સંક્ષિપ્ત પ્રતિપદોત્તર
(૧૧/૩/૨૦૨૨ નાં રોજ મિડ-ડેમાં છપાયેલ ‘‘ઘાટકોપરના નવરોજી લેન જૈન સંઘમાં
શું બન્યું ?’’ અહેવાલનો ટૂંકો ઉત્તર)
- અહેવાલ :- તા. ૧૦/૦૩/૨૦૨૨ સવારે પુજ્ય આર્ચાય શ્રી. યુગભૂષણ સુરીજી મ.સા. તેમના સાધુ, સાધ્વીજી અને અનેક શ્રાવક સાથે નવરોજી લેન ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો.
ખુલાસો :- વિહારમાર્ગમાં અનિવાર્ય એક દિવસના રોકાણરૂપે નવરોજીલેનના તપાગચ્છીય ઉપાશ્રયમાં મેં પ્રવેશ કર્યો હતો.
- અહેવાલ :- છેલ્લા અનેક દિવસોથી અન્ય સમુદાયોના અનેક (૩) પૂ. આર્ચાય ભગવંતો વગેરે તે ઉપાશ્રયમાં હાજર હતા તથા રોજ તેમના વ્યાખ્યાનો થતા હતા. શાસ્ત્રીય અને ઔચિત્યની મર્યાદા મુજબ તેમની અનુમતી લઈને જ મકાનમાં ઉતરી સકાય તેમ છતાં કોઇની અનુમતી તેમણે લીધી નહી.
ખુલાસો :- અન્ય બે સમુદાયના ત્રણ આચાર્ય ભગવંતોના વ્યાખ્યાનને કોઈ બાધા ન પહોંચે તે રીતે સંયોગો અનુસાર શાસ્ત્રીય અને ઔચિત્યની મર્યાદા મુજબ મેં વડીલ આચાર્ય ભગવંતને મત્થએણ વંદામિ કહેવા સાથે સુખશાતા પૃચ્છા કરવા પૂર્વક પ્રવેશ કર્યો. જુઓ નીચેના ફોટોગ્રાફ.
- અહેવાલ :- અગાઊથી રહેલા ત્રણેય આચાર્ય ભગવંતો આચાર્ય શ્રી યુગભુષણ સુરીજી મ.સા. કરતા વડીલ હોવા છતા તેમને વંદન કે મત્થએણ વંદામિ, કહેવાનો પ્રાથમિક ઉચિત વ્યવહાર પણ ન કર્યો. આવી ને તરત જ તેમણે વ્યાખ્યાન શરૂ કરી દીધુ.
ખુલાસો :- ત્રણે આચાર્ય ભગવંતો વડીલ નહોતા, પરંતુ જે આચાર્ય ભગવંત વડીલ હતાં, તેમને મત્થએણ વંદામિ કહેવાનો પ્રાથમિક ઉચિત વ્યવહાર કરવાં છતાં પણ પ્રાઘૂર્ણક (આગંતુક) સાધુ સાથે શાસ્ત્રદૃષ્ટિએ કરવા લાયક કોઈ ઉચિત વ્યવહાર તેમણે કે તેમનાં આચાર્યાદિ અન્ય મહાત્માઓએ કર્યો નહીં. છતાં તેની કોઈ વિપરીત અસર લીધા વિના મારા ઉચિત આસને જઈને હું બેઠો. સંઘમાં ચાલતા વ્યાખ્યાન સાથે કોઈ અવરોધ ન થાય તેવા પ્રભાતના યોગ્ય સમયે, મેં પરિવાર પ્રત્યેના મારા કર્તવ્યરૂપે, વ્યાખ્યાન નહીં પરંતુ વાચના આપવાની ચાલુ કરેલી.
- અહેવાલ :- દૈનિક પ્રવચનો સંઘમા જે અગાઊ થી ચાલતા હતા તે સમય પૂર્વે પોતે સ્થાનપર જાણે કબ્જો લઈ લીધો. સંઘે અને અગાઉથી રહેલા પૂજ્યોએ વારંવાર તેમને આમ ન કરવા વિનંતી કરી.
