ફાગણ વદ ૯, વિ. સં. ૨૦૭૮
શનિવાર, ૨૬.૩.૨૦૨૨
ગીતાર્થ ગંગા, બોરીવલી
ગુજરાત સમાચાર તથા મિડ ડે માં છપાયેલ જાહેર નિવેદનોનો
જાહેર ખુલાસો
તા. ૧૫.૩.૨૦૨૨ ના ગુજરાત સમાચાર અને ૧૭.૩.૨૦૨૨ ના મિડ ડે બંને મુંબઈ આવૃતિનાં સમાચાર પત્રોમાં અનુક્રમે ૭૬ અને ૧૦૫ ટ્રસ્ટો દ્વારા જાહેરાતરૂપે જે નિવેદન પ્રકાશિત થયાં છે, તેના સંબંધમાં નીચે મુજબનો ખુલાસો આવશ્યક લાગતાં અમે સકળ શ્રીસંઘની જાણ સારુ અત્રે જાહેર કરીએ છીએ.
૮.૩.૨૦૨૨ ના દિવસે સર્વોદયનગર, મુલુંડમાં મને કોઈ શ્રીસંઘ ના પાડવા આવ્યો નથી. પરંતુ જેમનો મને કોઈ પરિચય નહોતો એવાં પાંચ-સાત યુવાનોએ 'અમો શ્રી સંઘ છીએ' તેવાં દાવા સાથે ચાલુ પ્રવચને આવી પ્રવચનનો ચાલુ વિષય બદલવા દબાણપૂર્વક વિનંતિ કરી હતી. ત્યારે મેં સ્પષ્ટતા કરી હતી કે, શ્રીસંઘનો અર્થ ચતુર્વિધ શ્રીસંઘ છે. તેમાં માત્ર શ્રાવકો ન આવે, સાધુ સાધ્વીજી ભગવંતો પણ શ્રીસંઘમાં જ છે. તેઓ સંઘ બહાર નથી. વળી શ્રાવકો, આ સુધર્માસ્વામિની પાટ પરથી ધર્માચાર્યે શું બોલવું - શું ન બોલવું તે નક્કી કરવાની સત્તા ધરાવતાં નથી. હા, જો અમે જિનાજ્ઞા વિરુદ્ધ બોલતાં હોઈએ તો ચોક્કસ અટકાવી શકે છે. છતાં તેમણે મૂળ મુદ્દાઓનો જવાબ આપ્યા વિના ઉંચા સાદે ચર્ચા ચાલુ જ રાખી હતી.
તે સમયે પાંચ-સાત યુવાનો સિવાય, અનેક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ મૌનપણે ત્યાં ઉપસ્થિત હતાં. છતાં શ્રીસંઘ તરીકેનો દાવો ચાલુ રાખવાપૂર્વક તે પાંચ-સાત યુવાનોએ અયોગ્ય વિનંતિ ચાલુ રાખતાં મેં તેની ઉપેક્ષા કરી પ્રવચન ચાલુ જ રાખ્યું હતું. સાથે મેં જણાવેલું કે અમે અમારા વિચારો કોઈની પર લાદતા નથી. જેને ન સાંભળવું હોય તે જઈ શકે છે. ત્યારે તે પાંચ-સાત યુવાનો નારાજગી સાથે નીકળી ગયેલા, પણ અન્ય ઉપસ્થિત સર્વેએ શાંતિપૂર્વક જિનવાણીનું શ્રવણ કરેલ.
બીજું, ત્યાં મેં વાચના નહીં પ્રવચન જ આપ્યું હતું. વળી, શ્રીસંઘે મને ના પાડી જ નથી, વાચના આપવાની પણ ના પાડી નથી, પરંતુ પાંચ-સાત યુવાનોએ ચાલુ વિષય પર પ્રવચન આપવાની ના પાડી છે, જેના સાક્ષી ઉપસ્થિત સર્વે શ્રોતાઓ છે. છતાં આવી પ્રગટ અસત્ય વાત ૭૬ અને ૧૦૫ ટ્રસ્ટોના વહીવટદારો દ્વારા પ્રકાશિત થઈ છે, જે તેમની જાણકારી ઉપર પણ મોટો પ્રશ્નાર્થ ખડો કરે છે.
