Ref No. 202202G-
વિ. સં. ૨૦૭૮ મહા વદ ૪
તા. ૨૦/૦૨/૨૦૨૨, રવિવાર
મુલુંડ, મુંબઈ.
પ્રતિ
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તથા તેમના
પ્રમુખ સુશ્રાવક સંવેગભાઈ લાલભાઈ
ટ્રસ્ટી સુશ્રાવક ગૌરવભાઈ અનુભાઈ
ટ્રસ્ટી સુશ્રાવક અશોકભાઇ ગાંધી
ટ્રસ્ટી સુશ્રાવક સુધીરભાઈ મહેતા
ટ્રસ્ટી સુશ્રાવક શ્રીપાલભાઈ શાહ
ટ્રસ્ટી સુશ્રાવક સુદીપભાઈ સનતભાઈ
ટ્રસ્ટી સુશ્રાવક સચિનભાઈ શાહ
ટ્રસ્ટી સુશ્રાવક કલ્પેશભાઈ શાહ
વિષય: શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને Arbitration ની ખુલ્લી Offer
ધર્મલાભ સહ જણાવવાનું કે
શાસનની વિષમ પરિસ્થિતિ તથા ગંભીર આપત્તિઓને કારણે હૃદયમાં ઉભરાયેલી તીવ્ર વેદનાને વાચા આપતા અમુક નિવેદનો મેં છેલ્લા કેટલાક સમયમાં જાહેર કર્યા છે. વખતોવખત તે નિવેદનો તથા અન્ય પત્રો આદિ ઘણી માહિતીઓ શાસનની સમસ્યાઓનું નિવારણ કરાવવાના આશયથી તમોને પણ મોકલી છે. પરંતુ તમોએ તમારી જવાબદારી હોવા છતાં હજુ સુધી વ્યક્તિગત કે જાહેરમાં તેનો મુદ્દાસર પ્રત્યુત્તર આપ્યો નથી.
ઉપરોક્ત નિવેદનોથી જનજાગૃતિ થતાં અનેક લોકો દ્વારા વિધવિધ માધ્યમો થકી તમોને પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. તમોને હજારોની સંખ્યામાં ખુલાસા માંગતા પત્રો – વિરોધના પત્રો લખાઈ રહ્યા છે. પરંતુ, તમારો પ્રતિનિધિ તરીકેનો દાવો હોવા છતાં, તમારા તરફથી કોઈ સમુચિત ખુલાસા અપાયા હોય એવું જાણવા મળતું નથી. ઊલટું, નિવેદનોમાંના મુદ્દાઓ ભ્રામક કે ઉશ્કેરણીજનક છે, તેવા આક્ષેપો જાહેરમાં કરવા દ્વારા શાસનના ગંભીર પ્રશ્નોને કચડી નાખવાનો પ્રયાસ કરાયો છે, જે હકીકત જગજાહેર છે. આવા કારણોસર શ્રીસંઘમાં વાતાવરણ વધુ ને વધુ ગરમાઈ રહ્યું છે.
આગળ વધીને, મૂળ સમસ્યાનો નિવેડો લાવવાને બદલે તમારી તરફેણમાં નિવૃત્ત ન્યાયાધીશો અને વકીલોના, તાર્કિક કારણોથી રહિત અભિપ્રાયો જાહેર કરાય છે. જેનાથી સંઘમાં એમ સ્થાપિત કરાય છે કે પેઢીની વાતોને કાયદાકીય નિષ્ણાતોનું પીઠબળ છે અને કાયદાવિદોના મંતવ્ય મુજબ પંડિત મહારાજે દર્શાવેલાં મુદ્દાઓ સર્વથા અર્થહીન છે.
પરંતુ સચોટ અને સ્પષ્ટપણે દેખાતી શાસનના હિતની સાચી વાત યોગ્ય મુદ્દાસર જવાબો વિના હું કોઈ રીતે છોડી શકું તેમ નથી. માટે, જિનાજ્ઞાનુસાર ઘણું ઘણું મંથન કર્યા પછી આનો સૌજન્યતાપૂર્વક ઉકેલ આવે તેવો ઉપાય જે મને જણાયો છે તે તમોને જણાવું છું.
સંઘમાં તમારા દ્વારા એવો તીવ્ર પ્રચાર કરાય છે કે “…..કાયદાકીય બાબતોમાં શ્રેષ્ઠ કાયદાવિદોની સલાહ મુજબ પેઢી કામ કરે છે.” તમો મારા સિવાય અન્ય ગચ્છાધિપતિઓ અને આચાર્ય ભગવંતોને અંગત રીતે લખેલા પત્રમાં પણ જણાવો છો કે, “…..કાયદાકીય બાબતોમાં કાયદાના નિષ્ણાતોનો અભિપ્રાય મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.” તેથી તમારા આ વિધાનોના આધારે હું ખુલ્લી offer આપું છું કે શાસ્ત્રમર્યાદાથી અવિરુદ્ધ રીતે કાયદાકીય માળખા હેઠળ Supreme Court ના નિવૃત્ત ન્યાયાધીશો આદિ નિષ્ણાત કાયદાવિદોની Arbitration Panel નીમી આ વાતનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. તથા તે કાયદાકીય Arbitration નો award ઉભયપક્ષને માન્ય રહે.
આ પ્રસ્તાવ માત્ર ને માત્ર શાસનના – તીર્થોના હિતની સુરક્ષાના ઉદાત્ત આશયથી જ મૂકું છું. કોઈ અંગત ભય, ચિંતા કે રાગ-દ્વેષથી જણાવતો નથી. વાસ્તવમાં, સત્ય ક્યારેય પરીક્ષાથી દૂર ન ભાગે, આ નિયમ જ હૃદયમાં સચ્ચાઈનો રણકાર જગાવે છે.
જો તમારો પણ અભિપ્રાય નક્કર હોય તો તમારે શ્રીસંઘના ઉજ્જ્વળ ભવિષ્ય માટે આ offer સ્વીકારવી જ જોઈએ. તેમાં પીછેહઠ કોઈ રીતે યોગ્ય નહીં ગણાય. અહી એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે, ગમે તેટલા ઉચ્ચ સ્થાનેથી પણ જો નિરાધાર વિધાનો જાહેર થાય, તો કદાચ public pressure ઊભું થઈ શકે, પરંતુ સત્ય બદલાઈ શકતું નથી. તો પછી સમસ્યાનું solution તો આવે જ કેવી રીતે ?
હું આશા રાખું છું કે, પેઢી આ બાબતે સકારાત્મક થઈ, જિનશાસનના હિતમાં Arbitration ના સ્વીકાર બાબતે શીઘ્ર પ્રત્યુત્તર આપશે.
ભવભ્રમણના ભય અને સ્વ-આત્મચિંતા સાથે ધર્મકાર્યોમાં પ્રવર્તો એવી શુભાભિલાષા.
ધર્મલાભ
(ગ. આ. વિજય યુગભૂષણસૂરિ)
નકલ રવાના : આણંદજી કલ્યાણજી પેઢીના સર્વ પ્રાદેશિક પ્રતિનિધિઓ