો કક્કો ખરો કરાવવાનો પ્રયત્ન છે, તેવું પ્રામાણિકતાથી સ્થાપિત કરી શકાશે ખરું ?

સવાલ 36 – અમુક જવાબદાર લોકો એવો ખુલાસો આપે છે કે, જૈનેતર જજને જૈનધર્મના તીર્થંકરોની સરળ ઓળખાણ આપવા ‘તીર્થંકરો કર્મ ખપાવવા આવ્યા હતા’ તેમ એફિડેવિટમાં લખ્યું છે, તેમાં અયોગ્ય શું છે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ:-

વૈદિક – મુસ્લિમ વગેરે જૈનેતર ધર્મોમાં ઈશ્વરને સર્વશક્તિમાન અને શાશ્વત શુદ્ધ સ્વરૂપવાળા દર્શાવવામાં આવ્યા છે. આવું ઈશ્વરનું સ્વરૂપ જે જૈનેતર જજોના મગજમાં બેઠેલું હોય તેમની સામે જૈનધર્મના પરમેશ્વરતત્ત્વને કર્મ ખપાવવા આવનાર યાત્રિક જેવું રજૂ કરવું તે જૈનેતર જજને સાચી ઓળખાણ આપનાર તો નહીં જ બને, પરંતુ શું તીર્થંકરોની ન્યૂન કક્ષાની છબી ઉપસાવવા દ્વારા તેમનું ભારે અવમૂલ્યન – અવહેલના કરનાર નહીં થાય ? આ તો ‘વિનાયકં પ્રકુર્વાણો રચયામાસ વાનરમ્’ (અર્થાત્ ગણપતિ બનાવવા જતાં વાંદરો બનાવી દીધો) જેવો ઘાટ ન થયો ?

ઉલટું, ‘જેઓ કોઈપણ ક્ષેત્રમાં પધારે તો તે ક્ષેત્રને મહાતીર્થનો દરજ્જો – પ્રભાવ પ્રાપ્ત થાય તેવા, ગર્ભાવતારથી જ પરમ પવિત્ર તીર્થંકરોએ મૂળથી મહાતીર્થ એવા શત્રુંજય ગિરિરાજ ઉપર પધારીને તીર્થને પવિત્રતમ બનાવેલ છે’ તેમ કહેવું જોઈએ તેવું નથી લાગતું ?

સવાલ 35 – પંડિત મ.સા. પોતાના નિવેદનમાં જણાવે છે કે, “પેઢીએ કોર્ટમાં એવી રજૂઆત કરવી જોઈએ કે, મહાદેવ મંદિરના વહીવટી અધિકારો કોની પાસે છે તે અસ્પષ્ટ હોવા છતાં વર્ષોથી અમે વહીવટ કરીએ છીએ. તેથી કોર્ટે સ્પષ્ટ પણે નિર્ણિત કરવાની જરૂર છે કે મહાદેવ મંદિરનો વહીવટ જૈનો જ કરે.” અહીં પ્રશ્ન એ થાય કે આ વહીવટ જૈન શાસ્ત્ર મુજબનો ગણાય કે જૈન શાસ્ત્ર વિરુદ્ધનો?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ:-

અજૈન ધર્મ સ્થાનકોનો વહીવટ જૈન શાસ્ત્રો મુજબ કરવાની વાત અસ્થાને છે.

જજમેંટના ફકરા નં.43માં નોંધાયું છે કે, “…… Mahadev Temple is only qua management and nothing else, and that too is to be done in conformity with the Jain Tenets……” અહીં વપરાયેલ conformity શબ્દનો અર્થ ડિક્શનરી મિનિંગ મુજબ અનુરૂપતા, સંવાદિતા, confirms to rules and customs વિ. નીકળે છે. તો શું અજૈન મંદિરોનો વહીવટ જૈન શાસ્ત્રોને અનુરૂપ-જૈન શાસ્ત્ર પ્રમાણે કહી શકાશે ખરો ? સંપૂર્ણતયા જૈનોના ગણાતા મહાતીર્થ માટે શું આવું વિધાન મંજૂર કરાય તો આપણને અનેક રીતે બાધાકારક ન બને ?… બની જ શકે.

કોઈ તીર્થ સ્થાનમાં સ્ટાફ માટે ક્વાર્ટર વિગેરે બનાવવા કે સંભાળવા માટે “જૈન શાસ્ત્રોને અનુરૂપ બનાવવા કે સંભાળવા” તેવા શબ્દો વપરાય તે અસ્થાને છે. કોઈ તીર્થ સ્થાનમાં લોકલ રસ્તા કે સ્થાનિક સુવિધાઓ બનાવવા-સંભાળવાનું કોઈક સંજોગ વશાત જૈનોને કરવાનું આવે તો તેના માટે પણ “જૈન શાસ્ત્રોને અનુરૂપ બનાવવું કે સંભાળવું” તેવા શબ્દો વપરાય તે અસ્થાને ગણાય. તેની જેમ અજૈન મંદિરોના વહીવટ જૈન શાસ્ત્રોની મર્યાદા મુજબ – જૈન શાસ્ત્રો પ્રમાણે કરવાની વાત પણ અસ્થાને જ ગણાય.

બાકી તો લાભાલાભ વિચારીને અજૈન ધર્મસ્થાનકનો વહીવટ ચોક્કસ કરી શકાય છે. પ્રસ્તુત નિવેદનમાં તેનો વિરોધ મેં કયાંય કર્યો નથી.

મહાત્માઓ મૌન કેમ ?
સવાલ 34 – પંડિત મહારાજ સાહેબ સિવાય બીજા મહાત્માઓને જો પ્રસ્તુત પાલિતાણા કેસ સંબંધી કાર્યવાહીમાં પેઢીની ભૂલો જણાતી હોય તો તેઓ શા માટે જાહેરમાં પેઢીની ભૂલો બાબતે કહેતાં નથી ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – કહેતાં ઘણો ખેદ થાય એવું છે. પેઢીના વહીવટદારોની જોહુકમી એટલી છે કે, જે સાધુ તેમની સત્તા ઉપર જોખમ થાય તે રીતે વિરોધ કરે તેમને સ્થાનિક શ્રાવક સંઘોના ઘણા ઉપાશ્રયોમાં ઉતરવા પણ ન મળે, ઠેર ઠેર વગર વાંકે અપમાનિત થવું પડે, ભારે નિંદા સહવી પડે વગેરે કષ્ટોની ઝડી વરસી પડે.

આ વાત મેં મારા વડીલ ગુરુબંધુ મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા પાસેથી સાંભળી હતી, પરંતુ અત્યારે હું અને મારો ગચ્છ તેનો પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યાં છીએ. પેઢી પોતાની પહોંચનો દુરુપયોગ કરીને સંયમી સાધુ ઉપર કેવો સીતમ ગુજારી શકે છે, તે હવે અમારા માટે અનુભવસિદ્ધ છે. તેથી તીર્થ જોખમમાં હોવા છતાં અંતરથી વ્યથિત અનેક મહાત્માઓ જાહેરમાં બોલતાં ખચકાય છે. આ વાસ્તવિકતા અનેક ધુરંધર મહાત્માઓના સંપર્કમાં પણ વ્યક્ત થયેલી જ છે.

શાસનને હિતકારી સત્યને પણ દબાવી શકનાર, સુપરપાવર જેવો વર્તમાન શ્રીસંઘમાં રૂઆબ ધરાવનાર પેઢીની સત્તા અકલ્પ્ય છે. આ તો જિનાજ્ઞાનું બળ અને જિનવચનનું સમર્પણ છે એ જ મને અને મારા સમુદાયને આધાર અને રક્ષણ આપે છે.

છેલ્લે એક સૂચન કરવાનું મન થાય કે, કલિકાળનું આ પણ એક વિષમ ચિત્ર છે. અવસરે જો વિવેકી જૈનો નહીં જાગે તો ભાવિ ઘણું અંધકારમય બની શકે છે.

મહાત્માઓનું સમર્થન ?
સવાલ 33 – કોઈપણ મહાત્મા પંડિત મહારાજ સાહેબની વાતોથી સંમત નથી. કોઈપણ મહાત્મા તેમના સપોર્ટમાં નથી, છતાં શા માટે તેઓ એકલા પેઢીનો વિરોધ કર્યા કરે છે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – આવો પ્રશ્ન ઉપાડનાર એ વાસ્તવિકતા ભૂલી જાય છે કે, હજુ સુધી કોઈપણ ગચ્છાધિપતિ ભગવંતે કે અપવાદ બાદ કરીને કોઈપણ આચાર્ય ભગવંતે પેઢીને – પેઢીની ભૂલોને લેખિતમાં જાહેર સમર્થન આપ્યું નથી. સાથે નિવેદનમાં જણાવાયેલા મુદ્દાઓનો મુદ્દાસર જવાબ પણ કોઈપણ આચાર્ય ભગવંતે જાહેર કરેલ નથી કે મને વ્યક્તિગત રીતે મોકલેલ નથી. આ હકીકતનો અર્થ ‘મહાત્માઓ પંડિત મ.સા.એ ચીંધેલા મુદ્દાઓને ખરા માને છે’ અથવા તો ‘આ મુદ્દાઓ બાબતે તેઓ કોઈ અભિપ્રાય આપવા માંગતા નથી’ તેવો નહીં કરતાં ‘બધા મહાત્માઓ પંડિત મ.સા.ની વિરુદ્ધમાં છે’ તેવું બાંધે ભારે કહી દેવું તે કેટલું સત્ય કહેવાશે ?

બાકી, કેટલાયે આચાર્ય ભગવંત આદિ મહાત્માઓએ પ્રસ્તુત કેસના સંબંધમાં પેઢીની ભૂલો થઈ છે તેવું વ્યક્તિગત સંપર્કમાં સ્વીકાર્યું જ છે.

અહીં એટલું લખી રાખવા જેવું છે કે, શાસન અને તીર્થના ખરા ભક્તો, શાસન અને તીર્થ ઉપર આપત્તિ આવી છે કે નહીં તેની ઉપર ખાસ ધ્યાન આપે. તેની ઉપેક્ષા કરીને કેટલા જણા કે કોણ કોણ બોલે છે તે વિચારવા બેસવું એ શાસ્ત્રાધારે શાસન પ્રત્યેની ભક્તિનું ચિહ્ન નથી.

