પેઢીના પ્રમુખ સંવેગભાઈના નિવેદન બાબતે
જાહેર ખુલાસો
સોશિયલ મીડિયામાં અમે ખુલાસા કરતાં નથી, તેવી પ્રતિજ્ઞા જાહેર કરનાર આણંદજી કલ્યાણજી પેઢી તરફથી 15 માર્ચ 2022 નાં રોજ સોશિયલ મીડિયામાં બે નિવેદન જાહેર કરાયાં છે.
શાસનને કમ્મરતોડ નુકસાન પહોંચાડનાર અને સાવ નિરાધાર એવા પેઢીના પ્રતિનિધિત્વને, ઢગલાબંધ દાખલા-દલીલોપૂર્વક મેં જાહેરમાં નકાર્યું હોવા છતાં તે જ પ્રતિનિધિત્વનાં દાવાને હજુ પણ વળગી રહેવાની મનોવૃત્તિ, મહાજનની ઓળખ સાથે મોટા તીર્થોનો વહીવટ સંભાળતા પેઢીનાં ટ્રસ્ટીઓ માટે ખૂબ શરમજનક છે. સાથે, આ વિવાદ અંદરો અંદર પતાવી લેવાનાં હિમાયતીઓની આંખ ખૂલવી જોઇએ કે, જ્યાં જાહેરમાં આટઆટલું કહેવા છતાં આટલું નીચું સ્તર છે, ત્યાં અંદરખાને કહ્યું હોત તો શું થાત ??
તપસ્વીરત્ના દર્શનાબેન નયનભાઈ દ્વારા શંખેશ્વર તીર્થમાં મારી નિશ્રામાં આયોજિત સામૂહિક અટ્ઠમ તપની આરાધના પ્રસંગે અન્ય આગેવાન શ્રાવકોની હાજરીમાં સંવેગભાઈ તથા શ્રીપાલભાઈને મેં કહેલું કે, અમે તીર્થરક્ષા માટે કડવું સત્ય કહેનારા છીએ, આથી મારા પાલીતાણા ચાતુર્માસ આદિ વખતે પેઢી દ્વારા અમારા સમુદાયને યોગ્ય સગવડતા અપાતી ન હતી કે જે અન્ય સમુદાયને અપાઇ છે. ત્યારે બન્ને ટ્રસ્ટીઓએ તેની આનાકાની કરી હતી. પરંતુ પાછળથી ભેદભાવભર્યા વર્તનના પુરાવાઓ મોકલવામાં આવતા તેઓને મિચ્છામિ દુક્કડમ્ આપવું પડેલું. આ રીતે અનેક વખતના ભેદભાવ થયા હોવા છતાં, ભેદભાવ રાખ્યા વગર તમામ ગચ્છના મહાત્માઓની ભક્તિ કરવાનો દાવો કરવો, તેને પોકળ દાવા સિવાય શું કહેવાય ?
વળી પેઢીએ મૂળ પ્રશ્ન ઉઠાવનાર જૈનાચાર્ય સાથે વાત સુદ્ધાં કરવાની તસ્દી લીધા વિના જ જાહેરમાં વખોડવાની અને આક્ષેપો કરવાની પ્રવૃત્તિ ચાલુ કરી દીધી છે. જે તેમના ઔચિત્ય પાલનના દાવાને પોલો સાબિત કરે છે.
પેઢીને અનુકૂળ એવા સમુદાયનાં મહાત્મા, જેમણે ઈતર ધર્મીઓ સાથે જૈનોને સખત વિરોધ થાય તેવું તીર્થરક્ષાના નામે મહા નુકસાન કર્યું હતું, છતાં તેમને જાળવવા મહાતીર્થને નુકસાન થઈ જાય એટલી હદે પેઢીએ ભૂતકાળમાં અયોગ્ય પ્રયત્નો કર્યા છે. તેની સામે નેક નિષ્ઠાથી તીર્થરક્ષાનું કાર્ય કરનાર ધર્માચાર્ય અને તેમના સમગ્ર સમુદાય સાથે નવરોજી લેન ઉપાશ્રયમાં અમાનવીય અને નીચ વ્યવહાર થયો, છતાં નિષ્ક્રિય કે અલિપ્ત રહીને તેને વખોડવાનું કે અટકાવવાનું કે સૌને સાવચેત કરવાનું પણ ન સૂઝે, એ શું ભેદભાવ વગરની ભક્તિ અને ઔચિત્ય છે ?
ઊલટું, જેના પુરાવા જગજાહેર છે તેવી હકીકતોને પાયા વગરની અને ગેરમાર્ગે દોરનારા આક્ષેપો ગણી જૈન સંઘોને સાવચેત કરવાનું સૂઝે, તેને ઔચિત્ય પાલન કહેવાય ખરું ?