૧૦/૩/૨૦૨૨ ના દિવસે નવરોજી લેન ઉપાશ્રય ખાતે અને ત્યારબાદ અત્યાર સુધી અવગ્રહ મર્યાદા ભંગનાં નામથી ખૂબ કોલાહલ મચાવાય છે. પરંતુ તે જ પ્રસંગે મેં શાસ્ત્રનાં આધારે જણાવ્યું હતું કે, વિહારના માર્ગમાં આવતા સ્થાનોમાં વિહાર પૂરતી સ્થિરતા માટે અને તેનાં જેવા અન્ય કારણો હોય તો રજા લઈને ઉતરવાનો એકાંત નથી. અર્થાત્ તેવા કારણે રજા માંગ્યા વિના પણ સાધુ વસતિમાં ઉતરી શકે.
વળી, ૮.૩.૨૦૨૨ ના જ અમારી પૂર્વ સ્થિરતા સર્વોદયનગર ઉપાશ્રયમાં હતી, પાછળથી નવરોજી લેનમાં અવગ્રહના નામથી ધાંધલ મચાવનાર મહાત્માઓના સમુદાયના જ મહાત્મા અમારી રજા લીધાં વિના સર્વોદયનગર ઉપાશ્રયમાં ઉતરી ગયા હતા. તેવા અનેક અનુભવો તેમના સમુદાયના કે અન્ય સમુદાયના મહાત્માઓ દ્વારા અનેકવાર થયાં છે, પરંતુ અમોએ ક્યારેય શાસ્ત્રીય અવગ્રહ મર્યાદા ભંગનાં નામથી આવી રીતે ઘોંઘાટ કર્યો નથી.
વળી, જે તપાગચ્છનું સ્થાન હોય ત્યાં કોઈપણ તપાગચ્છીય સંયમી મહાત્માઓને ઉતરતાં રોકવાનો વાસ્તવમાં તો કોઈને અધિકાર જ નથી. તેમાં પણ શ્રાવકો તો ધર્મસ્થાનોનાં માત્ર વહીવટદાર જ છે, તે સંયોગોમાં તેમને તેવા પ્રકારનાં સ્વતંત્ર નિર્ણયો લેવાનો અધિકાર કઈ રીતે મળે ?
છતાં પોતાનાં અધિકારોની ઉપરવટ જઈ, અનેકાંતાત્મક શાસ્ત્રીય અવગ્રહ મર્યાદાની પણ ઉપરવટ જઈ ધાંધલ મચાવવાથી જ અત્યંત અશોભનીય ઘટના બની છે. તે ધાંધલ મચાવનારાઓથી પ્રેરાઈને ત્યાંનાં અમુક સ્થાનિક શ્રાવકો આદિ દ્વારા નારાબાજી કરવી, સાવ તોછડો ભાષાવ્યવહાર કરવો, વિહાર કરીને આવેલા તપસ્વી અને શ્રમિત મહાત્માઓને ગોચરી-પાણી વગર ભૂખ્યા-તરસ્યા રાખવા, મહાત્માની ઉપધિ ઉપર આક્રમણ કરવું, તેને ફેંકી દેવી-તોડી નાંખવી, તેને બચાવવા આવનાર મહાત્માઓને ધક્કા-મુક્કી તથા ઇજા કરવી, સંઘની બહેનો દ્વારા મહાત્માઓ અને તેમની ઉપધિને ઘેરી લેવી, શ્રાવકો સાથે પીટાઈ કરવી, ગંભીર માંદગી માટે આવશ્યક અને અનિવાર્ય દવાઓ પણ રોગગ્રસ્ત એવા મને ન લેવા દેવી, અત્યંત માનસિક ત્રાસ આપવો, શ્રાવક તો જવા દો એક અજૈન સભ્ય માનવને પણ ન શોભે એવું નિમ્ન કક્ષાનું અને ગમે ત્યારે અમારી ઉપર પણ આક્રમણ આવી શકે તેવો ભય પેદા કરનારું હીચકારું વાતાવરણ તૈયાર કરાયું હતું. જે કાર્યો વર્તમાન પત્રોમાં નિવેદનો પ્રગટ કરનારા વહીવટદારો પ્રમાણે શાસનની ગરિમાને વધારનારા ગણાય ! કારણ કે તેઓએ એકપક્ષી વાત કરીને, તેને લેખિતમાં સમર્થન આપ્યું છે.