પૂર્વજોના વિધાનોનો દુરુપયોગ ?
સવાલ 32 – ‘પૂર્વજો કહે છે…’ શ્રેણિમાં લેવાયેલા વિધાનોનો મનફાવતો ઉપયોગ કરવા દ્વારા દુરુપયોગ નથી થઈ રહ્યો ? લોકોને ગેરમાર્ગે નથી દોરવામાં આવી રહ્યાં ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – થોડા સમય પહેલાં મેં જે પેઢીની ગંભીર ખામીઓ જાહેરમાં મૂકી, તેનાથી અકળાઈને અમુક પરિબળો દ્વારા તેને ‘શાસનનો ભયંકર દ્રોહ’, ‘મોટામાં મોટા ગુના’ તરીકે ખતવીને ‘પેઢી તો આપણી મા છે’, ‘પેઢીનો વિરોધ કરવો તે તીર્થની આશાતના બરાબર છે’ વગેરે અનુચિત પ્રચારો દ્વારા અજાણ લોકોને ભ્રમિત કરવાનો કાર્યક્રમ ચલાવવામાં આવ્યો. તેનાથી તીર્થરક્ષાના કાર્યને ફટકો ન પહોંચે તેવા આશયથી ‘આપણા પૂર્વજોએ-વડીલોએ પણ અવસરે પેઢીની ભૂલોનો જાહેર વિરોધ કર્યો જ છે’ તે હકીકતની ઝાંખી કરાવવા ‘પૂર્વજો કહે છે…’ શ્રેણિ ચાલુ કરાવડાવી.

તે શ્રેણિ અંતર્ગત વિધાનોમાં માત્ર ઉપરોક્ત હકીકત જ દર્શાવવામાં આવી છે. તેમાં, તે વિધાનો કરનાર વડીલો અને પેઢી વચ્ચે અલગાવ પેદા કરવો, પેઢીનો નૈતિક ઉત્સાહ નષ્ટ કરવો… તેવા ભાવોને તો કોઈ સ્થાન નથી, તે બહુ સ્પષ્ટતાથી સમજાય તેવું છે. છતાં પૂર્વજો કે વડીલોના વિધાનોનો દુરુપયોગ થયો કે જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી, તેમ કહેવું તે એક પ્રકારના દ્વેષયુક્ત આક્ષેપ સિવાય બીજું શું કહી શકાય ?

સવાલ તો એ થાય કે, શાસન-તીર્થને થઈ રહેલી હાનિથી પેઢીને ચેતવવા માટે કરાતા નિર્દેશને જો ‘પેઢીને વગોવવી, ઊતારી પાડવી, ભાંડવી’ ઇત્યાદિ કહેવાતું હોય તો આપણા પૂર્વજો અને વડીલોએ પણ તેવું કર્યું તેમ કહેવાનો વારો નહીં આવે ?

સવાલ 31 – આપણને યાત્રા કરવામાં જોઈતી અનુકૂળતાઓ સાચવવામાં, તીર્થની સારસંભાળ કરવામાં પેઢી ગજબનો ભોગ આપે છે. છતાં પંડિત મહારાજ સાહેબ શા માટે પેઢીનો વિરોધ કરે છે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ–

કોઈ ધર્મસ્થાનના બારી-બારણાં રીપેર થયાં કે નહીં, ઝાડુ-પોતા બરાબર થાય છે કે નહીં, કલરકામ કેવું થયું છે… આવું ધ્યાન રાખવું તે જ જેમને મન ધર્મસ્થાનની ખરી સુરક્ષા હોય, પરંતુ તે ધર્મસ્થાનનો માલિકીહક્ક ચાલ્યો જાય, પવિત્રતા ઘટાડે તેવી મોટી આશાતના થવા માંડે, ભવિષ્યમાં દખલગીરીના પૂર આવી શકે તેવાં દરવાજા ખોલી દેવામાં આવે તેનો કોઈ વાંધો ન હોય, તેને નુકસાન તરીકે પણ ગણવાની તૈયારી ન હોય, તેમની પ્રજ્ઞાને કયા શબ્દોમાં બિરદાવવી ?

જ્યારે ગંભીરપણે તીર્થરક્ષાની અને તીર્થાધિકારોની વાત થતી હોય ત્યારે ‘પેઢી કર્મચારીઓને સાચવે છે, પરબ પર ઠંડું પાણી પહોંચાડે છે, ભાથું આપે છે, નવટૂંકમાંથી ચપ્પલ પહોંચાડે છે, કર્મચારીઓની હડતાલ સમેટાવી લે છે, પગથિયા ઉપર કલર કરાવે છે, અબોલ પશુઓને સાચવે છે…’ આવી સાદી વહીવટી વાતો ચગાવીને લોકલાગણીનો લાભ લેવા સિવાય શું હાંસલ કરાય છે ?

છતાં જેમની બુદ્ધિ આવાં જ કાર્યોને મહાન તીર્થરક્ષા માનીને ઓવારી જતી હોય, મૂળ મુદ્દાની ગંભીરતા સુધી પહોંચી શકતી જ ન હોય, તેના કોઈ ખુલાસા આપી શકતી ન હોય અને તેમ છતાં જાહેરમાં અસંબદ્ધ કોલાહલ મચાવવાની મનોવૃત્તિ થતી હોય તો તે શાસન માટે કેટલી ભયંકર નુકસાનકારક નીવડશે ?

ખાસ ધ્યાન આપો : આપણો પવિત્રતમ વારસો ભાવિ પેઢી સુધી યોગ્ય રીતે પહોંચાડવો હોય તો માત્ર વહીવટી વાતોમાં અટવાઈ જવાથી કામ નહીં ચાલે. જરા પણ દખલગીરી વિનાના સંપૂર્ણ તીર્થાધિકારો – અખંડ પવિત્રતા માટેની નક્કર કાર્યવાહી કરવી જ જરૂરી બનશે.

સવાલ 30 – પંડિત મહારાજ સાહેબ સિવાય 400 વર્ષોમાં કોઈએ પેઢી માટે અસંતોષ જાહેર કર્યો નથી, છતાં શા માટે પંડિત મહારાજ સાહેબને જ પેઢીની ભૂલો દેખાયાં કરે છે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ–

આશ્ચર્યની વાત છે કે અત્યાર સુધીમાં આપણા અનેકાનેક પૂર્વજોએ, વડીલોએ પેઢી માટે અસંતોષ વ્યક્ત કર્યો છે, કડક ભાષામાં જાહેર કર્યો છે, જેની ઝાંખી ‘પૂર્વજો કહેછે…..’ સીરિઝમાં જોઈ જ શકાય છે, છતાં એવી વાતો ફેલાવાઈ રહી છે કે અત્યાર સુધી પેઢી માટે કોઈએ અસંતોષ જાહેર કર્યો નથી !! આને નર્યા જૂઠાણાં સિવાય બીજું શું કહેવાય ?

અરે ! આજ દિવસ સુધીમાં પેઢીની મોનોપોલીને કારણે તીર્થોને થતા ધરખમ નુકસાનો જોઈને અનેક મહાત્માઓ, શ્રાવકોની આંતરડી કકળી છે, ભારે ઉના ઉના નિઃસાસા પણ નાંખ્યા છે. પરંતુ હજુ સુધી યોગ્ય રીતે તીર્થોનું રક્ષણ કરી શકાય તેવો માર્ગ, સમર્થ માટે પણ પેઢીએ ખુલ્લો કર્યો નથી. ઉલટું, પેઢી જે કરે તે જબ્બર નુકસાન પણ ચતુર્વિધ સંઘે મૂંગે મોઢે – પરાણે સહન કરવું જ પડે, ચતુર્વિધ સંઘને કાયમ બંધન કર્તા જ રહે તેવો તખ્તો વરસો-વરસથી ગોઠવાયેલો જ છે. તેથી, જૈન સંઘનું સુરક્ષા અંગે ભાવિ શું ?

ભવિષ્યમાં કેવાં જોખમો સંઘને સહન કરવાનાં આવશે… તે કલ્પનાતીત છે. છતાં ‘સબ સલામત’ માનવાની બેપરવાહીને શું કહેવું ?

સવાલ 29 – પંડિત મહારાજ સાહેબ તરફથી હજુ પણ સતત પ્રચાર થઈ રહ્યો છે, તેમાં તેઓ પેઢી વિરુદ્ધની બધી વાતો જાહેરમાં મૂકી રહ્યા છે, તે કેટલું યોગ્ય છે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – તીર્થરક્ષાના ગંભીર પ્રશ્ન માટે પણ જૈન સંઘને જાગૃત કરવા સતત પ્રચાર કરવો પડે, આ પરિસ્થિતિ આપણા દુર્ભાગ્યનું ચિહ્ન નથી ? તેમાં પણ, આટલો પ્રચાર થવાછતાં હજુ સુધી તીર્થની ગંભીર સમસ્યાના નિરાકરણ માટે વ્યવસ્થિત પગલાં લેવાનો પ્રારંભ સુદ્ધાં નથી થયો, તે વર્તમાન નેતૃત્વની આપણા મહાતીર્થો પ્રત્યેની ઘોર ઉપેક્ષા નથી સૂચવતું ?

બાકી, જેટલી વાતો મેં જાહેરમાં મૂકી છે, તેના સિવાયની બીજી અનેક ગંભીર વાતો જાહેરમાં આવે તો તીર્થને નુકસાન થાય તેમ હોવાથી મેં જાહેરમાં મૂકી નથી. અરે ! નીલકંઠ મહાદેવ કેસ સંબંધી અમુક એવી હકીકતો છે કે જો તે જાહેર થાય તો પેઢીના વહીવટ દારોને ભારે સંકટ ઉપસ્થિત થઈ જાય, પરંતુ મારે દ્વેષબુદ્ધિથી રક્ષાના કાર્યોને મલિન કરવા નથી, તેથી તેવી વાતોને જાહેર કરી નથી. જેટલું જાહેર કરાય છે, તેમાં શાસનને નુકસાની ન થાય, તેનું જરૂરથી ધ્યાન રખાય જ છે.