- પેઢીનો વિરોધ ચાલુ થયા પછી, અમારા સમુદાયને આવકારનારા સ્થાનિક ઉપાશ્રયોના વહીવટદારો તરફથી એવી વાત આવે કે પંડિત મહારાજ પેઢી સામેનું મિશન પડતું મૂકે પછી તેમને આવકારીએ !
- ઘાટકોપર વિવાદ વખતે ચાલુ પ્રશ્ન બાજુએ મૂકી, સંઘમાં ભાગલા પડાવે તે શું તીર્થરક્ષા કરશે ? જેવા અનેક પ્રકારના શોર-બકોર વહીવટદારો આદિ દ્વારા કરવામાં આવે !
- જે મહાત્માઓના વડીલોએ પેઢીની ભૂલોનો મજબૂત વિરોધ કર્યો હોય, તે જ મહાત્માઓ પેઢીનો વિરોધ પાછો ખેંચવા જણાવે, મને ભારતભરના ઉપાશ્રયોમાં ઉતરવા નહીં મળે તેવી ચીમકીઓ આપે !
- મારી વિરુદ્ધમાં લગભગ 76 અને 105 ટ્રસ્ટોના વહીવટદારો તરફથી, મને સાંભળવાની તસ્દી પણ લીધા વગર જ બહાર પડાયેલા નિવેદનોમાં સંદર્ભ વિના જ પેઢીના કાર્યોની-તીર્થરક્ષાની અનુમોદના કરવામાં આવે!
- પેઢી પોતાનાં 15 માર્ચનાં નિવેદનોમાં ઘાટકોપરના વહીવટદારોએ કરેલી અનુચિત પ્રવૃત્તિઓને અનુલક્ષીને એકપણ શબ્દ લખ્યા વિના, અમારી સત્ય વાતોને વખોડી, આક્ષેપ તરીકે ખપાવે !
આ બધું શું પેઢી દ્વારા પાછલા બારણે શાસન રક્ષાના કાર્યને કચડી નાખવા જોર લગાવાય છે તેના ચિહ્નો નથી ? બાકી, પેઢી જેવી મહાસત્તાઓએ બધે સક્રિય થઈને જાહેરમાં બધું બોલવું જ પડે કે કરવું જ પડે તેવી જરૂર હોતી નથી. તેમનો ઈશારો પણ ઘણી ઉથલપાથલ કરી શકે છે. છતાં તેમણે માનેલા આક્ષેપો બાબતે વખોડવા કે સાવચેત રહેવાની તેમની સલાહમાં આડકતરી રીતે સાચા પ્રચારોથી સાવચેત રહીને ખોટા પ્રચારોને સાંભળવાની પ્રેરણા વ્યક્ત થઈ રહી છે. અહીં પેઢીના નિવેદનમાં, સમાચાર પત્રોમાં આવેલી વાતથી જેટલો ગભરાટ દેખાય છે તેની અપેક્ષાએ ધર્માચાર્ય દ્વારા કહેવાતી સાચી વાતને આક્ષેપ કહીને નકારતાં જરાય ખચકાટ દેખાતો નથી.
છેવટે, જો અમારા સમુદાય સાથે થયેલાં અયોગ્ય વ્યવહારમાં પેઢી પાછલે બારણે સક્રિય ન હોય, ભેદભાવ વિના પૂજયોનું ઔચિત્ય જાળવવામાં માનતી હોય તો ભારતભરના શ્વે. મૂ. પૂ. તપાગચ્છીય ઉપાશ્રયોના વહીવટદારોને નિર્દેશ આપે (જેની સત્તા તેમના બંધારણમાં તેમણે લીધી છે.) કે, કોઈ પણ સ્થાનિક ઉપાશ્રયના વહીવટદારોએ તપાગચ્છના કોઈપણ સમુદાયના મહાત્માઓ સાથે ભેદભાવ કે અનૌચિત્યપૂર્ણ વર્તન કરવું નહીં.
અહીં પ્રાસંગિક નોંધ લેવી જરૂરી છે કે, પેઢીના બંને નિવેદનો જાવક નંબર વિનાના છે. તેમની પદ્ધતિ વિરુદ્ધનું આ કાર્ય તથા એકનું એક લખાણ મારા નામ સહિત અને નામ વિના મૂકવાની પ્રવૃત્તિ પણ આશ્ચર્ય સહિત શંકા જન્માવનારી છે.
સકળ શ્રીસંઘનું મંગલ થાઓ !
(ગ. આ. વિજયયુગભૂષણસૂરિ)