અમારા તરફથી શાંતિ, સુરક્ષા અને સત્ય વાત કરવા સિવાયનો કોઇ પ્રયત્ન કરાયો નથી. જ્યારે ત્યાંનાં શ્રાવકો દ્વારા સતત ઉશ્કેરણીજનક વાણીપ્રયોગ અને પ્રવૃત્તિ થઈ રહી હતી, તેને અટકાવવા ત્યાંનાં આગેવાનો કે મહાત્માઓએ પ્રાયઃ કરીને કોઈ જ પ્રયત્ન કર્યો નથી, પરંતુ કોઈને કોઈ રીતે ઉશ્કેરણી દ્વારા સમર્થન જ આપ્યું છે. વળી, નિવેદનો પ્રગટ કરનારા વહીવટદારોએ પણ, અમારી સાથે અત્યંત ઘૃણાસ્પદ વ્યવહાર થવા છતાં નવરોજી લેન ઉપાશ્રયના વહીવટદારો કે તત્રસ્થ મહાત્માઓના વર્તન અંગે એક પણ ટીકાત્મક કે ખેદ દર્શાવનારું વાક્ય આજ દિવસ સુધી પ્રસિદ્ધ કર્યું નથી. ઉલ્ટું, જિનાજ્ઞાથી અવિરુદ્ધ એવી અમારી પ્રવૃત્તિને વખોડવા-વગોવવાનો જ પ્રયત્ન કરાયો છે.
આ રીતે શાસનની ગરિમાને હાનિ પહોંચાડવાની કે સંઘનું સૌહાર્દ કલુષિત કરવાની જવાબદારી તે ધાંધલ મચાવનારાઓની જ છે. આજની યુવા પેઢી આવું જોઈ, જાણી, સાંભળી ધર્મથી વિમુખ થાય છે, એમ જે કહેવામાં આવે છે તેની જવાબદારી પણ આ ધાંધલ મચાવનારાઓના શિરે જ જાય છે.
અહીં નોંધનીય છે કે પ્રસ્તુત નિવેદનમાં ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તે અસભ્ય વર્તનવાળી ઘટના કોણે કરી, તે સ્પષ્ટપણે દર્શાવવા જેટલી પ્રામાણિકતાનો તેમાં સરેઆમ અભાવ દેખાય છે. જે, તે નિવેદન પ્રગટ કરનારા ટ્રસ્ટીઓ માટે ખૂબ શરમજનક છે.
વળી, પ્રત્યક્ષ ઘટનાઓ બની હોવા છતાં તે ઘટના સંબંધી વિવરણોમાં કોઈ તથ્ય નથી, આવું લખનાર પોતાનાં ધડ ઉપર મસ્તક નથી તેવું પ્રત્યક્ષ વિરુદ્ધ બોલે છે. ઉપરાંત, નક્કર હકીકતો માટે તથ્યો નથી એમ કહીને નકારનારા ખરેખર તો તથ્યોને જ નકારી રહ્યા છે, જે તેમની પ્રામાણિકતા ઉપર હજુ મોટો પ્રશ્નાર્થ ખડો કરે છે.
બીજા પક્ષની વાતો તટસ્થતાથી જાણવા-સમજવાનો-સાંભળવાનો પ્રયત્ન કર્યા વિના જાહેરમાં જજમેન્ટ આપી જિનાજ્ઞાની હીલના કરનાર વહીવટદારો પ્રવર સમિતિની હીલનાની ચિંતા કરે તે ખૂબ આશ્ચર્યજનક છે.