સવાલ 28 – પેઢી આટલા બધા તીર્થો સંભાળે છે, સેંકડો મંદિરો અને હજારો જિનપ્રતિમાઓની સારસંભાળ લે છે, છતાં પેઢી કાંઈ કરતી નથી, તેવું કઈ રીતે કહેવાય ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – વહીવટ કે વ્યવસ્થાની દૃષ્ટિએ પેઢી શું કરે છે અથવા શું નથી કરતી, તેની ચર્ચા જ મેં મારા નિવેદનોમાં ક્યાંય કરી નથી. છતાં એક અચરિજપ્રેરક પ્રચાર થઈ રહ્યો છે કે, ‘પેઢી કશું કરતી નથી’ એમ પંડિત મહારાજ કહે છે ! આવા ખોટા પ્રચાર પાછળ કયો આશય કામ કરતો હશે, તે બહુ છૂપું નથી.

મેં તો તીર્થના મહત્ત્વપૂર્ણ અધિકારો, મૂળભૂત પવિત્રતા, સંઘનું તીર્થો ઉપરનું આધિપત્ય વગેરેને અતિગંભીર નુકસાન થતાં જોઈને, તે વિષયક કડક શાસ્ત્રાજ્ઞાઓને ધ્યાનમાં રાખીને તેના સંબંધિત જાહેર નિવેદન કર્યા છે.

એટલું દરેક વિવેકીજનો ખ્યાલમાં રાખે કે, અત્યાર સુધી પત્રવ્યવહાર દ્વારા જ આવી ગંભીર અને અતિનુકસાનકારક વાતો પેઢીને કે વડીલ મહાત્માઓને જણાવી છે, છતાં તીર્થને થતી હાનિઓ નહીં અટકવાથી અને પ્રસ્તુત જજમેન્ટ જાહેરમાં મૂકાવાથી અમુક મુદ્દાઓ જાહેરમાં મૂક્યાં છે. બાકી ઘણી ગંભીર વાતોની પૂરેપૂરી ગુપ્તતા જાળવી જ છે.

સવાલ 27 – પંડિત મહારાજ સાહેબે આજ દિવસ સુધી તીર્થરક્ષા માટે કોઈ કાર્ય કર્યું નથી. અત્યારે તેઓ કાર્ય કરનારાની માત્ર ટીકા કરી રહ્યા છે, તે શું યોગ્ય છે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – સામાન્ય લોકો સમજી શકે એવી સાદી સમજણ પણ એમ કહે છે કે સ્પષ્ટપણે થયેલી ભૂલનો જવાબ ‘ભૂલ કાઢનાર કોઈ કામ કરતો નથી’ આવો તો ન જ હોઈ શકે.

બીજું, પેઢીની વિનંતીથી તીર્થરક્ષાના કાર્યમાં સક્રિયપણે જોડાઈને, બોક્સના બોક્સો ભરીને મૂળ અંગ્રેજી કાયદાકીય દસ્તાવેજોનું અવગાહન કરવાપૂર્વક, નાદુરસ્ત તબિયતને પણ ગૌણ કરીને, સુપ્રિમકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ, સુપ્રિમ કોર્ટના સિનિયર કાઉન્સિલો વગેરે અનેક કાયદાકીય નિષ્ણાતો સાથે ઊંડાણમાં ચર્ચા કરવા સાથે, શાસ્ત્રના વિપુલ સંદર્ભોને ધ્યાનમાં રાખીને તીર્થરક્ષાના અનેક કાર્યોમાં સુવ્યવસ્થિત માર્ગદર્શન આપ્યાં છે, શાસનહિતાર્થે અનેક લિટિગેશનો કરાવ્યાં છે, તીર્થરક્ષા માટે લોકોમાં જાગૃતિ લાવવા મજબૂત પ્રયાસો કરાવ્યાં છે, તીર્થરક્ષા માટે તપ-જપ આદિની પ્રેરણા પણ આપી છે, જેનું પરિણામ તપસ્વી સુશ્રાવિકા દર્શનાબેનમાં પણ જોઈ જ શકાય છે. શત્રુંજયના અનેક પ્રશ્નોના નિરાકરણ માટે પાલીતાણામાં સ્થિરતા કરવા પૂર્વક તત્રસ્થ આચાર્ય ભગવંતોના આદેશ અને સંમતિ સાથે નક્કર ઉપાયો યોજ્યાં છે. હા, દુર્ભાગ્યે તેમાં પેઢીની દખલગીરી થવાથી પડતાં મૂકવા પડ્યાં, તે જુદી વાત.

આમાંની દરેક બાબતોની મેં કાંઈ જાહેરાતો કરી નથી. તેવું કરવું તે શાસનના લાભમાં પણ નથી. આત્મસાક્ષીએ કહી શકું એમ છું કે, મેં મારી પૂરી શક્તિ ફોરવીને તીર્થરક્ષાના કાર્યોને પ્રાધાન્ય આપ્યું છે, છતાં ‘હું તીર્થરક્ષાનું કોઈ કાર્ય કરતો નથી’ આવો પ્રચાર કરાવવા પાછળનો હેતુ શું હોઈ શકે, તે વિચારકોથી છાનું રહે તેમ નથી.

તેવા પ્રચારોથી તીર્થરક્ષાના કાર્યને ધક્કો લાગતો જોઈને, ક્યારેય સ્વમુખે જાહેર નહીં કરેલી ઉપરોક્ત વાતોને મોઘમમાં પણ અતિશયોક્તિ વિના જાહેરમાં જણાવવી જરૂરી બની છે,

તેટલું દરેક વિચારક પુરુષો ધ્યાનમાં લે.

સવાલ 26 – પૂ. પંડિત મહારાજ સાહેબના નિવેદનો આદિમાં શાસનરક્ષાની ભાવનાને બદલે પેઢીને દ્વેષબુદ્ધિથી તોડી પાડવાની ઇચ્છા નથી દેખાતી ? કેમ કે તેમાં એકતરફી પેઢીની નિંદા જ જોવામાં આવે છે.

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – સચોટ પુરાવાઓ સાથે ભૂલો બતાવવામાત્રથી, પેઢીની નિંદા કરી તેવું કોઈપણ સુજ્ઞજન કઈ રીતે માની શકે ? હા, અસંબદ્ધ પ્રલાપો દ્વારા પેઢીને ઉતારી પાડવાનો પ્રયાસ કર્યો હોય તો ચોક્કસ નિંદા ગણી શકાય. વળી, જ્ઞાની ભગવંતો ફરમાવે છે કે દ્વેષબુદ્ધિથી જે સાધુ શાસનને હાનિ કરે કે શાસનને ડહોળે, તેના આત્માનો ડૂચો નીકળી જાય તેટલો સંસાર વધે.

જ્ઞાનીઓ અને અંતરાત્માની સાક્ષીએ હું કહી શકું એમ છું કે ઘોર દુર્ગતિ અને સંસારવૃદ્ધિનો ભય મને છે જ. તેથી જ, તીર્થ અને શાસન પ્રત્યેના અવિહડ રાગથી પ્રેરાઈને મેં નિવેદનો જાહેર કર્યા છે. જો શાસ્ત્રદૃષ્ટિએ જાણવા છતાં પણ આ ન કર્યું હોત તો અવશ્યપણે મારો ઘોર સંસાર વધત.

પેઢી જેવી મહાસત્તા સામે જાહેરમાં કડવી વાત કરનાર સાધુ ભૌતિક દૃષ્ટિએ નિંદા કે કષ્ટોની ઝડીઓ સિવાય કશું મેળવી શકે નહીં, તે સામાન્ય માણસ પણ સમજી શકે તેમ છે. તેથી માત્ર ને માત્ર તીર્થરક્ષા માટે જિનેશ્વરદેવોએ ફરમાવેલી કડક આજ્ઞાઓ જ આમાં પ્રેરકબળ છે.

બાકી, મારો પાપોદય હોય તો કોઈ ગમે તે અભિપ્રાય આપે કે નિંદા કરે તે બનવાજોગ છે.

સવાલ 25 – પંડિત મહારાજનો અહંકાર ઘવાયો છે માટે તેઓ પેઢીની વિરુદ્ધમાં પ્રચાર કરે છે.

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ– દરેકે એક સ્પષ્ટતા રાખવી જરૂરી છે કે પેઢીએ મારી સાથે કોઈ વ્યક્તિગત ગેરવર્તાવ કર્યો નથી. માટે અહંકાર ઘવાવાની વાત જ અસંગત ઠરે છે. ખરેખર તો શાસન માટે, મહાતીર્થ માટે તેમણે જે ઘોર ઉપેક્ષા કરી છે, અત્યંત નુકસાનકારી પગલાં લીધાં છે, તેને અટકાવવાનો કોઈ ઉપાય કારગત ન નીવડવાથી સક્ષમ વ્યક્તિઓ માટે જાહેર આહ્વાન કર્યું છે. આ બાબત social mediaમાં મૂકવાનો ઉદ્દેશ માત્ર ને માત્ર શાસન અને તીર્થરક્ષાનો જ છે. આમાં જિનાજ્ઞાવિરુદ્ધ મેં કશું કર્યું નથી; છતાં કોઈ નિંદા કરે, આક્ષેપો કરે તો તેણે પોતે વિચારવાનું કે શા માટે હું હાથે કરીને મારો પોતાનો સંસાર વધારી રહ્યો છું ?

પેઢી માટે પણ મેં જે કહ્યું છે, તેમાં તેમની આત્મચિંતા અને શાસનચિંતા સિવાય કોઈ પ્રેરકબળ નથી. તેઓ જે પદ ઉપર છે, ત્યાં બેસીને તેઓ જેવી કાર્યવાહી કરી રહ્યાં છે તેનું કેવું ભયંકર પરિણામ આવશે તેનો તેમને અંદાજ આવે તેના સિવાય બીજો કોઈ આશય નથી.

વળી, શાસન કે તીર્થના મહાનુકસાનને ઉપેક્ષાભાવે જોનાર સંયમી અને આરાધક ધર્માચાર્ય પણ અનંત સંસારના ભાગી થાય. તેથી સર્વ ઉપાયે રક્ષા માટે ઉદ્યત થવું. આવાં કડક શાસ્ત્રવચનો છે. તેથી હું મારો સંસાર સંયમઆરાધના કરવા છતાં માત્ર ઉપેક્ષા કરીને શું કામ વધારું ? મારે તો મારો સંસાર કપાય તેવો જ તીવ્રભાવ રાખવાનો હોય અને છે પણ ખરો. માટે મને કોઈ નુકસાન નથી, એકાંતે લાભ જ છે.