ખુલાસો :- ત્યાંની વ્યાખ્યાનની પાટને મેં સ્પર્શ સુદ્ધાં કર્યો નથી, તો કબજો જમાવવાનો પ્રશ્ન જ ક્યાંથી આવે ? વગર કબજાએ વિનંતિ કરવાનો અવકાશ જ ક્યાં રહે છે ?
- અહેવાલ :- સંકલેશ ટાળવા તેમણે અન્યત્ર રોકાવા જણાવ્યું, ત્યારે તેમણે આ. શ્રી યુગભૂષણ સૂરીજી મ.સા. એ હુ જૈનાચાર્ય છું, મને અહીં ઉતરતા કોઈ રોકી ન શકે……
ખુલાસો :- અમારે સંયમયાત્રાના નિર્વાહ સિવાય કોઈ સંક્લેશનો ભાવ હતો નહીં. તેથી તેને ટાળવાનો પ્રશ્ન રહેતો નથી. બાકી, તપાગચ્છના સાધુને વિહારમાં પણ એક દિવસ અન્યત્ર રોકાવાની તેમની વાત શાસ્ત્ર અને પરંપરાથી તદ્દન વિપરીત હતી. કોમન સેન્સથી પણ સમજાય એવી વાત છે કે તપાગચ્છના સંયમી સાધુને તપાગચ્છના ઉપાશ્રયમાં રોકાવાનો નિષેધ કરવાનો પ્રભુઆજ્ઞા પ્રમાણે કોઈને અધિકાર નથી.
- અહેવાલ :- ….તકલીફ હોય તો તમે લોકો (ત્રણે આચાર્ય) વિહાર કરી શકશો એવા મતલબનું જણાવ્યું. સાધુ મહારજનો ઉપાશ્રય હોવા છતાં અનેક સાધ્વીજી પણ ત્યાં કલાકો સુધી જગ્યાઓ રોકી બેઠા રહ્યા.
ખુલાસો :- અપ્રીતિનો ભય દર્શાવી વિહાર કરવાનું તત્રસ્થ આચાર્ય ભગવંતે દબાણ કર્યું, ત્યારે તે અપ્રીતિ સંબંધી નિયમ શાસ્ત્રમાં એકાંતે ન હોવા છતાં જો લાગુ પડતો જ હોય તો તે ઉભયપક્ષે લાગુ પડે, તેથી તેમને પણ આવા કારણે તો વિહાર કરવો પડે તેવાં અર્થમાં તેમનું ધ્યાન દોરેલું.
- અહેવાલ :- આ. શ્રી યુગભૂષણ સૂરીજી મ.સા ના અનુયાયી વર્ગે પોલિસ ને બોલાવી છુટ્ટા હાતની મારામારી સુધીનો ગેરવર્તાવ કર્યો.
ખુલાસો :- અહીં વિરોધાભાસ એ છે કે, જેને મારામારી કરવી હોય તે પોલિસને બોલાવે તો તેને પોતાને જ દંડ થાય. સામાન્ય લોકો પણ સમજે કે જે ભયગ્રસ્ત હોય તે જ રક્ષણ માટે પોલિસને બોલાવે. ભયભીત અવસ્થા કોણે પેદા કરી તે આડકતરી રીતે આમાંથી સમજાઈ જાય છે.
- અહેવાલ :- અગાઉથી રહેલા પૂજ્યો આથી કંટાળીને સંઘની રજા લઈને નીકળી જવાના હતા પરંતુ સંઘે તેમને રોકાવા જણાવ્યું.