ધર્મસ્થાનોના પદાધિકારીઓને, અમે શ્રીસંઘ છીએ તેવો દાવો કરવો છે. પરંતુ શ્રીસંઘ તો મધ્યસ્થ હોય. આ પ્રસંગ બાબતે બીજા પક્ષનું સાંભળ્યા વિના જ નિવેદન જાહેર કરી દેવું તેને મધ્યસ્થતા કેવી રીતે કહેવાય? ખરેખર તો તે વહીવટદારો ચતુર્વિધ સંઘ ન હોવાથી પણ સંઘ ગણી શકાય તેમ નથી અને ગુણવત્તાની દ્રષ્ટિએ પણ તેઓને સંઘ રૂપે ગણી શકાય તેમ નથી.
તેમના નિવેદનોમાં મૂળ મુદ્દાથી સાવ અસંલગ્ન એવો, પેઢી દ્વારા કરાતી તીર્થરક્ષાની અનુમોદનાનો મુદ્દો સૌથી વધુ ઉપસાવવામાં આવ્યો છે. જેનાથી, ઉપાશ્રયે -ઉપાશ્રયે કરાઈ રહેલા અમારા વિરોધની પાછળ, પેઢીનાં શ્રેષ્ઠીઓને અમારી સાથે થયેલો વિરોધ પ્રેરક બળ છે તે સ્પષ્ટ થાય છે. અમે પેઢી માટે વ્હીસલ બ્લોઅર બન્યાં છીએ તે જ અમારો એક માત્ર ગુનો છે, તેવું ગર્ભિત રીતે આમાં કહેવાઈ જાય છે. છતાં તે ભાવને છુપાવવા આડકતરી રીતે પેઢીના તીર્થો સંબંધી કાર્યોની સમગ્રતાથી અનુમોદના કરવાની તેમની પદ્ધતિને જિનશાસનની વફાદારીના કારણે અમો વખોડી નાંખીએ છીએ.
છેલ્લે, વારે-વારે સંઘની આજ્ઞાના નામથી ભગવાન ભદ્રબાહુસ્વામીજીના દૃષ્ટાંતને એકાંગીપણે જોડવામાં આવે છે, ત્યારે ખુલાસો જરૂરી બને છે. શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘે બહુ આગ્રહપૂર્વક છેલ્લા ચાર પૂર્વનું સૂત્ર અને અર્થથી જ્ઞાન શ્રી સ્થૂલિભદ્રસ્વામીને આપવા વિનંતી કરી હતી. સંઘનો ઉદ્દેશ્ય શ્રુતનો વારસો આગળ ધપાવવાનો જ હતો, છતાં તે આગળ ધપાવવાની વિનંતિ જિનાજ્ઞા સમ્મત ન હોવાથી ભદ્રબાહુસ્વામીજીએ ધરાર માની નહીં. ઉલટું, સંઘના માત્ર માન ખાતર સ્થૂલિભદ્રજીને છેલ્લા ચાર પૂર્વનું સૂત્રથી જ જ્ઞાન આપ્યું. તે પણ આગળ કોઈને નહીં આપવાની શરતે. વળી, શ્રુતનો વારસો આગળ ધપાવવાની સંઘની વિનંતિ હોવા છતાં તેનો અસ્વીકાર કરીને અર્થથી તો આપ્યું જ નહીં. અર્થાત્ સંઘની વિનંતિથી વિપરીતપણે, છતાં જિનાજ્ઞા મુજબ શ્રુતનો વારસો આગળ નહીં વધારવાનો પાક્કો પ્રબંધ કરેલો.
આ પ્રસિદ્ધ હકીકતને નહીં સમજનારાઓ એકાંગીપણે ભદ્રબાહુસ્વામીજીનું દૃષ્ટાંત લઈને શ્રીસંઘની વ્યવસ્થાને વિકૃતરૂપે રજૂ કરી રહ્યાં છે. તેનાથી સહુએ સાવધાન રહેવા ભલામણ.
સકળ શ્રી સંઘનું મંગળ થાઓ.