સવાલ 24 – એક જિનશાસનમાં ગચ્છાધિપતિ અનેક હોય, પરંતુ અનેક Sovereign કેવી રીતે હોય ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ– તીર્થંકર ભગવંતો વિહરમાન હોય ત્યાં સુધી શાસનના સર્વાધિકાર યુક્ત ગણધર ભગવંતો પણ Sovereign (સાર્વભૌમ) ગણાતાં નથી. પરંતુ તીર્થંકરોની ગેરહાજરીમાં તેમના આજ્ઞાદાતા વિદ્યમાન ન હોવાથી દરેક ગણધરો સાર્વભૌમ જ ગણાય, અર્થાત્ અનેક Sovereign એકીસાથે જિનશાસનમાં વિચરતા હોય.

આનો અર્થ તેવો ન થાય કે, ગણધર ભગવંતોમાં પરસ્પર વડીલ કે લઘુ તરીકેનો વ્યવહાર ન હોય. પરંતુ એટલું ચોક્કસ કહેવાય કે તેમનામાં પરસ્પર આજ્ઞાદાતા કે નિશ્રાવર્તી તરીકેનો વ્યવહાર ન હોય.

થોડી સદીઓ પૂર્વે તપાગચ્છનાયક હીરવિજયસૂરિજીના સમયે પણ અનેક ગચ્છોના નાયકો વિચરતા હતા. તેમનામાં પણ પરસ્પર આજ્ઞાદાતા કે નિશ્રાવર્તીનો વ્યવહાર ન હોવાથી તેઓ Sovereign જ કહેવાય.

અરે ! રાજ્યશાસનના ક્ષેત્રમાં પણ એક જ ભારતમાં એકીસાથે સેંકડોની સંખ્યામાં સાર્વભૌમ રાજાઓ રહેતાં. એકીસાથે હોવામાત્રથી તેમના સાર્વભૌમત્વને કોઈ બાધા પહોંચે નહીં.

સવાલ 23 – પંડિત મહારાજ સાહેબને sovereign બનાવ્યા કોણે ? સાંભળવા પ્રમાણે તેઓ જાતે બની બેઠા છે. તે વાત સાચી છે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ– પ. પૂ. આદ્યગચ્છસ્થાપક મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાની વિદ્યમાનતામાં હું તેઓશ્રીની આજ્ઞામાં હતો. ત્યારબાદ તેમની ગેરહાજરીમાં શાસ્ત્રીય વિધિપૂર્વક સમુદાયની જવાબદારીરૂપે ગચ્છાધિપતિપ દ સ્વીકાર્યું છે. જો આ વિધિને ‘જાતે બની બેસવું’ કહેવાતું હોય તો આ જ રીતે પરિવાર દ્વારા, પરિવારની સંમતિથી વિધિપૂર્વક નજીકના ભૂતકાળમાં અનેક મહાત્માઓની ગચ્છાધિપતિપદવી થઈ છે. તે દરેક વડીલ મહાત્માઓ પણ ‘જાતે બની બેસનારા છે’ તેવું પ્રશ્નકાર કહેવા માંગે છે ?

શું પ્રશ્નકાર, શાસ્ત્રીય વિધિને પણ જાતે બની બેસવા રૂપ ગણાવવા માંગે છે ?

આવું કોઈ સમજદાર વ્યક્તિ સ્વીકારે ખરો ?

સવાલ 22 – પંડિત મહારાજ sovereign છે, તેવું તેઓ કયા આધારે જણાવે છે ? અને આવું વિશેષણ મૂકવાની જરૂર શું છે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ– Spiritual sovereign શબ્દનો અર્થ છે આધ્યાત્મિક સાર્વભૌમ અર્થાત્ અધ્યાત્મક્ષેત્રની ધર્મસત્તાના એવા અધિકૃત પુરુષો કે જેઓને આજ્ઞાદાતા પૂજ્યો વિદ્યમાન ન હોવાથી શાસ્ત્રો સિવાય કોઈની આજ્ઞા લેવાની નથી અને શાસનના કર્તવ્યો અદા કરવાના છે.

વર્તમાનમાં જિનશાસનમાં ગચ્છાધિપતિ પદ સર્વોચ્ચ પદ છે. તેમને જિનાજ્ઞા સિવાય કોઈની આજ્ઞા લેવાની હોતી નથી. તેથી વર્તમાનમાં દરેક ગચ્છાધિપતિ ભગવંતો આધ્યાત્મિક સાર્વભૌમ ગણાય. હા, આ વિશેષણ વાપરવું કે નહીં, તે તેઓની મરજીની વાત છે. બાકી, જૈન ધર્મથી અજાણ ભારત બહારના ધર્મગુરુઓ કે રાષ્ટ્રપતિઓને જિનશાસનનું પદ અને તેની ગરિમા સમજાય તે હેતુથી, તેમની સાથે જગતકલ્યાણના આશયથી કરાતા પત્રવ્યવહાર માટે ઉપરોક્ત વિશેષણનો પ્રયોગ ચાલુ કર્યો છે. તેના વિના જોઈએ તેવી અસર પડે નહીં.

બીજું, આ વિશેષણથી આપણા જ શ્રાવકો તથા અન્યોને એક અલૌકિક વિશેષતા પણ સમજાવવાનો આશય છે કે, જિનશાસનનું ગુરુતત્ત્વ અન્ય કોઈપણ સત્તાના આધિપત્ય હેઠળ આવતું નથી. એટલું ધ્યાનમાં રાખવું કે sovereign વિશેષણમાં અથવા અન્ય વિશેષણોમાં પણ અહંકારપૂર્તિનો આશય જરાય છે નહીં અને રાખવાનો હોય પણ નહીં.

સવાલ 21 – પંડિત મહારાજ સાહેબે શાંતિદાસ શેઠની ઘટનાઓને જાહેરમાં મૂકવાની શી જરૂર હતી ? તેનાથી કેટલી બધી નિંદા થઈ ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ– શાસનને જો મહાત્મા થકી પણ નુકસાન પહોંચ્યું હોય તો તેની પણ નોંધ આપણા શાસ્ત્રોમાં – પરંપરામાં લેવાતી જ હોય છે. તો પછી શાંતિદાસ શેઠ દ્વારા શાસનને થયેલ જાહેર અને જબ્બર નુકસાનની પ્રાસંગિક વાત કરવામાં, તેનાથી લોકોને જાગૃત કરવામાં, તેમાં સહભાગી ન બની જવાય તે માટે ચેતવવામાં શા કારણે વાંધો ઉઠાવાય છે ? શું તેમને કોઈ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે ?

એક વાત દરેક ધ્યાનમાં રાખે. જજમેન્ટમાં મૂકાયેલ સંદર્ભો અને તેને સંલગ્ન અન્ય અમુક ઘટનાઓનો જ જજમેન્ટના વિશ્લેષણ અંતર્ગત મેં ઉલ્લેખ કર્યો છે.

સવાલ 20 – પંડિત મહારાજ સાહેબ પેઢીનો આટલો બધો વિરોધ કરે છે. તો પેઢીને તોડી પાડ્યાં પછી વિકલ્પ શું ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ–ઇતિહાસ તપાસતાં સ્પષ્ટપણે જણાય છે કે પેઢીના આગેવાનોને તીર્થોનો વહીવટ કરવાનો અધિકાર ભૂતકાળમાં સોંપાયો છે. પરંતુ સંઘની સમગ્ર સત્તા પેઢીને કોઈએ સોંપી નથી અને અધિકૃત રીતે પેઢીને ક્યારેય મળી પણ નથી. માટે આણંદજી કલ્યાણજી પેઢી માત્ર વહીવટદાર સંસ્થા છે, તેવું નક્કી થાય. છતાં સંઘની સમગ્ર સત્તાનો ભોગવટો કરીને શાસન અને તીર્થરક્ષાના કાર્યમાં જે અક્ષમ્ય હાનિઓ પહોંચાડાય છે, તેનો વિરોધ કરાય છે. તેને સુધરાવવા જ સકળ સંઘને નિવેદન કર્યું છે. બીજું, તે પણ ધ્યાનમાં રહેવું જોઈએ કે મારા નિવેદનોમાં વહીવટદાર પેઢીના વહીવટનો મેં ક્યાંય સ્પર્શ કર્યો નથી. હું તો, સમગ્ર સંઘના પ્રતિનિધિ તરીકે શાસન અને તીર્થને નુકસાનકારી કાર્યો કરાય છે, જે કોઈપણ રીતે ચલાવી શકાય તેમ નથી, તેનો જ વિરોધ કરું છું. તેથી પેઢીને તોડી પાડવાનો કે તેનો વિકલ્પ વિચારવાનો પ્રશ્ન સાવ અસ્થાને છે.

સવાલ 19 – પેઢી 400 વર્ષથી સંઘમાં અવિરત ચાલી આવે છે. તે જ દેખાડે છે કે પેઢીએ કેટલાં કાર્યો કર્યાં હશે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ– એટલું તો માનવું જ પડે તેમ છે કે, પેઢી ઘણું કામ કરી રહી છે તેવું લોકનજરે દેખાયાં કરે, તેનો પાક્કો પ્રબંધ પેઢીએ કર્યો જ છે, તેમાં બેમત નથી. અન્યથા સદીઓ સુધી એક જ પરિવાર સકળ સંઘ ઉપર વર્ચસ્વ જમાવી રાખે તેવું કેમ શક્ય બને ? બાકી, પેઢીએ અત્યાર સુધી કેટલાં કાર્યો કર્યાં છે, તે ઇતિહાસ દર્શાવે જ છે. તેમાં આપણે કંઈ ફેરબદલી કરતાં નથી. માત્ર જરૂર છે એવી દૃષ્ટિની કે જેનાથી પેઢીએ કરેલાં કાર્યો દ્વારા શાસનને કેટલો લાભ અને કેટલી હાનિ થઈ, તેની વિવેકપૂર્વક તુલના કરી શકાય. પ્રશ્નકારે કરેલી એ વાત પણ વિચારપાત્ર છે કે, પેઢીનો કાર્યકાળ 400 વર્ષોનો છે ? છેલ્લે એક સૂચન કરવાનું મન થાય કે, નીલકંઠ મહાદેવ કેસમાં પેઢીનાં પગલાંઓથી શાસનને મોટી હાનિ થઈ છે તે તો દીવા જેવું છે. તો પછી બીજી વાતોમાં ફંટાયા વિના તેનો સુધારો કરાવવામાં લાગી જઈએ. ખાસ યાદ રાખો : હાનિ શાસનને થઈ છે. મને કે તમને વ્યક્તિગત રીતે નથી થઈ.