ખુલાસો :- આ વાત કેટલી બેહુદી છે તેનો અંદાજ એ ઘટનાથી આવે છે કે, પોલિસે જ્યારે માત્ર એક દિવસ અમને ત્યાંનાં ઉપાશ્રયમાં ઉતરવા દેવાની વાત કરી, ત્યારે તે મહાત્માઓએ જીદ પકડી કે અહીં અમારી માલિકીયત (અવગ્રહ) છે, તેથી આ ઉપાશ્રયમાં અમે એક દિવસ પણ પંડિત મહારાજને નહીં જ રહેવા દઈએ. અરે ! ઔચિત્ય સાથે અવગ્રહ લેવાની પણ તૈયારી દર્શાવેલ, પરંતુ તત્રસ્થ મહાત્માઓએ હઠપૂર્વક ના પાડેલી.
- અહેવાલ :- જોકે છેવટે તેઓએ વિહાર તો કર્યો જ.
ખુલાસો :- અન્ય મહાત્માઓએ દેખાવમાત્રથી વિહાર કરેલો. બાકી તેઓ તો શીઘ્ર પાછા આવી ગયા હતા.
- અહેવાલ :- અંદાજે 8 થી 9 કલાકના શરમજનક ઘટના ક્રમને અંતે પોલીસના કહેવાથી આ. શ્રી યુગભૂષણ સૂરીજી મ.સા ને વિહાર કરવો પડ્યો.
ખુલાસો :- આ વાત સાચી છે કે, આઠેક કલાકના શરમજનક ઘટનાક્રમ બાદ, સ્થાનિક શ્રાવકોએ આનંદ સાથે, વિજયના પોકાર સાથે, પોતાની જાત માટે ગૌરવ માનીને, પોલિસ દ્વારા ગેરકાયદેસર દબાણ કરાવીને ભરતડકે ગોચરી-પાણી વિના અમને વિહાર કરાવ્યો, જે, તે શ્રાવકોને બહુ શોભાસ્પદ લાગે છે !!
- અહેવાલ :- આ એ ઘાટકોપરનો સંઘ છે જેમણે હજી દોઢેક વર્ષ પૂર્વે આજ આ. શ્રી યુગભૂષણ સૂરીજી મ.સા ને સળંગ મહિનાઓ સુધી ચોમાસા અને પછી કોરેનાના કાળમાં પોતાના ઉપાશ્રયમાં ખૂબ ભાવથી રાખ્યા હતા. વિશાળ સાધુ સાધ્વી પરિવારની બધી જ વ્યવસ્થા સંઘે ખૂબ ઉત્કૃષ્ટ ભાવથી કરી હતી.
ખુલાસો :- ત્યાંના આરાધક શ્રાવકો તો ભક્તિવાળા છે, તેમણે ભક્તિ સુંદર કરી છે, તે વાત મેં જાહેરમાં પણ કરી છે અને લેખિતમાં પણ જણાવી છે, પરંતુ કેટલાક વહીવટદારોએ તો ત્યાંની સ્થિરતા દરમ્યાન અનેક અડચણોનો અનુભવ કરાવ્યો છે. માટે તેમના ઉત્કૃષ્ટ ભાવો કેવા હતાં તે તો જ્ઞાની ભગવંતો જ જણાવી શકે.
- અહેવાલ :- ઘાટકોપર સંઘને ખેદ અને આશ્ચર્ય છે કે તેમણે સંઘને બદનામ કરવા આ હદના પગલાં કેમ લીધા?
ખુલાસો :- મને આશ્ચર્ય છે કે, ત્યાંના વહીવટદારોએ અમને બદનામ કરવા આવાં શરમજનક પગલાં કેમ લીધાં ?
- અહેવાલ :- શાસ્ત્રની અને વ્યવહારની મર્યાદાઓ પણ ન જાળવી ને કોઈ જૈનાચાર્ય સંઘના સ્થાનોમાં કબ્જો જમાવવાનો રૂઆબ બતાવે તો સંઘ પણ છેવટે નાઇલાજ બની કડક પગલાં લેવા મજબૂર બને છે. આ ઘટનાક્રમના સેંકડો સાક્ષીઓ છે. આવી દુર્ઘટના તેઓ અન્ય કોઈ સંઘ સાથે ન કરે તેવી પ્રભુ તેમને સદ્બુદ્ધિ આપે.
