વિ.સં. ૨૦૭૮, પોષ વદ – ૧૧,
તા. 28-01-2022, શુક્રવાર.
બોરિવલી, મુંબઈ
Ref.:202201G-03
જાહેર ખુલાસો
શ્રી શત્રુંજય મહાતીર્થ સંબંધી નીલકંઠ મહાદેવ કેસની એફિડેવિટ આદિમાં શાસ્ત્રો કે કાયદાની દૃષ્ટિએ જે અસાધારણ હાનિકારક રજૂઆતો આણંદજી કલ્યાણજી પેઢી વતી કરાઈ છે, તેના સંભવિત ભાવિ નુકસાનો તટસ્થ સમીક્ષાત્મક નિવેદનો દ્વારા મેં જાહેરમાં જણાવ્યાં છે. કારણ કે તેના સિવાય બીજી કોઈ રીતે એટલે કે પત્રોનો જવાબ આપવા અથવા વ્યક્તિગત રીતે સાંભળવા, શાસનરક્ષા જેવા ગંભીર પ્રશ્ને પણ પેઢી તૈયાર હોતી નથી, તેવું ભૂતકાળના અનેક અનુભવોથી નિશ્ચિતપણે મને સમજાયું છે. ઢગલાબંધ અનુભવો એવાં થયાં છે કે, પ્રસ્તુત કેસના મુદ્દાઓ જેવાં કે તેના કરતાં પણ અત્યંત ગંભીર શાસન અને તીર્થને નુકસાનકારક બાબતોના ઉપાયો કરવાને બદલે પેઢી દ્વારા તેને દબાવી દેવાના જ પ્રયત્નો કરાયાં હોય. પ્રસ્તુતમાં પણ પેઢીએ આવા જ અનુભવોમાં એક અનુભવનો ઉમેરો કરાવ્યો છે, કેમ કે નીલકંઠ મહાદેવ કેસના જબ્બર હાનિકારક મુદ્દાઓ બાબતે મેં કરેલી મુદ્દાસર પ્રસ્તુતિના ખુલાસારૂપે પેઢી તરફથી તે મુદ્દાઓને અડ્યા વિના જ તેને ‘ભ્રામક’, ‘ઉપજાવી કાઢેલા મુદ્દા’, ‘શાબ્દિક જાળ’ વગેરે ટાઇટલો આપવા દ્વારા તીર્થરક્ષાના ગંભીર પ્રશ્નને જાહેરમાં પણ દબાવી દેવાનો પ્રયાસ કરાયો છે.
વાસ્તવમાં જો આણંદજી કલ્યાણજી પેઢી પોતાને જવાબદાર ગણતી હોય, પોતાની જવાબદારી સમજતી હોય તો તેના જવાબદાર ટ્રસ્ટીઓએ ધર્મચાર્યોને યોગ્ય મુદ્દાસર જવાબ આપવાની જવાબદારી અદા કરવી જ જોઈએ, પરંતુ અત્યાર સુધી પેઢીએ મને વ્યક્તિગતરૂપે કે જાહેરમાં કોઈ તેવો ખુલાસો આપ્યો નથી, જે શાસન માટે અત્યંત આઘાતજનક છે.