સવાલ 18 – પ્રાપ્ત માહિતી મુજબ પેઢીએ આચાર્ય ભગવંતોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પેઢી પંડિત મહારાજ સાહેબના નિવેદનોની ચર્ચા જાહેરમાં કરવા માંગતી નથી. કેમ કે તેનાથી તેમને શાસનને નુકસાન થવાનો સંભવ લાગે છે. આ વાત વિચારણા માંગે તેવી નથી ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ– ખરેખર વિચારણા માંગે છે. શાસનને જબ્બર ધક્કો પહોંચાડે તેવી એફિડેવિટ વગેરેની જાહેર મીડિયામાં થતી વધાઈ અટકાવવાની કે વૉટ્સએપ ઉપર જજમેન્ટ પ્રસારિત થતું અટકાવવાની પૂરી ક્ષમતા – વિશાળ સાધનસામગ્રી – લાંબા હાથ વગેરે ઘણું હોવા છતાં બેમાંથી કાંઈ અટકાવાયું નહીં ત્યારે શાસનનું નુકસાન કેમ યાદ ન આવ્યું ? અને જ્યારે શાસનના નુકસાનના નિવારણનો અવસર આવ્યો ત્યારે કેમ યાદ આવ્યું ?

બીજી વાત. તેમની મતિ પ્રમાણે આ બાબતની જાહેર ચર્ચાથી તેમને નુકસાન દેખાય છે, તો વ્યક્તિગત રીતે મને કે આચાર્ય ભગવંતોને નિવેદનોમાં ચર્ચાયેલા મુદ્દાઓનો વિગતવાર ખુલાસો મોકલી જ શકાય છે ને ? તીર્થની વહીવટકાર સંસ્થા તરીકેની પ્રાથમિક જવાબદારીથી શા માટે દૂર રહેવામાં આવે છે ?

ખરેખર તો આ બંને વાત તેમના પ્રતિનિધિત્વના દાવા સાથે પણ સુસંગત થતી નથી.

સવાલ 17 – પંડિત મહારાજ સાહેબ પોતાને Sovereign કહેવડાવે છે, તો શું તેઓ પોતાને શાસનના સર્વોપરિ માને છે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ– મારા નિવેદનોમાં લખાયેલ ‘ગચ્છાધિપતિ’ શબ્દના કૌંસમાં ‘Spiritual Sovereign’ શબ્દ લખાયો છે. તેનો અર્થ થાય કે ગચ્છાધિપતિ=આધ્યાત્મિક સાર્વભૌમ. કેમ કે હમણાં કુલ, ગણ કે સંઘના અધિપતિ ભગવંતો વિદ્યમાન નથી.

દરેક સમજદાર એટલું તો સમજે જ કે, કોઈપણ શબ્દનો અર્થ વિના સંદર્ભે કરવાથી અનર્થ જ થાય. દાખલા તરીકે પ્રાચીન કાળના નાના રાજાઓ પણ Sovereign કહેવાતાં. ત્યાં Sovereignનો સંદર્ભ ‘તેમના રાજ્યના સર્વોપરિ’ તેટલો જ અર્થ કાઢવા સંમતિ આપે છે, ત્યાં ‘આખી દુનિયાના સર્વોપરિ’ તેવો અર્થ થઈ શકે નહીં.

તેમ ગચ્છાધિપતિ શબ્દના કૌંસમાં લખાયેલ Sovereign શબ્દનો અર્થ ‘સર્વોપરિ’ કરવો હોય તો પણ ‘આખા શાસનના સર્વોપરિ’ આવો કઈ રીતે નીકળે ? તેનો અર્થ ‘તે ગચ્છના સર્વોપરિ’ આટલો જ નીકળે.

ખાસ યાદ રાખો – હું પોતાને આખા શાસનનો સર્વોપરિ માનતો નથી કે તેવો દાવો મેં ક્યારેય કર્યો નથી.

છતાં ‘પંડિત મહારાજ પોતાને શાસનના સર્વોપરિ માને છે’ આવો વિરોધીઓ દ્વારા થતો પ્રચાર તેમના કયા આશયને સૂચવે છે, તે સમજવું ઘણું અઘરું નથી.

સવાલ 16 – પંડિત મહારાજ સાહેબે તેમના નિવેદનમાં શા માટે પારસી લેખક ખાન બહાદુર M. S. Commissariat નો મુસ્લિમ લેખક તરીકે પાંચ વાર ઉલ્લેખ કર્યો છે ? આ તો કેટલી મોટી ભૂલ કહેવાય ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – દાયકાઓ પૂર્વે અમુક સારા કાર્યની સરાહના રૂપે રાજ્ય તરફથી મુસ્લિમોને ‘ખાન બહાદુર’ ખિતાબ અપાતો. ત્યારબાદ બ્રિટિશરોએ આ પદ્ધતિમાં ફેરફાર કરી ખાન બહાદુર ખિતાબ નોનહિંદુઓને આપવાનો ચાલુ કર્યો. છતાં ‘ખાન બહાદુર’ ખિતાબવાળા વ્યક્તિઓના લિસ્ટમાં 90% લોકો મુસ્લિમો જ રહ્યા છે. આ હકીકતને લીધે M. S. Commissariat ને મુસ્લિમ સમજી લેવાની ગેરસમજ થઈ છે.

વળી, જજમેન્ટમાં જે પુસ્તક ઉદ્ધૃત કરાયું છે, તેના સંબંધિત ઉલ્લેખો તપાસવામાં તેની પ્રસ્તાવના વાંચવાની તો આવશ્યકતા ક્યાંથી ઊભી થાય ?

પરંતુ અહીં પ્રશ્ન એ થાય કે લેખક મુસ્લિમ નથી પરંતુ પારસી છે, જેવા તુચ્છ મુદ્દા માટે જેઓ ઊહાપોહ મચાવી રહ્યા છે, તેમણે એફિડેવિટ આદિ કાયદાકીય દસ્તાવેજોની અતિ ગંભીર ભૂલો માટે ઊહાપોહ કર્યો હશે ખરો? તે સુધારવા માટે સૂચન પણ કર્યું હશે ખરું ?

શાસનરક્ષા કે તીર્થરક્ષા જેવા ગંભીર પ્રશ્નો દબાવી દઈને તીર્થરક્ષા માટે સતત પુરુષાર્થ કરનારા એક ધર્માચાર્યની અનાભોગથી થયેલી ટેકનિકલ ભૂલ ચગાવવી તે મહાન સુકૃત છે, તેવી માન્યતા તો આમાં કામ નહીં કરી રહી હોય ને ?

સવાલ 15 – પંડિત મહારાજ સાહેબ પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈના વિધાનો પેઢીના સંબંધમાં જાહેર કરાવે છે, તો શું તેમના બધા વિચારો પંડિત મહારાજ સાહેબને માન્ય છે ? જો માન્ય ન હોય તો માત્ર ફાવતું પકડ્યું ન કહેવાય ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – આપણા મહાન પૂર્વાચાર્યો સિદ્ધસેનદિવાકરસૂરિજી, હરિભદ્રસૂરિજી, હેમચંદ્રસૂરિજી આદિએ જૈનધર્મની વાતને પ્રસ્થાપિત કરવા અન્ય ધર્મના ઋષિ-મુનિઓના સંદર્ભ ટાંકવા પૂર્વક નિરૂપણ કર્યું છે. અરે! ઋષિ-મુનિઓ તો ઠીક, ખુદ નાસ્તિકોના પણ સંદર્ભ લઈને વિધાનો કર્યા છે. તે બધા મહાપુરુષો પ્રશ્નકારના ફળદ્રુપ મગજની પેદાશ મુજબ ફાવતું પકડનારા નક્કી થાય. જે પૂર્વ મહાપુરુષોની ફજેતી અને આશાતના કરવા બરાબર ગણાય. કેમ કે તે પૂજ્ય પુરુષોએ સંદર્ભરૂપે ટાંકેલા અન્ય ધર્મના તે જ ઋષિ-મુનિઓની બીજી વાતોને કડક ટીકા કરવા પૂર્વક અમાન્ય પણ કરી છે.

વર્તમાનમાં પણ પ્રવચનકાર મહાત્માઓ ગાંધીજી, સ્વામી વિવેકાનંદ આદિના ક્વોટેશનો આપતા હોય છે. તો શું તેમની બધી વાતો તે પ્રવચનકાર મહાત્માઓને માન્ય હોવી જ જોઈએ, તેમ કહેવું યોગ્ય ગણાશે ? વર્તમાન સંઘમાં પણ આવું માન્ય થશે ? કે પછી માત્ર મને એકને જ આવા તર્કો લાગુ પડાય છે ?

જો ગાંધીજી આદિની પણ વાતો સંદર્ભરૂપે બોલાતી-લખાતી હોય તો પ્રભુદાસભાઈ જેવા શ્રદ્ધાળુ શ્રાવકની સત્ય સ્થાપિત કરનારી વાતો ટાંકવામાં વાંધો શું ?

જૈનધર્મની શાસ્ત્રનીતિ બહુ સ્પષ્ટ છે. સંદર્ભરૂપે અપાતું ઉદ્ધરણ કમ સે કમ ચાલુ સંદર્ભની અપેક્ષાએ માન્ય હોવું જોઈએ. તેટલી મર્યાદા જ જૈન શાસ્ત્રનીતિ ફરમાવે છે.