ખુલાસો :- શાસ્ત્રની મર્યાદા પણ જાળવ્યા વિના વહીવટદારો સંઘના સ્થાનોમાં દાદાગીરીપૂર્વક કબજો જમાવે તો છેવટે નાઇલાજ બની ત્યાગી સંયમી સાધુને નિરાશ્રિત બનવાનો અવસર આવે. આ ઘટનાક્રમનાં સેંકડો સાક્ષીઓ છે. આવી દુર્ઘટના અન્ય કોઈ ઉપાશ્રયના વહીવટદારો ન કરે, તથા ઘાટકોપરના વહીવટદારો પણ તેમાંથી શીઘ્ર પાછા ફરે તેવી, પ્રભુ તેમને સદ્બુદ્ધિ આપે.
- અહેવાલ :- સકળ શ્રી સંઘને સત્ય ઘટના ક્રમથી વાકેફ કરવા માટેજ આ નિવેદન જાહેર કરવું પડે છે.
ખુલાસો :- સકળ શ્રી સંઘ અસત્ય ઘટનાક્રમથી ભ્રમિત ન થાય અને સાચી જાણકારી મેળવે તે આશયથી જ આ ખુલાસો જાહેર કરવો પડે છે.
જિનશાસન માટે ભગવાનનાં શ્રમણ-શ્રમણીઓ મોંઘેરી મૂડી સમા છે. ત્યાગી, તપસ્વી, જ્ઞાની, વૈરાગી, પ્રભાવક, આરાધક કે રક્ષક મહાત્માઓ વિશાળ સંખ્યામાં જૈન સંઘને શોભાવી રહ્યાં છે. તેમને વસતિદાન કરવું તે સૌથી ઉંચું પુણ્યનું કામ છે. તો સામે તેમને વસતિ જ મળે નહીં તેવાં કાર્યો કરવાં તે સૌથી ભયંકર પાપ બંધાવનાર છે. આટલી સાદી સમજને ઠુકરાવીને, કેટલાક સમયથી પોતાને અનિષ્ટ એવા સંયમી પણ મહાત્માઓને અમાનવીય વ્યવહારો દ્વારા સંઘનાં ઉપાશ્રયોમાં નહીં ઉતરવા દેવાનો દુરાગ્રહ વહીવટદારોમાં વ્યાપક બનતો જાય છે. જેનાં પરિણામે, સંયમી સાધુઓની હકાલપટ્ટી કરવાની પ્રવૃત્તિ ચાલુ થઈ ચૂકી છે. અંતે નિરાશ્રિત થયેલા સાધુઓ, સંયમજીવન જીવવું દોહ્યલું બનતાં સ્વમાન સાથે પ્રાણ ત્યાગ કરવાનો વિચાર કરતાં થાય, એ હદે વહીવટદારો સિતમ ગુજારે, છતાં વીરપ્રભુનાં સેવક જૈનો જાગે નહીં, તે જિનશાસન માટે અત્યંત કરુણ પરિસ્થિતિ નથી ? આવો ચીલો જો પ્રભુ શાસનમાં ચાલુ રહેશે, તો ચારિત્ર માર્ગ ટકાવવો દુષ્કર બનશે.
આવા અનેક ભાવિ કટુ પરિણામો સહુએ અંતરનાં દ્વાર ખોલીને તટસ્થતાથી વિચારવા જેવાં છે. ચતુર્વિધ શ્રીસંઘ જાગૃત બની આનું તાકીદે નિવારણ કરવા કટિબદ્ધ બને તેવી શાસન દેવને પ્રાર્થના.
(ગ. આ. વિજય યુગભૂષણસૂરિ)
તા.ક. ૧૦ માર્ચ ૨૦૨૨ ના રોજ નવરોજી લેન ઉપાશ્રયમાં ખરેખર શું બન્યું, તેની વિગતવાર જાણકારી ‘इनकार कब तक ?’ અને ‘आखिर हुआ था क्या ?’ સિરીઝમાંથી જિજ્ઞાસુ મેળવી શકશે.