‘પરંતુ તે સિવાયનું પૂર્વાપરનું પણ માન્ય હોવું જ જોઈએ, જો તેમ ન હોય તો ફાવતું પકડ્યું કહેવાય’ તેવી દલીલો પૂર્વાચાર્યોને પણ ભૂલભરેલા સ્થાપિત કરવામાં જ સહાયક થશે. માટે પ્રભુદાસભાઈની અન્ય વાતો મને માન્ય છે કે અમાન્ય તે ચર્ચા જ અપ્રસ્તુત છે.

સવાલ 14 – અમુક જાણકારો એવું જાહેર કરી રહ્યા છે કે જજમેન્ટનો તેમણે બરાબર અભ્યાસ કર્યો છે. તે એક બેસ્ટ જજમેન્ટ છે. પંડિત મહારાજ જે મુદ્દા કાઢી રહ્યા છે તે બધા કાલ્પનિક છે. તેમાં અમારે શું સમજવું ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – આ તો બાબા વાક્યં પ્રમાણમ્ જેવી નીતિ થઈ. મેં જેટલા મુદ્દા દર્શાવ્યા છે, તેના જેટલા તર્ક કે દાખલાં આપ્યાં છે, તે બધાનાં મુદ્દાસર ખુલાસા કે પ્રતિતર્ક જણાવ્યા વિના સર્ટિફિકેટ આપી દેવાની પદ્ધતિને કોઈ યોગ્ય ગણી શકે ?

દરેક સમજુ વ્યક્તિ સારી રીતે સમજતો હોય છે કે, સ્પષ્ટ અને તર્કપૂર્ણ બાબતોની વિરુદ્ધમાં માત્ર વિધાનો કરી દેવાથી કશું સિદ્ધ થતું નથી.

અહીં પ્રશ્નમાં જણાવાયેલી જાહેરાતમાં એક વિશેષતા આંખે ઊડીને વળગે તેવી છે કે, જજમેન્ટ બેસ્ટ છે તેવા પ્રચારમાં સિફતથી એફિડેવિટ બાબતે પણ મૌન સેવાયું હોય તેવું જણાય છે. આ શું સૂચવે છે ? તેનો વિચાર કરવાનું વિવેકીજનોને સોંપું છું.

સવાલ 13. – સાંભળવા પ્રમાણે પેઢીએ બધા આચાર્ય ભગવંતોને પત્ર લખી જણાવ્યું છે કે પંડિત મહારાજ સાહેબે જાહેર નિવેદનો આપતાં પહેલાં પેઢીનો કે આચાર્ય ભગવંતોનો સંપર્ક કર્યો હોત તો સારું થાત. આ બાબતે પંડિત મહારાજ સાહેબનું શું કહેવું છે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – આ તો અત્યંત આંચકો આપે તેવી વાત છે. આજ સુધીમાં મારા દ્વારા તીર્થોના ગંભીર મુદ્દાઓ બાબતે લખાયેલ ઢગલાબંધ પત્રોનો જવાબ આપવાની વાત તો દૂર રહી, પરંતુ પેઢીના મુખ્ય ટ્રસ્ટી તરફથી એવો પણ સંદેશ અપાયેલ છે કે ‘અમારે પત્ર ખોલવો પણ નથી, વાંચવો પણ નથી અને જવાબ પણ આપવો નથી.’ તે જ પેઢીના ટ્રસ્ટી અન્ય આચાર્ય ભગવંતોને લખી જણાવે કે, જો પંડિત મહારાજે પેઢીનો સંપર્ક કર્યો હોત તો સારું થાત. આ કઈ કક્ષાનો વિરોધાભાસ ગણાય ?

છતાં જો પેઢી જાહેરમાં બાંહેધરી આપવા તૈયાર હોય કે પેઢીનો સંપર્ક કરીએ તો તેઓ અવશ્યપણે સંતોષકારક ખુલાસા કે જવાબ આપશે, તો પેઢીનો સંપર્ક કરવામાં મને કોઈ બાધ નથી. બાકી, અત્યાર સુધીનો મારો અનુભવ બોલે છે કે, જો અગત્યની સમસ્યાને પણ દબાવી દેવી હોય તો પેઢીનો સંપર્ક કરવો જોઈએ. તે અનુભવથી વિપરીત અનુભવ કરાવવાની જો પેઢીની તૈયારી હોય તો સમગ્ર શાસન માટે આનંદનો અવસર ગણી શકાય.

સવાલ 12. – સાંભળવા પ્રમાણે પેઢીએ પત્ર લખીને બધા આચાર્ય ભગવંતોને જણાવ્યું છે કે, પંડિત મહારાજ સાહેબ જે રીતે નિવેદનો બહાર પાડી રહ્યા છે, તેનાથી તીર્થને ઘણું નુકસાન થશે, તેવો કાયદાકીય નિષ્ણાતોનો અભિપ્રાય છે. આ બાબત ધ્યાનમાં લેવાઈ છે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – આશ્ચર્યની વાત છે કે પેઢીએ મને આવો કોઈ પત્ર મોકલ્યો નથી. તીર્થરક્ષા સાથે સંલગ્ન આવી બાબતોથી પણ પેઢી મને અંધારામાં જ રાખવા માંગતી હશે, તેવું દેખાય છે.

બીજું, જો તટસ્થ કાયદાકીય નિષ્ણાતોના અભિપ્રાય મુજબ મારા પગલાઓથી તીર્થને નુકસાન થાય તેમ હોય તો શા માટે હજુ સુધી તેની વિગતો મને મોકલી નથી અથવા જાહેર કરી નથી ? તે પ્રશ્ન સમજદારને તરત ખૂંચે તેવો છે.

ત્રીજું, જો પેઢીને પ્રસ્તુત સમસ્યાનો અંત લાવવો હોય તો મારી સાથે પેઢીની ઉપસ્થિતિમાં તટસ્થ કાયદાકીય નિષ્ણાતોને બેસાડી, પેઢીએ લીધેલા પગલાઓ અને તે સંબંધમાં મેં લીધેલાં પગલાંઓના ફાયદા-નુકસાનની ચર્ચા કરી, નિર્ણય કરી, હાનિઓ સુધારવાની દિશામાં પગલાં લેવાય તે સૌથી સીધો અને સરળ ઉપાય છે.

સવાલ 11. – પંડિત મહારાજે પેઢીને બળ આપવું જોઈએ, તેમના કાર્યોમાં સહકાર કરવો જોઈએ, વિરોધ નહીં.

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – એટલું તો સહુ સમજશે જ કે, બળ તે કાંઈ પડીકું વાળીને આપી શકાય તેવી ચીજ નથી. વળી, તીર્થરક્ષા આદિના કાર્યો માટે સૌથી વધુ સત્તા-સાધન-સામગ્રી પેઢી પાસે જ છે. તે નિર્વિવાદપણે કહી શકાય તેમ છે. તો હવે બાકી શું રહ્યું ?

પેઢી તીર્થરક્ષાના કાર્યો સુંદર-સુદૃઢ-લક્ષ્યવેધી બને તે રીતે કરે, તેમના થકી શાસનને અન્ય કોઈ હાનિ ન થાય તેના માટે જે ખૂટતું હોય તેની પૂરવણી કરવી, જરૂરી દિશાનિર્દેશ કરવો, સમજણ આપવી, માહિતીઓ પૂરી પાડવી, હાનિઓથી ચેતવવા, ચેતવવા છતાં ન અટકે તો મક્કમતાપૂર્વક જણાવવું, તેનાથી પણ ન અટકે તો જેમના દ્વારા અટકી શકે તેમના દ્વારા અટકાવડાવવા. આ બધું પેઢીને બળ આપનાર – તીર્થરક્ષાના કાર્યોમાં સહકાર આપનાર નથી, તેવું કહી શકાશે ખરું ?

સવાલ 10. – અંદરની વાત અંદર જ દબાવી દેવાય તે ઇચ્છનીય નથી ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – ઇતિહાસ સાક્ષી છે કે, નિવેદનમાં જણાવાયેલ હકીકતો જેવી બીજી અનેક નુકસાનકારક હકીકતો આપણા તીર્થોમાં જોડાયેલી છે. છતાં તે ભૂતકાળની ગર્તામાં દબાયેલી જ રહી છે. જૈન સંઘ તેનાથી અંધારામાં જ રહ્યો છે. તેના ભરપાઈ ન કરી શકાય તેવાં કારમાં નુકસાનો આજે પણ આપણને ભોગવવાં પડે છે.

તેનો અફસોસ કરવાને બદલે કે નુકસાનો જાણવાની ઉત્સુકતા દર્શાવવાને બદલે તાજેતરનું મહાનુકસાન પણ અંદર જ દબાવી દઈને કાયમ માટે જૈન સંઘે ભોગવવું, તેવો જેમનો ભાવ હોય તેમની તીર્થભક્તિને વખાણવી કે વખોડવી તે જાણકારોની મોટી સમસ્યા છે.

અરે ! શાસન માટેની વ્યથા જાહેરમાં વ્યક્ત થવા છતાં ધર્માચાર્યનો સંપર્ક કરીને તેની ગંભીરતા અને ઉકેલ સમજવાનો પણ મોટા ભાગે કોઈને રસ જણાતો નથી. ઉલટું, તે હાનિઓ શાસનના ભાવિ માટે ખતરનાક બની ન જાય તેની ચિંતા બાજુએ મૂકી બધું દબાવી દેવાની સલાહો અપાય છે.

આ વિષમ પરિસ્થિતિને વિવેકીજનો ઇચ્છનીય ગણી શકે ?

સવાલ 9. – આપણે અંદરોઅંદર લડીને શાસનને નુકસાન ન કરવું જોઈએ, પરંતુ આપણી શક્તિઓને શાસનસેવામાં લગાડવી જોઈએ.

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ– કેટલી ખરી વાત છે ? શાસનના દરેક સભ્યો આ વાત સ્વીકારી અને અમલમાં મૂકે તો શાસન માટે સોનાનો સૂરજ ઉગ્યો ગણાય. પોતાને અણગમતી વાત પણ જો તીર્થના – શાસનના હિતમાં હોય તો સરળતાથી સ્વીકારીને, લડ્યા વિના શાસનની સેવામાં જોડાઈ જવાય, તો કેટલું સારું ?

પરંતુ ખેદની વાત છે કે, શાસનને ભારે ફટકો પહોંચાડે તેવી – ચોક્ખી દીવા જેવી ક્ષતિઓ નજર સામે હોવા છતાં તેને સ્વીકારવાની-સુધરાવવાની દિશામાં ગંભીરતાથી ડગલું માંડવાનો કે મંડાવવાનો પ્રારંભ થયો હોય, તેનો લગભગ અણસારસુદ્ધાં પણ જણાતો નથી.

ઉલટું, મૂળ મુદ્દાથી બહાર જ રહીને ‘કેમ નિવેદન બહાર પાડ્યાં ?’ ‘પેઢીએ કાંઈ જાહેર કરાવ્યું નથી.’ ‘કોઈને પણ પૂછ્યા વિના નીકળી પડ્યાં છે.’ ‘સામેવાળાને મુદ્દાં મળી ગયાં.’ ‘અંદરોઅંદર પતાવો.’ ‘પેઢીએ જે કર્યું તે બરાબર કર્યું છે.’ ‘પંડિત મહારાજની વાતો તર્કવિહોણી છે.’ ‘પંડિત મહારાજ પાસે આખા શાસનની સત્તા છે ?’ વગેરે વગેરે અઢળક વિકલ્પો ફેલાવીને શાસનનું વાતાવરણ ડહોળી નાંખવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું જણાય છે. જેથી જૈનો મૂળ ગંભીર મુદ્દાઓથી દૂર રહીને આ વિકલ્પોથી જ ભડકી જાય.

આ હાલતને અંદરોઅંદરની લડાઈ કહેવાય કે કેમ, તે સમજુ લોકો વિચારે.

સવાલ #8– પંડિત મહારાજ સાહેબ પેઢીની દરેક કાર્યવાહી ઉપર નિવેદનો બહાર પાડ્યા કરશે, તો પેઢીની કેટલી બધી નિંદા થશે ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ– પેઢીની ઘોર ઉપેક્ષા અને બેદરકાર પગલાંઓને કારણે જૈન સંઘના અનેક મહાતીર્થોને આજ દિવસ સુધી અઢળક ગંભીર હાનિઓ થઈ છે. પરાપૂર્વથી ચાલ્યા આવતાં પુષ્કળ અધિકારો નષ્ટ થયાં છે. તેના નક્કર પુરાવા મારી પાસે મોજૂદ છે. નીલકંઠ મહાદેવ કેસમાં થયેલાં વિધાનો કરતાં કઈ ગણાં સ્ફોટક પગલાંઓ પેઢીએ લીધા હોવાનો ઇતિહાસ તેમાં ધરબાયેલો છે, છતાં મેં તેના માટે વર્ષોથી મૌન જ સેવ્યું છે. શાસનને – તીર્થને ધક્કો પહોંચે તેવા છૂપાયેલાં મુદ્દાઓ જાહેર કરવાનું કામ સાચા શાસનપ્રેમીનું કઈ રીતે હોય ? હા ! ધક્કો પહોંચ્યો હોય તો તેનાથી ચેતવવા પડે તે જુદી વાત !

બાકી જેઓ શાસનની ચિંતાને ગૌણ કરી પેઢીની નિંદાના નામથી ડરાવનારા છે તેમની પદ્ધતિ એવી દેખાય છે કે, શાસનનું જે થવું હોય તે થાય, પરંતુ પેઢીના ખોટાં પગલાં તરફ ધ્યાન દોરનાર વ્હીસલબ્લોઅરને જ ગુનેગાર ગણાવીને ધમકાવવો.

વાસ્તવમાં, વ્હીસલબ્લોઅરને કાયદો પણ સુરક્ષા આપે છે અને જિનશાસનમાં તો શાસનના હિત માટે કડવું જાહેર કરનારને જિનાજ્ઞાપાલકનું ઉત્તમ બિરૂદ અપાય છે. માટે જે હાનિ દર્શાવાઈ રહી છે તેને સુધારવા પ્રયત્ન કરવામાં જ ખરી બુદ્ધિમત્તા છે.

પેઢીની નિંદાનો ડર ફેલાવનારાઓમાં જો આટલી સાદી સમજણ પણ હોત તો શાસનની સ્થિતિ ઘણી જુદી હોત!!

સવાલ #7 – પંડિત મહારાજ સાહેબના તીર્થરક્ષાના કાર્યોમાં પેઢી શા માટે સાથ નથી આપતી તેનો તેમણે વિચાર કરવો જોઈએ. ધીરજપૂર્વક પેઢીને સાથે લેવા માટે પ્રયત્ન કરાય તો બધું કામ થાય!

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – પ્રશ્ન પૂછનારને એટલો ખ્યાલ હોવો જોઈએ કે પેઢીની આગ્રહપૂર્ણ વિનંતિને કારણે હું તીર્થરક્ષાના કાર્યમાં જોડાયો છું. તેમાં મારો આગ્રહ નહોતો. ત્યારબાદ થયેલા અનુભવોની વણઝારથી મને એવું સમજવા મળ્યું કે, પેઢીના વહીવટદારો તેમના કહ્યા મુજબ કાર્ય કરનાર મહાત્માને જ સહકાર આપવાનું પસંદ કરે છે. છતાં તીર્થરક્ષાના કેન્દ્રને છોડ્યા વિના બે-અઢી દાયકા સુધી પેઢીને રક્ષાના કાર્યોમાં સાથે લેવાની ભરચક મથામણો કર્યે જ રાખી છે.

આ સંજોગોમાં તીર્થરક્ષા માટે તેમનો સહકાર મેળવવા હજુ ધીરજ ધરવાની સલાહનો ભાવાર્થ શું થાય ? સાથ મેળવવાની મહેનત કર્યા જ કરવાની, ભલે આયુષ્ય પૂરું થઈ જાય ત્યાં સુધી ધીરજ ધરવાની તો શું પરભવમાં પહોંચ્યાં પછી તીર્થરક્ષાના કાર્ય કરવાના ?

સામે ધર્મશાસ્ત્રો ધર્માચાર્યોને આદેશ આપે છે કે સર્વ પ્રયત્નથી શીઘ્રમાં શીઘ્ર તીર્થરક્ષા માટે પુરુષાર્થ કરવો.

આ બંનેમાંથી કઈ સલાહને મહત્ત્વ આપવું, તે સુજ્ઞજનો સારી રીતે સમજી શકશે.

સવાલ #6– જેઓ કાયદાના અજાણ છે તેવા અજ્ઞાન લોકો સમક્ષ આ નિવેદનો જાહેર કરવાથી શું મતલબ ? આવી બાબતો માત્ર તેના જાણકારો પૂરતી જ સીમિત રાખવી જોઈએ.

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – આ પ્રસ્તાવ આવકારપાત્ર છે, પરંતુ ક્યારે ? જ્યારે તેના જાણકારો, તેના અધિકૃતો શાસનના મહત્ત્વપૂર્ણ પ્રશ્નો બાબતે પૂર્ણ સક્રિય હોય. તેમને શાસનના આવશ્યક કાર્યોની વ્યવસ્થિત જાણકારી આપવી તેને જ કાર્યસિદ્ધિ માટેનું પ્રથમ પગલું ગણી શકાય તેવી આપણા સહુની પુણ્યાઈ હોય, ત્યારે ઉપરોક્ત સલાહ સમુચિત કહી શકાય.

પરંતુ દુર્ભાગ્યે મારી પુણ્યાઈ એવી નથી કે મારા કહેવાથી શાસનના મહત્ત્વપૂર્ણ કાર્યોમાં જાણકારો-અધિકૃતો સહયોગ આપે, જે વર્ષોના અનુભવથી કહું છું, પરંતુ એ પણ હકીકત છે કે આ કાર્ય જાણકારો-અધિકૃતો દ્વારા જ થઈ શકવાનું છે. તેમની પાસેથી સંઘનો કોઈ વિરલો સભ્ય શાસનની સમસ્યાનું નિરાકરણ કરાવી શકતો હોય, ભલે ને તે કાયદાથી અજાણ હોય, તેને મજબૂત દિશાનિર્દેશ મળે તે માટે આનાથી સારો વિકલ્પ કોઈ હોય તો જણાવવો જોઈએ.

કાશ ! આવા પ્રશ્નો પૂછનાર જો ‘કાયદાના અજાણ લોકો સમક્ષ આવું જજમેન્ટ મૂકવાનો મતલબ શું ?’ તેવા ઉભયપક્ષી પ્રશ્નો પૂછતાં હોત – પૂછી શકતાં હોત, તો વર્તમાન શાસનની સ્થિતિ કાંઈક જુદી હોત !!

સવાલ #5 – પંડિત મહારાજ સાહેબે આપણા પક્ષની ભૂલો આટલી ખુલાસાવાર કેમ જાહેરમાં મૂકી ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – માત્ર એમ જાહેર કરવામાં આવત કે, એફિડેવિટ આદિમાં ત્રુટિઓ છે, તો વાજતે-ગાજતે જૈન સંઘમાં વધાવાયેલ જજમેન્ટ આદિ માટે કોઈ આવી વાત સ્વીકારત ખરું ? તેનાથી તે ત્રુટિઓ સુધારવાની દિશામાં સ્પષ્ટતા થાત ખરી ?

આપણા જ જૈનોને ગળે ઉતરે તે રીતનો ખુલાસો કર્યા વિના – તેના ભયસ્થાનો દર્શાવ્યા વિના માત્ર તે તે મુદ્દાઓ ખામીવાળા છે તેવું દેખાડી દેવાથી શું વળવાનું હતું ? શાસનને થયેલી હાનિનું તો સંમાર્જન થવું જોઈએ ને ?

અરે ! આટલી દીવા જેવી સ્પષ્ટ વાત કહેવા છતાં જૈન સંઘમાં નિવેદનના મુદ્દાઓ માટે અંદરોઅંદર ગણગણાટ ચાલુ છે. જો મોઘમમાં કહી દીધું હોત તો સમજદાર લોકોને પણ કેવી રીતે સ્વીકાર્ય બનત ? છતાં પંડિત મહારાજે આવી વાતો જાહેર ન કરવી જોઈએ, તેવી ચર્ચાઓ જોરમાં કરાતી હોય છે.

ક્યાંક એવું તો નથી ને કે ચોરી થઈ ગઈ હોય ત્યારે ચોરીના દરવાજા ખુલ્લા મૂકી દેનારને અટકાવવાને બદલે કે ચોરીનો માલ પરત લઈ આવવા મહેનત કરવાને બદલે સૌને જાગૃત કરવા ભસી રહેલા વફાદાર કૂતરાને ઠપકારી દેવાની મનોવૃત્તિ આપણા ઉપર હાવી થઈ ગઈ હોય ?

ધર્મક્ષેત્રમાં આવી મનોવૃત્તિ ભયંકર નુકસાન નોંતરી શકે છે.

સવાલ #4- નિષ્ણાત હોવા છતાં પણ બધાને આવા મુદ્દા સૂઝે જ તેવું કેવી રીતે કહેવાય ? જો સામા પક્ષના વકીલોને ધ્યાનમાં આવી ગયું હોત તો પ્રસ્તુત કેસમાં તેની ચર્ચા થઈ જ હોત ને ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – કોર્ટમાં સામો પક્ષ આપણી નબળાઈઓ શોધવા જ બેઠો હોય, આપણા શબ્દેશબ્દનું સૂક્ષ્મતાથી સ્ક્રીનીંગ કરતો હોય, છતાં સામાન્ય જાણકારને પણ પકડાઈ જાય તેવી ખામીઓ સામા પક્ષના નિષ્ણાત વકીલોને ધ્યાનમાં ન આવે, તેવી વાતોને મતિકલ્પનાથી વિશેષ શું કહી શકાય ? જેમને વકીલોનો અનુભવ હોય તેઓ આવા વિકલ્પોમાં સંમત ન થઈ શકે.

બીજી વાત, પ્રસ્તુત કેસમાં આ મુદ્દાઓની ચર્ચા થઈ હોત તેવી કલ્પના કરનારા એ ભીંત ભૂલે છે કે, જે ખરેખર મૂર્ખા વકીલ હોય તેઓ સામા પક્ષની ભૂલ થતાંવેંત કોર્ટમાં ચર્ચા કરવા માંડે, જેથી તરત જ તમે સજાગ થઈ જાઓ. બાકી હોંશિયાર વકીલો હંમેશાં સામા પક્ષની ભૂલોને મંજૂર કરાવવામાં રસ ધરાવે, જેથી ભવિષ્યમાં તેનો બરાબર ઉપયોગ થઈ શકે. માટે મૂળ વાત ભૂલીને આડાઅવળા વિકલ્પોમાં મૂંઝાવા જેવું નથી. હવે તો એ રીતે પણ જાગ્રત થવા જેવું છે કે સામા પક્ષના વકીલોને કોર્ટમાં જ આપણા જ હાથે આપણી જ વિરુદ્ધના વિધાનો સુપરત કરાયાં છે. તેથી ભવિષ્યમાં ગમે ત્યારે તેઓ તે વિરોધી મુદ્દાઓને આપણી વિરુદ્ધમાં ઉતારી શકે છે. તેવું થાય તે પહેલાં જ તેને અટકાવવા આપણા પક્ષની ભૂલો સુધરાવી લેવી જોઈએ.

સવાલ #3 – પ્રસ્તુત નિવેદનોમાં ચર્ચાયેલી બાબતોથી સામા પક્ષને વિરોધી મુદ્દા મળી ગયા તેનું શું ? આ રીતે નિવેદનો બહાર પાડવાથી તીર્થરક્ષા થઈ કે તીર્થહાનિ ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – બહુ ગમ્મત પડે તેવી વાત છે. એક-એક શબ્દો કે વાક્યોના આધારે જ્યાં લડત ચાલતી હોય, શબ્દે શબ્દની જ્યાં હાજરી પૂરાતી હોય, વિરોધી પક્ષ કે ન્યાયાધીશોની ગતિવિધિઓમાંથી પોતાના પક્ષને ઉપયોગી શું ? તેની એકદમ એકાગ્રતાપૂર્વક – બાજનજરે નોંધ લેવાતી હોય, સામા પક્ષે પણ નોંધ લેનારાઓ કાયદા અને બુદ્ધિના ખેરખાં હોય, તેમની સામે કોર્ટકચેરીની કાર્યવાહીઓમાં હાનિકારક વિધાનો કરી દેનારે સામા પક્ષને વિરોધી મુદ્દા આપ્યા તેમ ન કહેવાય !! પ્રસ્તુત કેસ સાથે અસંલગ્ન એવા સામા પક્ષના ધુરંધરો સામે પણ પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના જાહેર માધ્યમે શાસનને હાનિકારક બાબતો ખુલ્લી મૂકી દેવાઈ તો પણ સામા પક્ષને વિરોધી મુદ્દા આપ્યા તેમ ન કહેવાય !! પરંતુ આ બધા કામોથી શાસનને હાનિ ન પહોંચે તેના માટે શ્રીસંઘને જાગ્રત કરનાર થકી સામા પક્ષને મુદ્દા મળી ગયા તેમ કહેવાય !! છે ને ગળે પડવાની જબરી નીતિ !!

ઘર બળતું હોય, આગ કાબૂ બહાર ગઈ હોય, ત્યારે ગામ આખાને સહાય માટે બોલાવનારને ઘરવાળાઓ આબરુ કે ગુપ્તતાના નામથી તતડાવે એવો ઘાટ આજે જૈન સંઘમાં અમુક પરિબળોએ ઊભો કરી દીધો છે. બાકી, માત્ર પંડિત મહારાજ જ આવા પોઇન્ટ કાઢી શકે તેવું માનનાર ચોક્કસપણે ખાંડ ખાય છે. ખરેખર તો જે સામાન્ય કક્ષાના વકીલો છે, તેઓ પણ જાતે સરળતાથી પકડી શકે તેવી વાતો છે. તેમાં પણ સામા પક્ષના ઉસ્તાદોએ તો ક્યારનાંય પકડી લીધાં હશે.

પ્રાસંગિક એટલું સૂચન કરવાનું મન થાય છે કે ઘરમાં આગ લાગી હોય ત્યારે કોણે જાહેરાત કરી તેની પંચાતમાં પડવાની ભૂલ સુજ્ઞજન ન જ કરે. તે તો સમજે જ કે જાહેરાત કરનારે ખૂબ સમજદારી વાપરી છે. તેમ તીર્થને મોટી હાનિ થઈ છે, જે સ્પષ્ટ અને સિદ્ધ છે, તેની જાહેરાત કોણે કરી તેની ચિંતા કરવા કરતાં કેમ કરીને તે હાનિઓથી તીર્થ ઉગરી જાય તે વિચારવામાં ખરી બુદ્ધિમત્તા છે.

છેલ્લે એટલું દરેક સંઘજનો ધ્યાનમાં લે કે, જે બાબતની ગુપ્તતા જાળવવી જરૂરી હતી, તેની પૂરી ગુપ્તતા જાળવવામાં આવી જ છે.

સવાલ #2 – આ બાબતો અંદરોઅંદર પતાવવી જોઈએ. આણંદજી કલ્યાણજી પેઢીને કે આચાર્ય ભગવંતોને સીધી જણાવવી જોઈએ. તેને જાહેરમાં મૂકવાનું કારણ શું ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – જજમેન્ટ આદિની સમીક્ષાઓ કરવાનું ફળ તો એ જ હોય કે નુકસાનીનું નિવારણ થાય. જો પેઢીને સીધું કહી દેવામાં આવ્યું હોત તો વિગત 25 વર્ષના અનુભવ મુજબ નિષ્ક્રિય આશ્વાસન કે મૌનનો જ પ્રતિભાવ પ્રાયઃ કરીને મળત. તેવો નિષ્ફળ પ્રયાસ કરવાનો કોઈ ફાયદો ખરો ? પૂજ્ય ગચ્છાધિપતિઓ કે આચાર્ય ભગવંતોને પણ શાસનની સમસ્યાઓ જણાવવામાં અપવાદને બાદ કરતાં પ્રાયઃ કરીને તેવા જ અનુભવો રહ્યાં છે. આ પરિસ્થિતિમાં જૈનોને જાગૃત કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહીં. જૈનોમાંથી કોઈ વિરલાઓ અધિકૃત ધર્માચાર્યો દ્વારા કે સીધું પેઢી પાસેથી, નિવેદનોમાં કહેવાયેલી ભૂલોનું સંમાર્જન કરાવી શકે તેમ હોય, તેઓને વ્યવસ્થિત દિશા મળે તે માટે શ્રીસંઘને જણાવવામાં શું તીર્થરક્ષા સમાયેલી નથી ?

સવાલ #1 – પૂ. પંડિત મ. સા. એ આ શત્રુંજય વિષયક નિવેદનો જાહેરમાં મૂકવાની શી જરૂર હતી ?

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો જવાબ – કારણ કે નીલકંઠ મહાદેવ કેસના જજમેન્ટ આદિ વધાઈ સાથે પ્રિન્ટ મીડિયા તથા સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવ્યા. કોર્ટમાં રજૂ કરાયેલી હાનિકારક વાતો જાહેરમાં મૂકી દેવાની જબ્બર ભૂલ કરવામાં આવી. જે સામા પક્ષના સમીક્ષકો જૈન સંઘને અકલ્પ્ય હાનિકારક મુદ્દાઓથી અજાણ હતા તે બધાને જૈનશાસન વિરોધી કાર્યવાહી કરવા માટેનું બળ મળી જાય તેવા મુદ્દાઓ જાહેર કરી દેવામાં આવ્યા.

આ બાજુ આણંદજી કલ્યાણજી પેઢી આપમેળે જવાબદારી સમજીને તે ખામીઓનું વારણ કરે અથવા પેઢી મારું (પંડિત મહારાજ નું) સાંભળે તેવી એક ટકો પણ આશા ભૂતકાલીન અનેક અનુભવને કારણે રહી નથી. તેથી જૈનોને જાગૃત કરીને તે ભૂલો સુધરાવવાના નિર્મળ આશયથી સમીક્ષાત્મક નિવેદનો જાહેરમાં મૂક્યા છે.

અહીં એક પ્રશ્ન થાય કે નિવેદન કેમ જાહેર કર્યા ? આવા પ્રશ્ન કરનારે ‘શા માટે જજમેન્ટ જાહેર થવા દીધું?’ તેવો પ્રશ્ન પૂછયો હશે ખરો ?